સુરત: સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસા પહેલા લોકોને તપતાં તાપમાનથી છૂટકારો મળતો નથી. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં વધારાની સાથે ગરમીનો સામનો કરવો પડશે. ત્યારબાદ ૧૫ જૂનથી ચોમાસું ઓન સેટ થશે.
- 13મીએ મહારાષ્ટ્ર પર અને 18મીએ બંગાળની ખાડીમાં સર્જાનારા અપર એર સર્ક્યુલેશનથી વરસાદની શક્યતા
- સુરતમાં મહત્તમ તાપમાન અડધો ડિગ્રી વધીને 35.2, ન્યુનત્તમ તાપમાન 28.4 ડિગ્રી નોંધાયું
હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગમાં આવનારા દિવસોમાં ચોમાસાના આગમનની શક્યતા વધુ મજબૂત થઈ રહી છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, ૧૩ જૂનના રોજ મહારાષ્ટ્ર ઉપર અપર એર સર્કયુલેશન સર્જાવાનું છે, જેના પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ૧૫ જૂનથી ચોમાસું સેટ થવાની સંભાવના છે.
આ સાથે ૧૮ જૂને બંગાળની ખાડીમાં ફરી અપર એર સર્કયુલેશન સર્જાશે, જેના કારણે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં એક અઠવાડિયું સતત વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તે પહેલા ત્રણ દિવસ હજી ગરમી સહન કરવી પડશે.
શહેરમાં મંગળવારે પણ ગરમી યથાવત રહી હતી. મહત્તમ તાપમાન અડધો ડિગ્રી વધીને ૩૫.૨ ડિગ્રી, જ્યારે લઘુત્તમ તાપમાન પણ ૨૮.૪ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા હતું અને દક્ષિણ પશ્ચિમ દિશામાંથી ૮ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો.