ગુજરાતમાં રાજયથી લઇને કેન્દ્ર સુધી ભા.જ.પ.ની સરકાર છે. આથી ભા.જ.પ.ના કાર્યકરો તથા નેતાઓ બહુ હવામાં ઊડવા લાગ્યા છે. ભા.જ.પ.નો જે નેતા સારાંનરસાં કામોમાં કે ભ્રષ્ટાચાર, ગુંડાગીરીમાં સંડોવાયેલો હોય તેને છાવરે છે અને તેને યેન કેન પ્રકારે બચાવી લેવાય છે. કૌભાંડમાં પણ કલિનચીટ અપાય છે. આખરે આ બધી ભાજપની લીલા છે. જયારે છેલ્લાં ઘણાં વર્ષોથી કોંગ્રેસ સત્તામાં નથી અને વિરોધ પક્ષમાં છે. ભાજપ સામે જે વિરોધ કરવા જાય તો તેને દબાવી દેવામાં આવે છે. શું આજે કોંગ્રેસીઓને અવાજ ઉઠાવવાનો કે આંદોલન કરવાનો હકક નથી? પોલીસના બળથી કાર્યકરોને ડીટેઇન કરવામાં આવે છે. શું આવી છે લોકશાહી?
હાલમાં વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલને ખેરગામ નજીક નવસારી જિ. પંચાયતના પ્રમુખ ભીખુભાઇ આહિર તથા તેના સાગરીતોએ ધારાસભ્યની કાર આંતરીને હુમલો કર્યો હતો અને તું બહુ આદિવાસી નેતા થઇ ગયો છે, આજે તને પૂરો કરી નાંખીશું અને જાતિવિષયક ઉચ્ચારણો કર્યાં હતાં અને આતંક મચાવ્યો હતો. જેથી આદિવાસીઓમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડતાં પોલીસે ભીખુ આહીર ઉપરાંત ૪૦-૪૫ સાગરીતો સામે ગુનો દાખલ કર્યો છે. જિ. પંચાયતના પ્રમુખ જેવી જવાબદાર વ્યકિત આવી ગુંડાગીરી આચરે તે ઉચિત નથી. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કાર્યકરોને શિસ્તમાં રહેવાની દુહાઇ દે છે. તે જોતાં ભીખુ આહિરની પક્ષમાં હકાલપટ્ટી કરીને પદભ્રષ્ટ કરવા જોઇએ. અનંત પટેલ જેવા લડાયક નેતા પર હુમલો કરીને ભા.જ.પ. આદિવાસીઓને ડરાવી રહી છે. ભા.જ.પ.નાં બેવડાં ધોરણ છે?
તરસાડા – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.