સુરત: શહેરમાં ઠંડીના ચમકારા વચ્ચે તાવ, ઝાડા-ઊલટી સહિતની બીમારીને કારણે લોકોના મોત થવાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આહિર સમાજના સમુહ લગ્નોત્સવ પહેલા જ ઝાડા ઊલટીમાં દુલ્હનનું મોત નિપજ્યું હતું. પીઠી કરીને બેસેલી યુવતીની તબિયત લથડતાં પરિવાર હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા તેણીનું મોત નિપજ્યું હતું.
- ગોડાદરાની કાજલ આજે આહિર સમાજના સમુહલગ્નમાં લગ્નગ્રંથીથી જોડાવાની હતી
- તબિયત વધુ લથડતાં પીઠી ચોળેલી હાલતમાં જ હોસ્પિટલમાં ખસેડાઇ હતી
મળેલી માહિતી મુજબ, મૂળ ભાવનગરના વતની હકાભાઈ રાઠોડ હાલ ગોડાદરા વિસ્તારમાં આવેલા મણિભદ્ર કોમ્પલેક્સમાં બે સંતાન સહિતના પરિવાર સાથે રહે છે. હકાભાઇ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. શનિવારે આહિર સમાજ દ્વારા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હકાભાઈની પુત્રી કાજલ (28 વર્ષ)ના લગ્ન હતા.
કાજલને ત્રણેક દિવસથી તાવ આવી રહ્યો હતો. તેમજ ઘરમાં શુભ પ્રસંગ હોવાથી તે કામમાં વ્યસ્ત હતી. જેથી તેણીએ ઘર પાસેના મેડિકલ સ્ટોર પરથી દવા લાવીને લીધી હતી. ગુરુવારે તે પીઠી કરીને બેઠી હતી. દરમિયાન તેણીને ઝાડા-ઉલટી થવા લાગ્યા હતા અને તેણીની તબિયત લથડવા લાગી હતી.
જેથી પરિવારજનો તેને સારવાર માટે હોસ્પિટલ લઈને દોડ્યા હતા. જ્યાં રસ્તામાં તે બેભાન થઈ ગઈ હતી. જેથી તેણીને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું. કાજલના ભાઈ-ભાભી ડોકટર છે અને ગોડાદરા લક્ષ્મીપાર્ક ખાતે તેઓની ક્લિનિક પણ છે.