Charchapatra

વનસ્પતિનો મહિમા ઘણો છે

તા. 27.7.22 ના ‘ગુજરાતમિત્ર’ની દર્પણ પૂર્તિમાં એક સમુદ્ર અનેક કિનારા કોલમમાં નરેન્દ્ર જોશીનો સતી વનસ્પતિ શીર્ષક હેઠળનો લેખ વાંચી લખવા પ્રેરાયો. તેમણે લજામણીના છોડ વિષે વાત કરી છે. એ છોડને સ્પર્શ કરતાં એ છોડ શરમાતો હોય તેમ એના પાન બીડાઈ જાય છે. આ ઉપરાંત એમણે ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયામાં જે જંગલી અને ઝેરીલી જિમ્પી જિમ્પી નામની વનસ્પતિ થાય છે એની વાત કરી છે. એનાં પાન અને ફળ પર પણ રૂંવાટી હોય છે. એને સ્પર્શ કરતાં શરીરમાં ખંજવાળ ઉત્પન્ન થાય છે. આપણા શરીર પર ફોલ્લા પડે છે.

શરીરના રોમેરોમમાં અગન બળે છે. આ છોડને સ્પર્શ કરવાથી આપણા શરીરમાં ઝેરી અસર થાય છે. છોડની નજીક ઊભા રહેવાથી પણ રૂંવાટી શ્વાસમાં જાય તો ઝેરી અસર થવા માંડે છે. લાલ પગવાળા કાંગારુ એ છોડ પર નભે છે. કેટલાંક પક્ષીઓ એનાં ફળ ખાય છે. તેઓ ઝેરને પચાવી શકે છે. માનવજાતને માટે આ છોડ ખતરનાક જોખમી છે. સુંદર લેખ રજૂ કરવા બદલ લેખકને અભિનંદન. જયારે વનસ્પતિની વાત નીકળી છે તો વર્ષો પહેલાં નવનીત મેગેઝીનમાં મેં વાંચ્યું હતું કે એક એવી વનસ્પતિ છે કે તે શિકાર પણ કરે છે.

કોઇ પ્રાણી એ વૃક્ષની નીચે આવે તો એની ડાળી પ્રાણીને વીંટળાઇ વળે છે અને પ્રાણી મૃત્યુ પામે છે. કેટલાંક વૃક્ષો ખસે છે, ચાલે છે. કેટલાંક વૃક્ષો સંગીત આપે છે તો કેટલાક પ્રકાશ પણ આપે છે. લક્ષ્મણ બેભાન થયા ત્યારે શ્રી હનુમાનજી સંજીવની બુટ્ટી લાવ્યા હતા તેની વાત રામાયણમાં આવે છે. વૈદ્ય, હકીમો વનસ્પતિમાંથી ઘણા પ્રકારની દવા પણ બનાવે છે. આમ વનસ્પતિ અનેક રીતે ઉપયોગી પણ છે. વનસ્પતિનું જતન કરવું જરૂરી જ નહીં, અનિવાર્ય છે. વૃક્ષનાં પાન ડાળી અને મૂળ દરેક બાબત ઉપયોગી છે. એ જીવંત હોય ત્યારે ઉપયોગી અને મૃત્યુ પામે ત્યારે પણ ઉપયોગી છે.
નવસારી           – મહેશ નાયક     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top