નડિયાદ: નડિયાદ રૂરલ પોલીસે ગુનામાં કબ્જે કરેલો દેશી દારૂનો જથ્થો પોલીસ સ્ટેશનની અંદરથી જ હેડકોન્સ્ટેબલે બુટલેગર સાથે ચોરી કર્યો હતો અને તે મામલે બૂટલેગર અને અ.હેડકોન્સ્ટેબલ સામે ફરીયાદ નોંધાઈ હતી. આ ફરીયાદ નોંધાયા બાદ પોલીસ કર્મી હજુ પણ ફરાર છે. નડિયાદના ખાડ વિસ્તારના બુટલેગર કમલેશ રાવજીભાઈ તળપદાનો દારૂનો જથ્થો સલુણ ગામમાં એક્સપ્રેસ વે પાસેથી પકડી નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં રાખવામાં આવ્યો હતો. જેને એલ.આઈ.બી. શાખાના અ.હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહે બુટલેગર સાથે મળી નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાંથી ચોરી કર્યો હતો. જે મામલે બંને સામે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
આ સમગ્ર ઘટનામાં પોલીસે બુટલેગરની ધરપકડ કરી છે. પરંતુ યશપાલસિંહ ભૂગર્ભમાં છે. પોલીસનો પન્નો પોલીસ કર્મી સુધી જ પહોંચી શક્યો નથી. ઉલ્લેખનીય છે કે, ગત 2 નવેમ્બરના રોજ નડિયાદ રૂરલ પોલીસના માણસોએ સલુણ એક્સપ્રેસ હાઈવે પરથી એક શંકાસ્પદ હાલતમાં કંતાનમા લઈ જવાતો 50 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી બુટલેગર કમલેશ રાવજીની અટકાયત કરાઈ હતી. આ મુદ્દામાલ ગ્રામ્ય પોલીસ મથકે મૂકી કર્મીઓ અન્ય કામગીરી માટે ગયા હતા. બાદમાં સર્વિલન્સની અન્ય કામગીરીમાંથી પરત આવતા પોલીસ કર્મીઓએ પોલીસ સ્ટેશન ખાતે આવી જોતા મુદ્દામાલની ત્રણ બેગો હાજર નહોતી.
તે વિશે પોલીસ સ્ટેશનમાં ફરજ ઉપર હાજર એએસઆઈને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એક વ્યક્તિ તેમજ આપણા પોલીસ સ્ટેશનના એલ.આઈ.બી. અ.હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પ્રહલાદસિંહ સાથે આવેલા અને બે પાંચ મિનિટ પહેલા જ મુદ્દામાલ લઈને બહાર નીકળેલા હોવાનું જણાવ્યું હતું. આ અંગે હેડકોન્સ્ટેબલ યશપાલસિંહને પૂછતા તેઓ હમણાં આવું છું તેમ કહી જતા રહ્યા હતા. આ બાદ નડિયાદ રૂલર પોલીસે કમલેશ તળપદાની પૂછપરછ કરતાં જણાવ્યું કે, દારૂનો મુદ્દામાલ પોલીસ મથકમાંથી કાઢવા બાબતે આ હેડકોન્સ્ટેબલ યશપાલસિંહે મદદ કરી હતી. જેથી પોલીસે બંને સામે ફરીયાદ નોંધી હતી. આ કેસમાં પોલીસ કર્મી યશપાલસિંહ હાલ ફરાર છે. તેની ધરપકડ માટે ચક્રોગતિમાન કરાયાં છે.