વડોદરા: શહેરમાં નવાયાર્ડ સ્થિત પંડ્યા હોટલ પાસે રહેતા લોકોએ પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેનમાં કપાતમાં જતા મકાનો, દુકાનો, ઓફિસોનું યોગ્ય વળતર અને પુનર્વસન માટેની માંગ સાથે 72 માં ગણતંત્ર દિવસે માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સામાજિક કાર્યકર અને એડવોકેટ હસમુખભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નાણાવટીની ચાલ, ફરામજીની ચાલ અને શંકરવાડી મહેતા લોકોના મકાનો દુકાનો અને ઓફિસો કપાતમાં જઈ રહ્યા છે.
સરકાર દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મકાન, દુકાન, જમીન ગુમાવનાર લોકોને યોગ્ય વળતર આપવામાં આવતું ન હોવાથી આજે માનવસાંકળ રચીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અમારો બુલેટ ટ્રેન સામે કોઇ વિરોધ નથી.
પરંતુ અમને યોગ્ય વળતર તેમજ પુનર્વસન માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માંગ છે. સરકાર દ્વારા અમારો પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
સ્થાનિક સોનલબેન નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બુલેટ ટ્રેનનું સપનું છે. તેવું સપનું અમારું પણ છે. પરંતુ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અમારા મકાનો જઈ રહ્યા છે એની સામે અમને યોગ્ય વળતર આપવામાં આવે. જેથી અમારુ ભવિષ્ય બગડે નહીં.