ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું અને મનુષ્યનું સર્જન કરી તેને સૃષ્ટિમાં અનેક રીતે ખુશીઓથી ભરેલો ખજાનો ઉપહાર તરીકે આપ્યો.પરંતુ મનુષ્ય ભગવાને આપેલા આ ઉપહારનું મૂલ્ય સમજી ન શક્યો અને તેનો આનંદ માણવાને સ્થાને અંદર અંદર લડવામાં વધુ ને વધુ મેળવવાની દોડમાં અને અભિમાનમાં અંધ બની આ કોઈ ખુશીઓનું મૂલ્ય સમજતો ન હતો અને ભગવાન એટલે દુઃખી હતા.
ભગવાને બધા દેવતાઓને બોલાવ્યા અને કહ્યું, ‘મેં મનુષ્યને સૃષ્ટિ પર નાની નાની ચીજોમાં કેટલી અણમોલ ખુશીઓ આપી છે, પરંતુ મનુષ્યને તેનું મૂલ્ય જ નથી. તે આનંદ અને ખુશીથી જીવવાને સ્થાને એકબીજા સાથે લડવામાં અને બીજાને પછાડવામાં જ પ્રવૃત્ત રહે છે અને નથી ચારે બાજુ વેરાયેલી ખુશી જોઈ શકતો નથી માણી શકતો અને નથી અન્યને કોઈ ખુશી આપી શકતો.ઇન્દ્ર દેવે કહ્યું, ‘ભગવાન આપે આપેલા અણમોલ ખુશીઓના ખજાનાની મનુષ્યને કોઈ કિંમત ન હોય તો તે ભેટ પાછી લઇ લો.’
ભગવાને કહ્યું, ‘મેં તો આખી સૃષ્ટિ મનુષ્ય માટે જ બનાવી છે અને આ સૃષ્ટિ પર વેરાયેલો દરેક ખુશીઓનો ખજાનો મનુષ્ય માટે જ છે એટલે કઈ આપેલી ભેટ પાછી ન લઇ શકાય અને મેં તો સૃષ્ટિના કણ કણમાં અને મનુષ્યના જીવનની ક્ષણ ક્ષણમાં ખુશીઓ ભરી છે, કઈ કેટલી પાછી લેશું? એ શક્ય જ નથી.’ બ્રહ્માજી બોલ્યા, ‘ભગવાન, ચારે બાજુ અનેક રીતે ખુશીઓ છે છતાં મનુષ્ય તેનો આનંદ લેતો નથી અને અન્યને લેવા દેતો નથી.તો આપણે કઇંક એવું કરીએ કે હવે તે ખુશી ગોતે પણ તેને મળે જ નહિ.જયારે ખુશી નહિ મળે ત્યારે જ તે તેની અમૂલ્યતા સમજી શકશે.આપણે ખુશીની લાગણીને જ છુપાવી દઈએ.’
નારદજી બોલ્યા, ‘નારાયણ નારાયણ, ભગવાને મનુષ્યને માત્ર ખુશીઓનો ખજાનો નહિ પણ બુદ્ધિ પણ આપી છે એટલે તમે આ ખુશીની લાગણીને શિખર પર છુપાવશો કે ગુફામાં કે સાગરના ઊંડાણમાં મનુષ્ય તેને એક દિવસ ગોતી લેશે એટલે ખુશીની લાગણીને સંતાડીશું ક્યાં?’
ભગવાન બોલ્યા, ‘મને ઉપાય મળી ગયો છે. આપણે આ ખુશીની લાગણીને મનુષ્યની અંદર તેના હ્રદયમાં જ સંતાડી દઈએ.એટલે જે મનુષ્ય આજુબાજુ બહાર ક્યાંય પણ ખુશી ગોતશે તો તે તેને ક્યાંય મળશે નહિ.અને જે મનુષ્ય પોતાની અંદર ખુશી ગોતશે, ભીતરમાં જોશે અને જાણશે કે ખુશી તો પોતાની અંદર જ છે તે દરેક પરિસ્થિતિમાં દરેક ક્ષણે ખુશી મેળવશે.’ ભીતર જુઓ, દિલથી ખુશ રહો અને બધાને રાખો.