કોઇ પણ ચીજનો પ્રભાવ ખતમ કરવો હોય તો તેની ઉપેક્ષા જ કરવી જોઈએ. જો કોઈ પુસ્તકનો, નાટકનો કે ફિલ્મનો વિરોધ કરવામાં આવે તો તેનો પ્રચાર થતો હોય છે અને સામાન્ય લોકોની નજરમાં તેનું મહત્ત્વ ખૂબ વધી જતું હોય છે. ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણોને કેન્દ્રમાં રાખીને બીબીસી દ્વારા બનાવવામાં આવેલી દસ્તાવેજી ફિલ્મની સરકાર ઉપેક્ષા કરી શકે તેમ નહોતી, કારણ કે તેમાં જે વિસ્ફોટક વાતો દસ્તાવેજી પુરાવાઓ સાથે રજૂ કરવામાં આવી છે તે ભારતનાં બૌદ્ધિકો સુધી પહોંચે તો ભાજપ સરકારની અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઇમેજને જબરદસ્ત ધક્કો લાગે તેમ હતું.
આ દસ્તાવેજી ફિલ્મને પ્રતિબંધિત કરવાથી પણ સરકારની છબી બગડે તેમ હતું. સરકારે બરાબર ગણતરી કરી લીધી હતી કે આ ફિલ્મને પ્રતિબંધિત કરવાને કારણે જેટલું નુકસાન છે, તેના કરતાં ક્યાંય વધુ નુકસાન તેને છૂટથી પ્રદર્શિત થવા દેવામાં છે. આ ગણતરી પછી સરકારે પોતાની તાકાતનો ઉપયોગ કરીને તમામ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પરથી તેની લિન્ક હટાવી લેવાનો આદેશ કર્યો છે. તેમ છતાં કેટલાંક લોકો તેની લિન્ક શેર કરી રહ્યાં છે.
૨૦૦૨માં ગુજરાતમાં થયેલાં કોમી રમખાણો બાબતમાં અનેક પુસ્તકો લખાઈ ગયાં છે, નાટકો ભજવાઈ ગયાં છે અને ફિલ્મો પણ બની ચૂકી છે. ગુજરાત સરકારે આ તમામ પુસ્તકો, નાટકો અને ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાનું જોખમ નથી ઉઠાવ્યું, પણ બીબીસીની દસ્તાવેજી ફિલ્મને આખા ભારતમાં પ્રતિબંધિત કરી છે, તેનાં ચાર મુખ્ય કારણો છે. પહેલું કારણ એ છે કે આ ફિલ્મ કોઈ ખાનગી ચેનલ દ્વારા બનાવવામાં નથી આવી, પણ બ્રિટીશ સરકારની સત્તાવાર બીબીસી ચેનલ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેનો બહુ લાંબો ઇતિહાસ છે અને દુનિયામાં મોટો ચાહક વર્ગ છે.
ભારત સરકાર બીબીસીની દસ્તાવેજી ફિલ્મ દ્વારા વિચલિત થઈ ગઈ તેનું કારણો પૈકી એક કારણ એ છે કે આ દસ્તાવેજી ફિલ્મમાં ગુજરાતનાં રમખાણોનાં કાળજું કંપાવતાં દૃશ્યો સાથે નિષ્પક્ષ જણાતી કોમેન્ટરીનું મિશ્રણ કરવામાં આવ્યું છે, જે દર્શકોના અભિપ્રાયનું ઘડતર કરવાની વગદાર ભૂમિકા ભજવે છે. ભારતનાં જે લોકો કટ્ટર હિન્દુત્વવાદી નથી અને કટ્ટર સેક્યુલારિસ્ટ પણ નથી તેવાં તટસ્થ નાગરિકોની સંખ્યા બહુ મોટી છે. જો બીબીસીની દસ્તાવેજી ફિલ્મ જોઈને આ તટસ્થ નાગરિકોનો અભિપ્રાય ભાજપ અને સંઘપરિવાર વિરોધી થઈ જાય તો સરકારને બહુ મુસીબત પડે તેમ છે, માટે જ ફિલ્મ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
બીબીસીની દસ્તાવેજી ફિલ્મને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માટે ખતરાજનક ગણવામાં આવી તેનું ત્રીજું મુખ્ય કારણ એ છે કે તેમાં બ્રિટીશ સરકાર દ્વારા તૈયાર કરાવાયેલો ગુજરાતનાં રમખાણો બાબતનો ગુપ્ત હેવાલ વારંવાર ટાંકવામાં આવ્યો છે. બ્રિટીશ સરકાર દ્વારા ગુજરાતનાં રમખાણો પછી સ્પેશ્યલ તપાસ ટુકડી મોકલીને આ હેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. આ હેવાલ બ્રિટીશ સરકારનો સત્તાવાર હેવાલ હોવાથી તેનો રાજદ્વારી રીતે વિરોધ કરવાનું કામ બહુ અઘરું છે. આટલું અધૂરું હોય તેમ બીબીસીની દસ્તાવેજી ફિલ્મમાં બ્રિટનના તત્કાલીન વિદેશ મંત્રી જેક સ્ટ્રોનાં ચિક્કાર ઉચ્ચારણો બતાડવામાં આવ્યાં છે, જેમાં તેઓ ગુજરાતનાં રમખાણો માટે મોદીને જવાબદાર ઠેરવે છે. આ ફિલ્મ જોયા પછી લાગ્યા વિના રહેતું નથી કે સમગ્ર બ્રિટીશ સરકાર મોદીવિરોધી છે.
