જગતના માનવસમાજમાં અર્ધી વસ્તી સ્ત્રીઓની છે. એ સ્ત્રી આજે પણ જગતમાં કયાંય સલામત નથી. જરાક એકાંતમાં તે ગઇ નથી કે પુરુષે તેના પર હુમલો કર્યો નથી. અલબત્ત આજે તે થોડીક સુરક્ષિત થઇ છે અને તે પૃથ્વી પર માનવસમાજે ઊભી કરેલી વ્યવસ્થાને કારણે છે. સભ્ય માનવસમાજે જ સ્ત્રીને વસ્ત્રથી ઢાંકી છે અને તેની સુરક્ષાના ઉપાયો કર્યા છે. તેમ છતાંય આજના સમાજમાં પણ બહાર તો શું ઘરમાં પણ, ઓફિસોમાં, ધર્મસ્થાનોમાં તો શું માતાના ઉદરમાં પણ સ્ત્રી ભ્રૂણની હત્યા થઇ જાય છે. પ્રાચીન જંગલી યુગમાં સ્ત્રીની કેવી માઠી દશા હશે તેની તો કલ્પના જ કરવી રહી.
ઐતિહાસિક યુગની વાત કરીએ તો પ્રાચીન ઇતિહાસ તો નકરો યુધ્ધોથી જ ભરેલો છે. આ યુધ્ધોમાં સૌથી માઠી, કરુણ અને અધમ દશા તો યુધ્ધમાં માર્યા ગયેલા યોધ્ધાઓની પત્નીઓની જ થતી હતી. હારેલા પક્ષની સ્ત્રીઓ વિજીત પક્ષની ગુલામ બની જતી હતી. એ જોતાં સમગ્ર દુનિયાને જીતવા નીકળેલા સિકંદરે કરેલા યુધ્ધોમાં સ્ત્રીઓની કેવી દુર્દશા થઇ હશે? આપણા રાજા-મહારાજાઓ વાતવાતમાં લડી પડતા હતા અને યુધ્ધ કરવા નીકળી પડતા હતા. જેમાં માર્યા જતા સૈનિકોની સ્ત્રીઓની જે માઠી દશા થતી હશે તેની તો કલ્પના જ કરવી રહી ને? આજના આધુનિક યુગમાં પણ યુધ્ધમાં માર્યા જતા સૈનિકોની વિધવાઓને યોગ્ય ન્યાય નહીં મળવાનો અવાજ અવારનવાર ઊઠતો રહે છે. તો પ્રાચીન કાળમાં સૈનિકોની વિધવાઓનો કોણ ભાવ પૂછતું હશે?
ચક્રવર્તી સમ્રાટ બની રાજસુય અને અશ્વમેધ યજ્ઞ કરનારા આપણા પ્રાચીન રાજાધિરાજોએ સ્ત્રીઓની દુર્દશા કરવામાં શું બાકી રાખ્યું હશે? જેનું સૌથી ધ્યાનોજવળ પ્રમાણ આપણને મહાભારતમાંથી મળે છે. મહાભારતના યુધ્ધમાં આખા દેશના ક્ષત્રિય વીરોનો લાખોની સંખ્યામાં વિનાશ થયો હતો, એમનાં બાળકો અને વૃધ્ધ માતા પિતા સહિત એમની સ્ત્રીઓની જે અસહાય, કફોડી હાલત થઇ હશે તેનું વર્ણન આપણે કરી શકીએ એમ નથી. મહાભારત કહે છે કે યાદવ વીરો પરસ્પરમાં લડીને મરી ગયા પછી યાદવોની સ્ત્રીઓ લઇને હસ્તિનાપુર આવનાર અર્જુનની હાજરીમાં યાદવ સ્ત્રીઓ લૂંટાઇ હતી. અર્જુનનું ગાંડીવ નિષ્ફળ ગયું હતું. જયારે આજના આધુનિક યુગમાં આપણા સમાજમાં સ્ત્રી જરાયે સલામત નથી. સ્ત્રી આજે જે સલામત છે તે અન્ય પુરુષોને કારણે છે. માનવ સભ્યતા માટે તે અધમ અપરાધિક ઘટના છે.
કડોદ – એન. વી. ચાવડા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.