Charchapatra

‘ગુજરાતમિત્ર’ અખબારના કેલેન્ડરનો મહિમા અપરંપાર છે

વર્ષોથી ‘ગુજરાતમિત્ર’ અખબારના નવા વર્ષના કેલેન્ડરનું એક અજબનું આકર્ષણ રહ્યું છે. હાથમાં કેલેન્ડર આવવાથી એની આંખમાં ચમક આવી જાય છે. ઘરના પૂજાના ખંડમાં સેવાખાનાની બરોબર બાજુમાં કેલેન્ડરનું સ્થાન જળવાઈ રહ્યું છે.   વહેલી સવારે પૂજાની વિધિ પુરી થયા બાદ એ કેલેન્ડરમાં ચોથ, અગિયારસ અને પૂનમની તિથિ તારીખ જોઈ લે છે એ મુજબ ઉપવાસ વ્રત ધારણ કરે છે. એનાં ચોઘડિયાંમાં પણ એને સંપૂર્ણ વિશ્વાસ છે. એ મુજબ એ એના શુભ કાર્યની શરૂઆત કરે છે. એના માટે કોઈ પણ ગોર મહારાજને એ પૂછપરછ ક્યારેય કરતી નથી. બલ્કી નિકટનાં સ્વજનો, દીકરીઓ, સોસાયટીવાળા આ બધી જાણકારી મેળવવા માટે એની રૂબરૂ મુલાકાત લે છે અથવા ફોન પર માહિતી મેળવી તેઓ સંપૂર્ણ સંતોષનો અનુભવ કરે છે. આ એનો પ્રિય વિષય છે.

‘ગુજરાતમિત્ર’ અખબાર અને એની વિશેષ પૂર્તિથી એની રોજનીશી ચાલુ રહે છે. એમાં એને ‘સત્સંગ’ પૂર્તિ અને ‘સન્નારી’ પૂર્તિ પ્રત્યે બેહદ પ્રેમ છે. એકવાર ‘સન્નારી’નાં ‘અથાણાં સ્પેશ્યલ પૂર્તિમાં શ્રી ભગવતીકુમાર શર્માએ એના હાથના વિવિધ પ્રકારનાં અથાણાંનો ટેસ્ટ કર્યો હતો ત્યારે અમારાં શ્રીમતીના નામનો ઉલ્લેખ કરી ખૂબ પ્રશંસા કરી હતી. એક મહત્ત્વની વાત એ કે એના કબાટમાં વર્ષો જૂની ‘ગુજરાતમિત્ર’ અખબારની પૂર્તિ એને કાળજી રાખીને જાળવી રાખી છે. આ એનું પાગલપણ અથવા ‘મિત્ર’ માટેનું દિવાનાપણ પરિવારને પસંદ છે.
સુરત     -જગદીશ પાનવાલા   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ભારતમાં પ્રથમ
આજકાલ દેશમાં એવો માહોલ સર્જાયો છે કે છેલ્લાં ૭૦ વર્ષમાં દેશમાં કંઈ જ થયું નથી.પાછલી સરકારો દ્વારા જાણે દેશ માટે કંઈ કરવામાં જ નથી આવ્યું. પરંતુ જે લોકો આવી કેસેટ વગાડયા જ કરે છે તે પોતાના પગ પર કુહાડી નહીં પણ પોતાનો પગ કુહાડી પર મારે છે. બીજી વાત એ કે ૭૦ વર્ષમાં તો એમના પોતાના પક્ષની સરકારનો સમયગાળો પણ આવી જાય એટલે કે એમને પોતાના ગુરુજનોનું પણ માન નથી. દેશની પ્રથમ એઈમ્સ હોસ્પિટલ ૧૯૫૬ માં એટલે કે બંધારણ અમલમાં આવ્યાના ફકત છ વર્ષમાં બની ગઈ હતી.આવી જ રીતે દેશના પ્રથમ હાઈ વે, પ્રથમ એરપોર્ટ, પ્રથમ મેટ્રો, પ્રથમ આઈઆઈટી,પ્રથમ એનઆઈટી,પ્રથમ આઈઆઈએમ, પ્રથમ સી-લિંક અને આવા તો હજારો પ્રથમ પ્રોજેકટ આ ૭૦ વર્ષમાં કાર્યરત થયા અને એ પણ ગુણવત્તાયુક્ત.વિચારો જયારે દુનિયામાં જ ટેકનોલોજી ઓછી હતી તે સમયના પ્રોજેક્ટની ગુણવત્તા આજના આધુનિક ટેકનોલોજીના પ્રોજેક્ટની ગુણવત્તા કરતાં લાખો ગણી સારી છે.  જે દેશમાં ૭૦ વર્ષના શાસનની વાતો કરતા રહે છે તેઓ છેલ્લાં ૨૭ વર્ષથી ગુજરાતમાં સત્તા પર છે અને ગુજરાતમાં કેટલાંય વર્ષોથી ભણાવવામાં આવે છે કે કેરલ રાજ્ય એજયુકેશનમાં પ્રથમ છે.તો આ લોકો બીજાને શું સલાહ આપતા હશે? ઘણા મુરખના સરદારો તો એમ કહેતા પણ અચકાતા નથી કે દેશને આઝાદી જ ૨૦૧૪ માં મળી. પણ આવા જ લોકોની મૂર્ખતાને કારણે સરકાર હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાય છે. આશા રાખીએ કે આવી અતિશયોક્તિ બંધ થઈ વિરોધી મતો અને વિરોધી વિચારોનું ખુલ્લા મનથી સ્વાગત થાય એ જ સાચી લોકશાહી.
સુરત     -કિશોર પટેલ          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top