SURAT

પ્રજાનાં નાણાંમાંથી બનેલા SMCના સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં પ્રજાને લૂંટવાનો ખેલ

સુરત: સુરત મનપા પ્રજાના કરવેરાનાં નાણાંમાંથી ઘણા લોકરંજન પ્રોજેક્ટ પણ સાકાર કરે છે, જેમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને હેલ્થ ક્લબ વગેરેનો સમાવેશ થાય છે. જો કે, આવા પ્રકલ્પોના સંચાલનનો ખર્ચ મનપાની તિજોરી પર ના આવે એટલા માટે ખાનગી એજન્સીઓને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી સોંપી દેવામાં આવે છે. તેમાં અમુક ટકા બેઠક મનપાના રિઝર્વ ક્વોટામાં રાખવામાં આવે છે, જેમાં શહેરીજનો મનપાએ નક્કી કરેલા ચાર્જ ભરીને લાભ લઇ શકે છે.

  • મનપાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં ક્વોટા ‘FULL’ દર્શાવી ‘FOOL’ બનાવતા ઇજારદારો!
  • ઈજારદારો બોગસ લાભાર્થી ઊભા કરી ક્વોટા ફુલ બતાવી તગડી ફી લઈ એડમિશન આપતા હોવાની બૂમ ઊઠી

જો કે, મોટા ભાગે મનપાના ક્વોટામાં ડમી લાભાર્થીઓ દર્શાવીને ઇજારદાર એજન્સી પોતે નક્કી કરેલી તગડી ફી વસૂલતા હોવાની બૂમ અવારનવાર ઊઠે છે. જેને ધ્યાને રાખી હવે સ્થાયી સમિતિએ મનપાના ક્વોટા પર ધ્યાન આપવા નક્કી કર્યુ છે.

વિસ્તૃત વિગતો મુજબ વરાછા સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં મનપાને લાખો રૂપિયાનો ચૂનો લગાવી રાતોરાત ભાગી ગયેલી એજન્સી સામે દોઢ-બે વર્ષ અગાઉ વિપક્ષી સભ્ય વિપુલ સુહાગીયાએ મનપાના ક્વોટા ચાઉં કરી જવાનો આક્ષેપ કર્યો હતો અને એજન્સીએ ઊભા કરેલા બોગસ લાભાર્થીઓનું લિસ્ટ પણ રજૂ કર્યુ હતું. જો કે, શાસકોએ ત્યારે આંખ આડા કાન કર્યા હતા.

હવે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ સુધી આ ફરિયાદ પહોંચતાં આખરે શાસકો જાગ્યા છે. એવું જાણવા મળ્યું છે કે, સ્પોર્ટસ કોમ્પ્લેક્સના સંચાલક ઇજારદાર એજન્સી મનપાના ક્વોટાની જગ્યા પર પોતાના જૂના ગ્રાહકો કે પરિચિતોનાં ડોક્યુમેન્ટ મૂકી ક્વોટા ફુલ બતાવી દે છે. બાદ પોતે નક્કી કરેલી તગડી ફી વસૂલી પ્રવેશ આપે છે.

હવેથી મનપાના ક્વોટાની વિગતો બોર્ડ પર દર્શાવવી પડશે
સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે આદેશ આપ્યો હતો કે, પીપીપી ધોરણે ચલાવવા આપેલા સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં સુરત મહાનગરપાલિકાની અનામત રાખેલી જગ્યાઓ અંગે લોકોને ખબર હોતી નથી. મનપાની અનામત જગ્યાની લોકોને સરળતાથી જાણકારી મળી રહે એ માટે સ્પોર્ટસ કોમ્પ્લેક્સની બહાર જ બોર્ડ લગાવવા માટે વ્યવસ્થા કરાશે. સાથે સાથે મનપાની વેબસાઈટ અને પોર્ટલ પર પણ તે અંગેની વિગતો સરળતાથી મળી રહે એ માટેનું પ્રાવધાન કરવા માટેની સૂચના સ્થાયી અધ્યક્ષ દ્વારા આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં શહેરમાં પીપીપી ધોરણે 3 સ્પોર્ટસ કોમ્પ્લેક્સ કાર્યરત છે અને 2 સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે.

Most Popular

To Top