જે તે જાતિ કે ધર્મ પ્રત્યે છેલ્લા કેટલાક સમયથી ધૃણાની ભાવના વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં આ માહોલ વધુને વધુ ખરાબ થઈ રહ્યો છે. આ માહોલને બગાડવા માટે કેટલાક રાજકીય તત્વો જવાબદાર છે. જે રીતે ભારતમાં મુસ્લિમો પ્રત્યે સોશિયલ મીડિયામાં ધૃણાની લાગણી પ્રસરાવાઈ રહી છે તેવી જ રીતે વિશ્વના અન્ય દેશોમાં હિંદુઓ પ્રત્યે નફરતનું વાતાવરણ સર્જવામાં આવી રહ્યું છે. અમેરિકા, કેનેડા જેવા દેશોમાં પણ હિંદુઓ પ્રત્યેની નફરતની લાગણી ધીરેધીરે પ્રબળ બની રહી છે અને તેને કારણે આ દેશોમાં રહેતા હિંદુ પરિવારો ચિંતામાં મુકાઈ જવા પામ્યા છે.
વિશ્વમાં બિનલાભકારી સંશોધન સંસ્થા નેટવર્ક ચેપ દ્વારા આ મામલે સોશિયલ મીડિયા પર ખોટી અને ગેરમાર્ગે દોરતી સામગ્રી તેમજ દ્વેષપૂર્ણ ભાષણો કરવામાં આવે છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સંસ્થા દ્વારા હિંદુ પ્રત્યે વિશ્વના કેટલાક દેશમાં વધી રહેલી નફરતને ભારે ચિંતાનો વિષય ગણાવ્યો છે. આ સંસ્થાએ કહ્યું છે કે હિંદુ સમાજના લોકો પ્રત્યે નફરતનું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. અમેરિકાની સાથે બ્રિટન અને કેનેડામાં પણ હિંદુઓ પ્રત્યે ધૃણા વધી રહી છે અને હિંસા કરવામાં આવી રહી છે.
નેટવર્ક ચેપ સંસ્થાના કો-ફાઉન્ડર અને ચિફ સાયન્સ ઓફિસર જોએલ ફિન્કેલસ્ટી દ્વારા યુએસ પાર્લામેન્ટ હાઉસ સંકલમાં યોજવામાં આવેલા ‘કોલિયન ઓફ હિંદુઝ ઓફ નોર્થ અમેરિકા’ કાર્યક્રમમાં હિંદુઓ પ્રત્યે દર્શાવવામાં આવી રહેલી નફરત અંગે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયમાં યુએસ અને કેનેડામાં હિંદુ મંદિરોની તોડફોડની ઘટનાઓ વધી ગઈ છે. બ્રિટનમાં તો હિંદુઓના વિરોધમાં છેલ્લી કક્ષાના વિરોધ થઈ રહ્યા છે. આ દેશોમાં હિંદુઓ સામે વધી રહેલી નફરતની ભાવના આગામી દિવસોમાં અન્ય દેશોમાં પણ પ્રસરી શકે તેમ છે.
જોએલે ત્યાં સુધી કહ્યું કે આપણા ધર્મ, જાતિ અને તેની પૃષ્ઠભૂમિકા પ્રત્યે નફરત બંધ થવી જોઈએ. આપણે સૌએ તેની સામે એક થવું જોઈએ. હાલમાં જ બ્રિટનમાં હિંદુ મહિલાઓને સ્થાનિક મહિલાઓ દ્વારા ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. કેનેડામાં 2021માં પંજાબના રહેવાસી પ્રભજોતની હત્યા કરી દેવામાં આવી હતી. તાજેતરમાં જ જુલાઈમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ પણ કરવામાં આવી હતી. જ્યારે આઠ જ દિવસ પહેલા હિંદુ મંદિરમાં પણ તોડફોડ કરાઈ હતી.
કેનેડામાં જે રીતે હિંદુઓ સામે નફરત બતાવવામાં આવી રહી છે તેને પગલે ભારતના વિદેશ મંત્રાલયે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ તેમજ અન્ય ભારતીયો માટે એક એડવાઈઝરી પણ જાહેર કરી છે. ભારતીયો સામે વધી રહેલા હેટ ક્રાઈમને ધ્યાને લઈને આ એડવાઈઝરીમાં જણાવાયું છે કે, કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સાવચેતી રાખે અને સતર્ક રહે. ભારતીય દુતાવાસ અને ભારતના વિદેશ મંત્રાલયે કેનેડાના અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને ભારતીય વિદ્યાર્થીઓ તેમજ અન્ય ભારતીઓ વેબસાઈટ મારફત પોતાની નોંધણી ઓટ્ટાવામાં ભારતના હાઈ કમિશ્નર કે પછી ટોરન્ટો અને વાનકુવરમાં આવેલા ભારતના કોન્સ્યુલેટ જનરલ પાસે પોતાનું રજીસ્ટ્રેશન પણ કરાવી શકશે. જેથી તેમને મદદ કરી શકાય.
અમેરિકા, બ્રિટન અને કેનેડામાં ભારતીયો સામે એટલા માટે નફરત કરવામાં આવી રહી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ દેશોમાં જઈને વસનારા ભારતીયોની સંખ્યા ખૂબ મોટી છે. તેમાં પણ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ લાખોની સંખ્યામાં ઠલવાઈ રહ્યા છે. જેને કારણે ત્યાંના સ્થાનિકો લઘુતાગ્રંથિથી પિડાઈ રહ્યા છે. વિદેશોમાં હિંદુઓ પ્રત્યે વધી રહેલી નફરતની લાગણી અંગે ભારત સરકારે માત્ર એડવાઈઝરી આપીને છટકી જવાની જરૂર નથી. ભારત સરકારે આ સંવેદનશીલ મુદ્દાને ગંભીરતાથી લઈને જે તે વિદેશની સરકારને કહી દેવાની જરૂર છે કે ભારતીયો કંઈ થશે તો તેની તમામ જવાબદારી જે તે દેશની સરકારની રહેશે અને ભારતની પ્રતિક્રીયા પણ ગંભીર રહેશે. ભારત સરકાર દ્વારા જો તાકીદના ધોરણે આ મામલે કડકાઈ બતાવવામાં નહીં આવે તો વિદેશમાં રહેતા ભારતીયોના જાનમાલ જોખમમાં આવશે તે નક્કી છે.