Business

રાધિકા મદાન માટે મોટું છે મેદાન

રાધિકા મદાનની બબ્બે વેબસિરીઝ આ વર્ષ દરમ્યાન આવી, એક તો ‘રે’ ને બીજી ‘ફીલ્સ લાઇક ઇશ્ક’. મંદી ચાલતી હોય ને કોઇ સારો ધંધો કરી લે તેવું આ થયું છે. પણ તેનું ધ્યાન તો ફિલ્મ તરફ જ હતું. ટી.વી. તેના માટે હવે ભૂતકાળ છે. ફિલ્મો ન હોય તો વેબસિરીઝનો તેને વાંધો નથી પણ વધારે વાંધો ફિલ્મો ન હોય તેનો છે. ‘પટાખા’ અને ‘મર્દ કો દર્દ નહીં હોતા’ ફિલ્મો તેને વધુ સંપડાવી ન શકી પણ ‘અંગ્રેજી મિડીયમ’ ફિલ્મમાં તે ઇરફાન ખાનની દિકરી તરીકે આવી હતી. ફિલ્મ સફળ રહી ને જે બેની ચર્ચા થઇ તેમાં ઇરફાન પછી રાધિકા જ હતી. હમણાં ઇરફાનના મૃત્યુને વરસ થયું ત્યારે તે ઉદાસ રહેલી. આમ જુઓ તો રાધિકાની જે છેલ્લી ફિલ્મ રજૂ થઇ તે પણ આ જ હતી. હવે તે નવી ગિલ્લી નવો દાવ એટિટયૂડમાં છે. તેની પાસે એક નહિ ચાર ફિલ્મો છે એટલે કે અત્યાર પહેલાં તો તેની ત્રણ જ ફિલ્મો આવી છે ને હવે તેનાથી ડબલથી વધુ આવશે. ‘અંગ્રેજી મિડીયમ’માં તેણે જે સ્વાભાવિક એકટિંગ કરી હતી તેનું જ આ પરિણામ છે.

રાધિકાની ‘શિધ્ધત: જર્ની બિયોન્ડ લવ’ કયારની બનીને તૈયાર છે જેમાં તેની સાથે સની કૌશલ, ડાયના પેન્ટી, મોહિત રૈના વગેરે છે. દિનેશ વિજન અને ભુષણકુમાર નિર્મીત આ ફિલ્મ ‘જન્નત’, ‘તુમ મિલે’, ‘જન્નત-2’, ‘રાજા નટવરલાલ’ જેવી ફિલ્મોના દિગ્દર્શક કુણાલ દેશમુખે દિગ્દર્શિત કરી છે. સમજો કે દોઢેક વર્ષથી આ ફિલ્મ તૈયાર છે અને હવે ડિઝની હોટસ્ટાર પર રજૂ થશે. આ ફિલ્મની પાછળ ‘કુત્તે’ છ જેમાં નસીરુદ્દીન શાહ, તબુ, અર્જૂન કપૂર છે. રાધિકાને એવી ફિલ્મો મળે છે જે વિષયમાં નોખી પડે અને સ્ટાર એવા હોય જે અભિનયમાં જબરદસ્ત હોય. આ કારણે તે તેના અભિનયનું સ્ટાન્ડર્ડ પણ સતત ઊંચુ રાખી શકે છે. ત્રીજી ફિલ્મ છે ‘દેશી વિદેશી’. જેમાં તે સિધ્ધાંત ચતુર્વેદી સાથે દેખાશે. તમે કહી શકો કે તેના હીરો જાણીતા નથી હોતા પણ ફિલ્મ આવે પછી જાણવા જેવા બની જાય છે. ‘ગો ગોવા ગોન-2’ માં તે સૈફ અલીખાન સાથે આવશે અને તે સિકવલ છે.

રાધિકા ધીમે ધીમે પોતાનું સ્ટેટસ બદલી રહી છે. રાધિકા એવી એકટ્રેસ છે જે સારા દિગ્દર્શક હોય તો ઉત્તમ પરિણામ આપી શકે. તેણે વિશાલ ભારદ્વાજ, હોમી અડાજણીયા જેવા દિગ્દર્શકો સાથે કામ કર્યું છે. રાધિકા કોઇ સ્પર્ધાભાવ વિના કામ કરવાનું શીખી છે કારણકે ઝનૂની અપેક્ષા લઇને તે નથી આવી. ઝનૂન છે તો અભિનયનું છે. તેણે ન તો વધારે ટી.વી. સિરીયલો કરી, ન વધુ વેબ સિરીઝને તો પણ ફિલ્મમાં તેની જગ્યા બની ગઇ છે. ‘મેરી આશિકી તુમસે હે’ ટી.વી. શ્રેણીની ઇશાની રણવીર વાઘેલા તરીકે તેણે ઘણી પ્રશંસા મેળવી છે. તેને ઇશાન આર્ય નામનો બોયફ્રેન્ડ છે કે જે દિલ્હી રહે છે. પરંતુ બંનેને પરણવાની ઊતાવળ નથી. મુંબઇમાં એકલી રહેતી રાધિકા પોતાને સાબિત કરવામાં ખોવાયેલી છે.

Most Popular

To Top