Comments

કોમ્પ્યુટર શિક્ષકની મૂળભૂત જરૂરિયાત સરકારે સમજાવવી પડશે

આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનનો એ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે કે તેના વગરનું જીવન વિચારવું પણ અસંભવ લાગે છે અને માટે કમ્પ્યુટર ટેકનોલોજી આધુનિક રોજિંદા જીવનનો ભાગ બનવા માંડી છે તથા જ્ઞાનની તમામ શાખાઓમાં આ ‘‘બુદ્ધિશાળી તંત્ર વિદ્યા’’એક ઉપયોગી વ્યવસ્થા બનતી જાય છે. આપણા ઔપચારિક શિક્ષણની વ્યવસ્થામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સરકાર દ્વારા નિયંત્રિત છે. અહીં અભ્યાસક્રમથી માંડીને શિક્ષકોની લાયકાત સુધી બધું જ સરકાર દ્વારા નક્કી થાય છે. માટે મૂળભૂત શિક્ષણના માળખામાં કોમ્પ્યુટર શિક્ષણની જરૂરિયાતનો વિચાર પણ શિક્ષણ વિભાગે જ કરવાનો રહેશે. તે માટેના શિક્ષક અધ્યાપકની લાયકાતનાં ધોરણો પણ નક્કી કરવાં પડશે.

આજે શિક્ષણનાં તમામ ક્ષેત્રોમાં કોમ્પ્યુટર વપરાય છે. શાળા કોલેજમાં કોમ્પ્યુટર ભણાવવાનું પણ શરૂ થયુ છે. માટે કોઈને પ્રશ્ન થશે કે આમ નવું શું છે? શિક્ષણમાં કોમ્પ્યુટરનો સ્વીકાર થઈ જ ગયો છે! ના, સત્તાવાર રીતે, સીધી લીટીના માળખામાં તેનો સ્વીકાર નથી થયો. જેમ શિક્ષણના માળખામાં પહેલાં વિષયો નક્કી થાય. તેના અભ્યાસક્રમો માટેની માર્ગદર્શિકા નક્કી થાય, પછી કયા માનસિક-શારીરિક તબક્કે શું ભણાવવું તે ‘ધોરણો’નક્કી થાય! અને વિષય વિદ્યાર્થીને ‘‘તબક્કાવાર શીખવાડાય તેવું પ્રારૂપ કોમ્પ્યુટરમાં નક્કી નથી થયું. પ્રાથમિક કક્ષાએ કેટલું ભણાવવું, માધ્યમિકમાં કેટલું ભણાવવું, ઉચ્ચ શિક્ષણમાં વ્યવસાયથી સ્વતંત્ર અભ્યાસક્રમો ભણાવાય છે. આપણે જરૂર છે તેને શરૂથી અંત સુધીના માળખાને નક્કી કરવાની!

આપણા દેશમાં કોમ્પ્યુટર શિક્ષણ ઉપરથી નીચે ગયું છે. પહેલાં ઉચ્ચ શિક્ષણમાં કોમ્પ્યુટર શરૂ થયું પછી ખાનગી કોલેજોએ ખાસ કોર્સ ભણાવવાના શરૂ કર્યા. પછી ખાનગી માધ્યમિક શાળાઓમાં કોમ્પ્યુટર ભણાવવામાં આવ્યું અને હવે ખાનગી પ્રાથમિક શાળામાં તે પહોંચ્યું છે. આમ છતાં આપણે ત્યાં મોટે ભાગે ‘‘કોમ્પ્યુટર ઓપરેટીંગ’’જ કોમ્પ્યુટર શિક્ષણના નામે શીખવાડાય છે. ખરેખર સરકારે કોમ્પ્યુટર શિક્ષણને પ્રાથમિક અને માધ્યમિકમાં મૂળભૂત શિક્ષણના ભાગ તરીકે શીખવાડવાની જરૂર છે અને ઉચ્ચ શિક્ષણમાં, વિશિષ્ટ અભ્યાસક્રમોમાં જે તે વિષયના સંદર્ભે કોમ્પ્યુટરની ઉપયોગિતા શીખવાડવાની જરૂર છે.

