વલસાડ : ગુજરાતમાં (Gujarat) આગામી 5 દિવસ દરમિયાન ફરીથી હીટ વેવની (Heat wave) આગાહી કરવામાં આવી છે, પરંતુ વલસાડ (Valsad) જિલ્લામાં છેલ્લા 5 દિવસથી જ હિટવેવ ચાલી રહી છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા બે દિવસથી વલસાડમાં તાપમાનમાં દોઢ ડિગ્રીનો ઘટાડો થયો છે, પરંતુ ગરમીની અનુભૂતિ યથાવત જોવા મળી છે.
છેલ્લા 5 દિવસનું વલસાડનું તાપમાન :તારીખ મહત્તમ તાપમાન લઘુત્તમ તાપમાન
- 21 એપ્રિલ 40 ડિગ્રી 26.5 ડિગ્રી
- 22 એપ્રિલ 40.5 ડિગ્રી 21.5 ડિગ્રી
વલસાડમાં ગત 21મી તારીખે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને ગત 22મી તારીખે મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતુ. જેની સાથે 22 મી એપ્રિલ મોસમનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. ત્યારબાદ વલસાડમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જોકે, તેમ છતાં વલસાડમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 3-4 દિવસથી સમગ્ર વલસાડ જિલ્લામાં પડી રહેલી અસહ્ય ગરમીની અસર જાહેર જીવન પર પણ જોવા મળે છે. શહેરો અને ગ્રામ્ય પંથકોના બજારો પણ બપોરના સમયે સૂના ભાસી રહ્યા છે. જાહેર રસ્તાઓ પણ સૂમસામ જોવા મળી રહ્યા છે.
વલસાડમાં મહત્તમ સાથે લઘુત્તમ તાપમાન પણ વધી રહ્યું હતુ. સામાન્ય રીતે વલસાડમાં લઘુત્તમ તાપમાનો પારો 20 થી 21 ડિગ્રી રહેતો હતો. જે 21મી તારીખથી વધીને 28 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જેના કારણે રાત્રી દરમિયાન અને સવારના સમયે પણ કાળઝાળ ગરમી પડતી હતી. વલસાડના લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. છેલ્લા 5 વર્ષમાં એપ્રિલ માસમાં આ વર્ષે સૌથી વધુ ગરમીની અનુભૂતિ થઇ રહી છે. હજુ આગામી 5 દિવસ દરમિયાન વલસાડમાં વધુ ગરમી પડે એવી આગાહી કરવામાં આવી છે. ત્યારે વલસાડના લોકોને હીટવેવથી બચવા સરકારે પણ ચેતવણી આપી છે.
હિટ વેવમાં કામ વિના બહાર નીકળશો નહી
વલસાડમાં હીટ વેવ પડી રહી છે, ત્યારે તંત્ર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ ગરમીની આ મોસમમાં સતત પાણી પીતા રહેવા, જરૂર વિના બહાર નીકળવા, વધુ ગરમી લાગે તો ઠંડા પાણીથી હાથ પગ અને મોં ધોવાનું સૂચન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં પણ હિટવેવની સંભાવનાના પગલે તકેદારી રાખવી જરૂરી બની છે.
નવસારીમાં મહત્તમ તાપમાન 1.8 ડિગ્રી વધીને 40.3 ડિગ્રી નોંધાયું
નવસારી : નવસારીમાં ગત 2 દિવસથી ગરમીનો પારો 40 ડિગ્રી કરતા વધુ નોંધાયો હતો. જોકે ગત રોજ મહત્તમ તાપમાન દોઢ ડિગ્રી ગગડ્યું હતું. પરંતુ ગરમી યથાવત હતી. ત્યારે આજે ફરી ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે ગરમીએ લોકોને દઝાડ્યા હતા. ગતરોજ મહત્તમ તાપમાન દોઢ ડિગ્રી ગગડ્યો હતો. પરંતુ અકળાવનારી ગરમી યથાવત રહી હતી. આજે સોમવારે ફરી ગરમીનો પારો દોઢ ડિગ્રી વધતા ગરમીએ લોકોને દઝાડ્યા હતા.
બીજી તરફ લઘુત્તમ તાપમાન પણ દોઢ ડિગ્રી જેટલું ગગડ્યું હતું. નવસારીમાં આજે મહત્તમ તાપમાન 1.8 ડિગ્રી વધીને 40.3 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 1.4 ડિગ્રી ગગડતા 22 ડિગ્રી નોંધાયું હતું. સોમવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 87 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 26 ટકાએ રહ્યું હતું. જ્યારે આજે પવનોએ દિશા બદલતા દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશાએથી 4 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.
શહેરમાં ગરમીનો પ્રકોપ, પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો
શહેરમાં આજે પણ સૂર્યદેવે આકાશમાંથી અગનગોળા વરસાવતા સતત ત્રીજા દિવસે ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો. બપોરે તાપમાનનો પારો એક ડિગ્રી વધીને 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો.
- આગામી દિવસોમાં ઉત્તરના પવન યથાવત રહેશે, દ.ગુ.માં પાંચ દિવસ હીટ વેવની આગાહી
- એપ્રિલ મહિનાની ગરમી રેકોર્ડ બ્રેક તરફ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં આજે ગરમીના આકરા તેવર જોવા મળ્યા હતાં. છેલ્લા ત્રણેક દિવસથી ગરમીમાં ધીમી ગતિએ વધારો થતો હતો. આજે સૂર્યના પ્રકોપથી ગરમીનો પારો એકાદ ડિગ્રી વધીને 40.4 ડિગ્રી નોંધાયો હતો. બપોરે 40.4 ડિગ્રી તાપમાનથી લોકોના ઘરમાં પણ ગળા સુકા થઈ જતાં વારંવાર પાણી પીવાની ફરજ પડી હતી. પંખા પણ જાણે ગરમ હવા ફેંકતા નકામા લાગતા હતા.
લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાતા પારો 25.1 ડિગ્રી નોંધાયો હતો. જોકે લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રી ઘટાડો છતાં રાત્રે પણ ગરમીએ લોકોને પંખા નીચે પરસેવો છોડાવ્યો હતો. બપોરે હવામાં 18 ટકા ભેજની સાથે 7 કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફુંકાયો હતો. આગામી દિવસમાં જો ઉત્તરના પવન ફુંકાતા રહ્યા તો ગરમીનો પ્રકોપ વધવાની સાથે રેકોર્ડ બ્રેક ગરમી પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં પણ આગામી પાંચ દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે.