Editorial

સરકારે નવી 7 જ મહાનગર પાલિકાની જાહેરાત કરી અન્ય મોટા નગરોને અન્યાય કર્યો

જો કોઈપણ રાજ્યની પ્રગતિ કરાવવી હોય તો તે રાજ્યમાં વહીવટનું માળખું સરળ અને શક્ય તેટલું મોટું હોવું જોઈએ પરંતુ આશરે 7 કરોડની વસતી અને સમૃદ્ધ રાજ્ય તરીકે ગણાતું હોવા છતાં પણ ગુજરાતની એ કમનસીબી છે કે રાજ્યમાં મહાપાલિકાઓની સંખ્યા વધારે નથી. ગુજરાતની સ્થાપનાને છ દાયકા કરતાં પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ ગુજરાતમાં માત્ર 8 જ મહાનગરપાલિકા અસ્તિત્વ ધરાવતી હતી. તેમાં પણ વર્ષો સુધી 6 જ મહાનગરપાલિકા જ હતી. બાદમાં જુનાગઢ મહાનગરપાલિકા બનાવવામાં આવી અને છેલ્લે તો હાઈકોર્ટના આદેશને પગલે ગાંધીનગર મહાનગર પાલિકાની રચના કરવામાં આવી. રાજ્ય સરકારે આજે રજૂ કરેલા બજેટમાં રાજ્યમાં વધુ 7 મહાનગર પાલિકા બનાવવાની જાહેરાત કરી છે. છતાં પણ રાજ્યમાં અનેક નગરો એવા છે કે જેને મહાનગર બનાવવાની જરૂરીયાત છે એટલે કે તેને મહાનગર પાલિકાની બનાવવાની જરૂરીયાત છે.

સામાન્ય રીતે એવો માપદંડ છે કે જે શહેરની વસતી એક લાખથી વધારે હોય તો તેને મહાનગર પાલિકા બનાવવી જોઈએ. ગુજરાતમાં હાલમાં 156 નગરપાલિકા છે. જેમાંથી અનેક શહેર એવા છે કે જેની વસતી એક લાખથી વધારે છે પરંતુ તેને મહાનગર પાલિકા બનાવવામાં આવતી નથી. રાજ્ય સરકારે બજેટમાં વાપી, નવસારી, આણંદ, વઢવાણ, , મોરબી, ગાંધીધામ, મહેસાણાને નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનાવવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય આવકારદાયક જ છે પરંતુ તેની સામે સરકાર અનેક શહેર એવા છે કે જેને મહાનગર પાલિકા બનાવવાનું ભૂલી ગઈ છે.

સરકારે આણંદને મહાનગર પાલિકા બનાવી પરંતુ ખેડાને બનાવ્યું નહીં. આ જ રીતે ઐતિહાસિક શહેર પાટણ, પાલનપુર, હિંમતનગર, દાહોદ, ગોધરા, ખંભાત, છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, ભુજ, અમરેલી સહિતને અનેક શહેરો એવા છે કે જે મહાનગર પાલિકા બની શકે છે.નગરપાલિકાની કેટલીક મર્યાદાઓ છે. સરકારો દ્વારા નગરપાલિકાઓને અપાતી ગ્રાંટની રકમ પણ ઓછી હોય છે. નીચલી કક્ષાના અધિકારીઓ નગરપાલિકાઓને મળે છે. જેને કારણે જે તે નગરનો એટલો વિકાસ થઈ શકતો નથી. જો તેને મહાનગર પાલિકા બનાવવામાં આવે તો જે તે શહેરની આવકમાં સુધારો થઈ શકે છે.

વિકાસના અનેક કામો થઈ શકે છે. રાષ્ટ્રીય સ્તરે તે શહેરની ઓળખ બને છે અને સાથે સાથે શહેરના નાગરિકો પણ પોતાના શહેરને મહાનગર બનતું જોઈને તે શહેરના વિકાસ માટે પ્રેરાય છે. જે નગરની વસતી 10 હજારથી વધારે હોય તે નગરને નગરપાલિકા આપવી જોઈએ પરંતુ રાજ્યમાં નગરપાલિકાઓ બનાવવા માટે પણ આ ક્રાઈટેરિયા ધ્યાનમાં લેવામાં આવતો નથી. ખરેખર સરકારે જો રાજ્યનો વિકાસ કરવો હોય તો નીચલા સ્તરેથી જે તે ગામ, નગર કે પછી શહેરના વિકાસ માટે પગલાઓ લેવા જોઈએ અને તે પગલાઓમાં ગામની વસતી વધે તો નગરપાલિકા અને નગરની વસતી વધે તો તેને મહાનગર પાલિકા બનાવવી જોઈએ.

સરકારે ખરેખર આ મુદ્દે વિચારવાની જરૂરીયાત છે. ગુજરાતમાં અનેક ગામો એવા છે કે જે નગરપાલિકા બની શકે તેમ છે અને અનેક નગરો એવા છે કે જે મહાનગર પાલિકા બની શકે તેમ છે. ખરેખર સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લઈને એક સરવે કરવો જોઈએ કે કયા ગામને નગરપાલિકા અને કયા નગરને મહાનગર પાલિકા આપવાની જરૂરીયાત છે. આ વખતે પણ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જેવા શહેરને અન્યાય થયો છે. ભરૂચને મહાનગર પાલિકા બનાવવા માટે ઘણા સમયથી માંગી થઈ રહી હતી પરંતુ સરકારે આ વખતના બજેટમાં તેને મહાનગર પાલિકા બનાવવાનું માંડી વાળ્યું છે. જે ભરૂચના વિકાસ માટે નુકસાનકારક છે. ભરૂચ અને અંકલેશ્વરને ભેગા કરીને જો એક મહાનગર પાલિકા બનાવવામાં આવે તો તે રાજ્યની સમૃદ્ધ મહાનગર પાલિકા બની શકે છે. રાજ્ય સરકારે જો ખરેખર રાજ્યનો વિકાસ કરવો હશે તો મોટા નગરોને મહાનગર પાલિકા આપવી જ પડશે તે નક્કી છે.

Most Popular

To Top