સમગ્ર દેશમાં ખાનગી કંપની ( PRIVATE COMPANY) ઓ પાસેથી સૌથી સસ્તી વીજળી ખરીદીને ગ્રાહકોને પૂરી પાડતું દેશનું એકમાત્ર રાજ્ય આજે ગુજરાત છે. તેમણે કહ્યું કે વિપક્ષ દ્વારા કાયમ માટે ખાનગી કંપનીઓ પાસેથી મોંઘી વીજળી ખરીદવાના અમારા ઉપર આક્ષેપ કરવામાં આવે છે ત્યારે મારે તેમને મારે કહેવુ છે કે રાજય સરકારના કાર્યરત વીજ મથકો જૂના છે એટલે વીજ ઉત્પાદન મોધું પડે છે આપણે એમાં વીજ ઉત્પન્ન કરીએ તો રૂ.૫.૪૩ પૈસે પડે છે જેની સામે ખાનગી કંપનીઓ પાસેથી એના કરતા સસ્તી એટલે કે, રૂ.૩.૦૮ પૈસે વીજળી ખરીદીને ગ્રાહકોને આપીએ છીએ એટલે ખોટી રીતે માહિતી વગર અમને બદનામ કરવાનુ બંધ કરવુ જોઈએ . તેમ ઊર્જા મંત્રી સૌરભ પટેલે ( SAURABH PATEL) આજે વિધાનસભામાં જણાવ્યું હતું.
પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, સરકારી વીજકંપનીઓ કરતા ઘણુંખરું ખાનગી વીજકંપનીઓ પાસેથી ખરીદી કરવામાં આવતી વીજળી રાજ્ય સરકાર અને ગ્રાહકોને સસ્તી પડે છે.પરિવહનના તુલનાત્મક દૃષ્ટિએ સસ્તા ભાવ તથા અન્ય સરકારી કંપનીઓની સરખામણીએ સ્પર્ધાત્મક દૃષ્ટિએ ખાનગી કંપનીઓ પાસેથી ખરીદવામાં આવતી વીજળી ગ્રાહકોને સસ્તી પડે છે. અમે માત્ર ચાર કંપનીઓ પાસેથી વીજળી ખરીદતા નથી, રાજ્યની ૫૯૬ ખાનગી કંપનીઓ પાસેથી વીજળીની ખરીદી કરીએ છીએ જે અંતર્ગત ૩૨૯૮૦ મીલિયન યુનિટ વીજળી ખરીદીને સસ્તી વીજળી ગ્રાહકોને આપીએ છીએ.
પટેલે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના કાયદા મુજબ આપણે કોઈની પણ પાસેથી વીજળી ખરીદી કરી શકીએ છીએ. આજની સ્થિતિએ સરકારી કરતા ખાનગી કંપનીઓ પાસેથી જે વીજળી મળે છે તે વધુ સસ્તી મળે છે અને નિયમાનુસાર ગ્રાહકો માટે સસ્તી વીજળી જ્યાંથી પણ મળે તેને ખરીદ કરી ગ્રાહકોને આપવી તે સરકારની પ્રાથમિકતા છે.
વીજ ખરીદીની પ્રક્રિયા વિષે જણાવતા તેમણે કહયું હતું કે વીજળીની ખરીદી રાજ્ય સરકાર મુખ્યત્વે ચાર પ્રકારે કરે છે : કેન્દ્ર સરકાર પાસેથી, રાજ્યસરકારના વિવિધ વીજમથકો પાસેથી, ખાનગી કંપની પાસેથી તથા ઓપન એક્સચેન્જ પ્રણાલિકા દ્વારા જે કોઈ સસ્તી વીજળી આપે ત્યાંથી વીજળી ખરીદ કરવામાં આવે છે. વળી, આ વીજખરીદી માટે આપણે જરૂરી બીડીગ પ્રક્રિયાનું અનુપાલન કરીયે છીએ. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા સ્પર્ધાત્મક ભાવો મંગાવીને રાજ્યની ઉર્જાની જરૂરિયાતને સમજ્યા બાદ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર ”સ્ટાન્ડર્ડ બિડિંગ ડોકયુમેન્ટ” અનુસાર જ વીજળીની ખરીદી થાય છે.
અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) દ્વારા વર્ષ-2019માં જે યુનિટદીઠ વીજળી ખરીદવામાં આવી તેનો દર પ્રતિયુનિટ રૂ.5.04 નો હતો. આ ભાવે 18,332 મિલિયન યુનિટ ખરીદ કરવામાં આવ્યા હતા. જયારે વર્ષ -2020માં રૂ.5.43ના દરે 17,194 મિલિયન યુનિટ ખરીદાયા હતા.
જેની સામે ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી વર્ષ-2019માં માત્ર રૂ.3.35 પ્રતિ યુનિટ લેખે 29,243 મિલિયન યુનિટ તથા વર્ષ-20220માં રૂ.3.08 લેખે 24,624 મિલિયન યુનિટ્સ ખરીદી કરવામાં આવ્યા હતા. આ તુલના જ સ્પષ્ટ કરે છે કે, ખાનગી વીજકંપનીઓ પાસેથી વીજળી ખરીદવી સસ્તી પડે છે, તેમ પટેલે જણાવ્યું હતું.
ઉર્જા મંત્રીએ કહયું હતું કે દેશમાં જે સ્થળોએ કોલસાનું ઉત્પાદન થાય છે ત્યાંથી કોલસો લઇ આશરે 1500-1500 કિલોમીટરના અંતરેથી આપણા વીજમથકો સુધી તેને લઇ આવવાનો પરિવહનનો ખર્ચ પણ મોંઘો પડે છે. તેની સાપેક્ષે, ખાનગી વીજકંપનીઓ વિદેશથી આયાતી કોલસાનો ઉપયોગ કરે છે આ ખાનગી વીજ ઉત્પાદક કંપનીઓના વીજ મથકો દરિયાકિનારે આવેલા હોવાથી કોલસા પાછળ પરિવહન ખર્ચ પણ નજીવો થાય છે. તથા ખાનગી કંપનીની સરખામણીએ સરકારી કંપનીઓના વીજ મથકો ૨૦ થી ૨૫ વર્ષ જૂના હોવાથી તેમની કાર્યક્ષમતા ઓછી છે. પરિણામે સરકારી વીજ કંપનીઓની સરખામણીમાં ખાનગી વીજ કંપનીઓ સસ્તા દરે વધુ વીજળી ઉત્પાદન કરી શકતા હોવાનું પણ પટેલે ઉમેર્યુ હતું.