બીબીસીની દસ્તાવેજી ફિલ્મની વિશ્વસનીયતા વધવાનું ચોથું મુખ્ય કારણ એ છે કે તેમાં કથિત સેક્યુલારિસ્ટો ઉપરાંત ભાજપના પ્રવક્તાઓને પણ તેમનો મત વ્યક્ત કરવાની પૂરતી તક આપવામાં આવી છે. જો કોઈ પણ રિપોર્ટમાં સિક્કાની બંને બાજુનો સમાવેશ કરવામાં આવ્યો હોય તો તેની વિશ્વસનીયતા વધી જાય છે. બીબીસીની દસ્તાવેજી ફિલ્મમાં તો ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યો છે, જેમાં તેઓ બધા આક્ષેપો નકારી કાઢે છે.
મોદીને એ વાતની બરાબર ખબર છે કે જે વસ્તુને બ્લોક કરવામાં આવી હોય તે વધુ ઝડપથી લોકો સુધી પહોંચી જાય છે.
તેનું શ્રેષ્ઠ ઉદાહરણ સલમાન રશ્દીનું વિવાદાસ્પદ પુસ્તક સેતાનિક વર્સિસ છે. જો મુસ્લિમ દેશો દ્વારા તેને પ્રતિબંધિત ન કરવામાં આવ્યું હોત અને રશ્દીનાં માથાં ઉપર ઇનામો ન જાહેર કરવામાં આવ્યાં હોત તો રશ્દી કદી આટલા વિખ્યાત ન થયા હોત. બીબીસીની દસ્તાવેજી ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકાયો તેને કારણે તે રાતોરાત ભારતમાં વિખ્યાત થઈ ગઈ છે. કરોડો રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ કોઈ ફિલ્મને આટલી પ્રસિદ્ધિ મળતી નથી. જો આ ફિલ્મ પ્રતિબંધ છતાં કરોડો લોકો સુધી પહોંચી જશે તો પ્રતિબંધ ફિલ્મના માર્કેટિંગનું સાધન બની જશે.
ભારત સરકારે બીબીસીની દસ્તાવેજી ફિલ્મ પર પ્રતિબંધ ફરમાવી દીધો તેને કારણે મોદીભક્તો આક્રમક બની ગયા છે. સોશ્યલ મિડિયા પર તેમણે મોદી કેટલા શક્તિશાળી છે, તેના ગુણગાન ગાવાના શરૂ કરી દીધા છે. બીબીસીની દસ્તાવેજી ફિલ્મની નિંદા તેઓ બ્રિટીશ સંસ્થાનવાદના પ્રતીક તરીકે કરી રહ્યા છે. આ ફિલ્મનો ઉપયોગ કરીને તેઓ એવું પુરવાર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે કે મોદી ભારતને વિશ્વગુરુ બનાવવાનો પુરુષાર્થ કરી રહ્યા છે, પણ કેટલીક વિદેશી તાકાતો તેમને ખતમ કરવાની સતત કોશિશ કરી રહી છે. આ તાકાતોમાં બીબીસી જેવી વિદેશી ચેનલોનો પણ સમાવેશ થાય છે. નરેન્દ્ર મોદીની ખૂબી વિક્ટિમ કાર્ડ રમવામાં છે.
દેશી કે વિદેશી મિડિયામાં મોદીના વિરોધમાં ગમે તેટલો પ્રચાર થાય તો તેમના ભક્તો તેનો ઉપયોગ કરીને મોદીની તરફેણમાં સહાનુભૂતિનું મોજું ઊભું કરવામાં સફળ થતા આવ્યા છે. બીબીસીની ફિલ્મનો ઉપયોગ પણ તેઓ મોદીની લોકપ્રિયતા વધારવા માટે કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતનાં રમખાણોને કારણે નરેન્દ્ર મોદી હિન્દુઓ માટે તારણહાર બનીને બહાર આવ્યા હતા. ગુજરાતનાં રમખાણોને લઈને મોદીની વિરુદ્ધમાં જેટલો પ્રચાર કરવામાં આવે છે તેટલાં હિન્દુઓ મોદી પ્રત્યે વધુ આકર્ષાય છે. બીબીસીની દસ્તાવેજી ફિલ્મને પ્રતિબંધિત કરીને ભાજપ પોતાની મતબેન્ક મજબૂત કરી રહી છે.