વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની ખોરાક શાખા દ્વારા દિવાળીના તહેવારોમાં ભેળસેડીયા તત્વોને ડામવા કમરકસી છે.આરોગ્ય વિભાગની ફૂડ સેફટી વિભાગની જુદી જુદી ત્રણ ટિમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મીઠાઈ ફરસાણની દુકાનોમાં ઓચિંતું ચેકીંગ હાથધર્યું હતું.જેમાં સયાજીગંજ અલકાપુરી,ફતેગંજ અને માંજલપુર વિસ્તારમાં 15 થી વધુ દુકાનોમાંથી નમૂના એકત્ર કરી પૃથક્કરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.જ્યારે સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી હતી.
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી ભેળસેડીયા તત્વો સક્રિય થયા હોવાનું ધ્યાને આવતા જ વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ એન્ડ સેફટી વિભાગ એક્શનમાં આવ્યું છે. શુક્રવારે પાલિકાના આરોગ્ય વિભાગની ફૂડ સેફટી ઓફિસરોની જુદીજુદી ત્રણ ટિમો મેદાનમાં ઉતરી હતી.જ્યાં અલકાપુરી,માંજલપુર, ફતેગંજ અને સયાજીગંજ વિસ્તારમાં આવેલી મીઠાઈ ફરસાણ અને મુખવાસની દુકાનો પર દરોડા પાડ્યા હતા.જુદી જુદા વિસ્તારમાં પાડવામાં આવેલા આ દરોડા દરમિયાન 15 થી વધુ દુકાનોમાંથી આરોગ્ય વિભાગની ટીમોએ મીઠાઈ ફરસાણના નમૂના એકત્ર કરી ચકાસણી અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
વહેલી સવારથી જ કરવામાં આવેલી કામગીરી દરમિયાન ભેળસેડીયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.ઉલ્લેખનિય છે કે મલાઈદાર માવો ખાવા ટેવાયેલા અધિકારીઓના પાપે આવા ભેળસેડીયા તત્વો તહેવારો ટાળે સક્રિય બની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય છે.પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવતા આવા ખાણીપીણી,મીઠાઈ ફરસાણ સહિત અનાજ કરીયાણાના વેપારીઓ લોકોના આરોગ્યને નુકસાન કરતા હોય છે.આ પહેલા પણ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારમાં નમૂના લેવાની કામગીરી હાથધરી હતી.જેમાં 16 જેટલા નમૂના નાપાસ થયા હતા.જે દુકાનદારો પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.