ગાંધીનગર: દેશ અને દુનિયામાં ગીરના (Gir) જંગલની (Forest) એક અનોખી જ ઓળખ છે. ગીરના જંગલમાં ગીર સફારી માટે દેશ વિદેશથી લોકો આવતા હોય છે. ત્યારે ગાંધીનગર (Gandhinagar) ખાતે ‘ધ ગીર પ્રાઈડ ઓફ ગુજરાત’નું (The Gir Pride of Gujarat) નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં પ્રવાસીઓને ગીરના જંગલ અને એશિયાઈ સિંહનો અનુભવ થશે.
ગાંધીનગરના ઇન્દ્રોડા સર્કલ ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નવનિર્મિત ‘ ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત’ નું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેકટર પરિમલ નથવાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
- રાજયના પાટનગરવાસીઓને એશિયાઇ સિંહો અને ગીરના જંગલની અનુભૂતિ કરાવશે- ગૃહમંત્રી હર્ષ સંઘવી
- ‘ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત ’ એશિયાઇ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ સાસણ ગીરની પ્રતિકૃતિ છે
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેકટ રાજયના પાટનગર વાસીઓને એશિયાઇ સિંહો અને ગીરના જંગલની અનુભૂતિ કરાવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેકટર પરિમલ નથવાણીએ કંપનીના સહયોગથી ગીરના જંગલ અને ગુજરાતનું ગૌરવ એવા સિંહોને વિશ્વમાં પ્રમોટ કરવાની ઉમદા કામગીરી કરી રહ્યા છે. તેમના દ્વારા વિવિઘ ટુંકી ફિલ્મો, કોફી ટેબલ બુકો અને અન્ય માઘ્યમથી ગીરના સિંહોને વિશ્વ કક્ષાએ ઉજાગર કરી રહ્યા છે. ગાંધીનગરના હાર્દસમા ઇન્દ્રોડા સર્કલ ખાતે ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાતનું નિર્માણ કરીને નગરમાં એક નવું આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેકટર પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, ‘ ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત’ એશિયાઇ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ સાસણ ગીરની પ્રતિકૃતિ છે. આ પ્રોજેક્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ની કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સિબિલિટીનો એક ભાગ છે. આ પ્રોજેક્ટનું નિર્માણ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના સહયોગમાં સ્થાપવામાં આવ્યો છે. પરિમલ નથવાણીએ ઉમેર્યું હતું કે, આ પ્રોજેકટ લગભગ 55 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે. જેમાંથી ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત લગભગ 25 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. જેમાં સાસણ ગીરમાં જોવા મળતા વિવિઘ પ્રાણીઓ અને પક્ષીઓ જેવા કે સિંહની ૧૨ પ્રતિકૃતિ, દિપડા, ચોશિંગા, ચીત્તલ, અજગર, વરૂ, લંગુર, કિડીખાઉ, ગીઘ વગેરેની પૂર્ણ કદની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે.
મને ગીરના સિંહો પ્રત્યે અપ્રતિમ લગાવ છે, તેવું કહી પરિમલ નથવાણીએ કહ્યું હતું કે, રિલાયન્સ કંપની ગીર અને ગીરના સિંહો માટે ત્રણ દાયકાથી વઘારે સમયથી કામ કરી રહી છે. દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રિલાયન્સ ગૃપ દ્વારા ગીરના જંગલમાં સિંહો કુવામાં પડી ન જાય તે માટે કુવાઓની પાડી ઉંચી કરવા સાથે સિંહોના રક્ષણ અને જંગલના વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે. પાંચ જેટલી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદના એરપોર્ટમાં ડોમેસ્ટીક ટર્મિનલ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા એશિયાટીક સિંહો પર આધારિત ધી ગીરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં અમદાવાદના સુભાષબ્રિજ સર્કલ ખાતે આ જ પ્રકારના પ્રોજેકટનું નિર્માણ કરવામાં આવશે.