જેમ કે પ્રાથમિકમાં કોમ્પ્યુટરની પ્રારંભિક ઓળખ આવે, માધ્યમિકમાં કોમ્પ્યુટર બેઝીક સોફ્ટવેર ભણાવાય પછી ઉચ્ચ શિક્ષણમાં દરેક વિષયના સ્નાતકને તેના વિષયમાં કોમ્પ્યુટરની ઉપયોગિતા ભણાવવામાં આવે. દા.ત. અર્થશાસ્ત્રમાં કોમ્પ્યુટરનો ઉપયોગ, કેમેસ્ટ્રીમાં કોમ્પ્યુટરનો ઉપયોગ. એમ.. વળી કોમ્પ્યુટરનું પોતાનું સ્વતંત્ર વિશિષ્ટ શિક્ષણ તો એક અલગ જ વિષય તરીકે ભણાવવાનું જ હોય, જેમાં મૂળભૂત કોમ્પ્યુટર અને તેના પ્રોગ્રામીંગની જરૂરિયાતો શીખવાડાય. જેમ કોમ્પ્યુટરની ઉપયોગિતા વિશાળ છે તેમ તેના શિક્ષણની તકો પણ વિશાળ છે. અત્યારે શિક્ષણના બજારમાં કોમ્પ્યુટર શિક્ષણ એ માત્ર સંચાલકોને વધારાની ફી ઉઘરાવવા માટેનો રસ્તો છે. દસ-બાર હજારમાં કોમ્પ્યુટર કોર્સ કરેલા યુવાનને રાખી દેવાનો અને તે શાળા કોલેજોના વિદ્યાર્થીઓને બેઝીક કોમ્યુટર શીખવાડયા કરે. આઠમા ધોરણવાળા પણ એ જ શીખે, જે અગિયારમાવાળા શીખે.

સરકાર કોમ્પ્યુટરનો તબક્કાવાર અભ્યાસક્રમ ઘડે. અને સૌથી અગત્યનું તો તેના માટે શિક્ષકની લાયકાત નક્કી કરે તથા તમામ સરકારી તથા ગ્રાન્ટઈન એઈડ શાળાઓમાં ‘‘કોમ્પ્યુટર શિક્ષક’’ની કાયદેસર, કાયમી ધોરણે ભરતી કરે. 1991 ના ખાનગીકરણના સમય પછી સરકારોએ ઈરાદાપૂર્વક નવા શરૂ થતા કોર્સ કે વિષયમાં ન શાળા કોલેજ ખોલી છે, ના તેના શિક્ષકોની ભરતી કરી છે. શાળા સરકારી હોય કે ગ્રાન્ટ ઈન એઈડ, તેમાં કોમ્પ્યુટર શિક્ષક તો હંગામી, ઉચ્ચક પગારવાળા અને ખાનગી ધોરણે આવનારા હોય અથવા કાર્યભાર ખૂટતો હોય તેવા અન્ય વિષયના શિક્ષકે કોમ્પ્યુટર પોતાની આવડત- સમજણથી ભણાવવાનું હોય! આવું હવે ચાલવું જોઈએ નહીં!

નવી શિક્ષણનીતિ હવે અમલ થવા જઈ રહી છે. ‘‘કૌશલ’’ને વિશેષ ભાર આપવાનો છે તો કોમ્પ્યુટરવિદ્યા એ એક કૌશલ જ છે. તે સાવ, ‘અડસટ્ટે’ચાલે તે ન ચાલે! તજજ્ઞો દ્વારા બાળકની કક્ષા અનુસાર કોમ્પ્યુટર તાલીમને તબક્કાવાર ભણાવવાની જરૂર છે અને જેમ અન્ય વિષયના શિક્ષકો તૈયાર થાય છે તેમ ‘‘કોમ્પ્યુટર શિક્ષણ’’નાં શિક્ષકોને આપી શકે તેવી આવડતવાળાં શિક્ષકોની તાતી જરૂર છે.

બદલાતા વિશ્વ સાથે આપણે બદલાવું હોય તો શિક્ષણને પણ સમયે સમયે બદલવું પડશે. આપણી શાળાઓમાં જેમ સંગીત શિક્ષક, ચિત્રશિક્ષક, ઉદ્યોગ-વ્યવસાયના શિક્ષકો માત્ર કાગળ ઉપર છે તેમ કોમ્પ્યુટર શિક્ષકોનું પણ છે. સરકારના શિક્ષણ વિભાગે કોમ્પ્યુટર શિક્ષણની મૂળભૂત જરૂરિયાત સમજી તે માટેનાં શિક્ષકો ધોરણે ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરવી પડશે. બાકી અંગ્રેજી વિષયને ભણાવવાની જાહેરાત પછી શિક્ષક વગર ચાલી રહ્યું છે તેમ કોમ્પ્યુટર શિક્ષક વગર પણ ચાલ્યા જ કરશે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top