ANKELSHAVAR : ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદથી જાણે કે કોરોનાનાં કેસોનો ( CORONA ) રાફડો ફાટ્યો હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે. જિલ્લામાં રોજના કોરોનાના કેસોએ ગતિ પકડતાં તંત્રની સાથે સાથે લોકોની ચિંતામાં પણ વધારો થયો છે.ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી 164 જેટલા એક્ટિવ કેસો નોંધાઇ ચૂક્યા છે. તો બીજી તરફ કોવિડ સ્મશાનમાં અંતિમક્રિયાનો આંકડો 500ને પાર પહોંચ્યો છે. કોવિડ સ્મશાનમાં ( Covid Cemetery) ગત 10 તારીખથી આજ સુધી 25 જેટલા અંતિમસંસ્કાર થયાં છે, જેમાં પણ છેલ્લા 17 દિવસમાં જ 25 અંતિમક્રિયા થઇ છે, તે બાબત પણ ચિંતાસમાન બની છે.
કોવિડ સ્મશાનમાં જાણવા મળ્યા મુજબ રોજનાં 2થી 3 કોવિડ પ્રોટોકોલથી અંતિમક્રિયા થઇ રહી છે. સાથે જ તંત્રમાં અંતિમક્રિયા મામલે આંકડા અપડેટ કેમ નથી થતા તે બાબત પણ અહીં નોંધનીય બની છે. સરકારી અને ખાનગી લેબમાં થતા ટેસ્ટમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીનાં આંકડાઓની વાત કરીએ તો ૩૯૬૯ લોકો કોરોના પોઝિટિવ (CORONA POSITIVE) આવી ચૂક્યા છે. જેમાં મોટા ભાગે લોકોએ કોરોનાને માત આપી છે, પરંતુ ફરી એકવાર કેસોની ગતિમાં વધારો થતાં ભરૂચ જિલ્લામાં કોરોનાની સ્થિતિ બગડી રહી હોય તેમ લાગી રહ્યું છે. કોરોના મામલે હજુ પણ લોકો બેદરકારી દાખવતા હોય તેમ જોકે મળી રહ્યું છે. ભરૂચમાં વહીવટી તંત્ર પણ બગડતી સ્થિતિ સામે લોકોને સામાજિક અંતર, માસ્ક, સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યું છે.
અંકલેશ્વર જીઆઈડીસીમાં તમામ બાગ બંધ
અંકલેશ્વર પણ કોરોનાવાયરસની ( CORONA VIRUS) રિ-એન્ટ્રી થઈ છે. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારના મુખ્ય અધિકારી દ્વારા શનિવારે જાહેર કરાયેલા એક આદેશ મુજબ જોગર્સ પાર્ક, સુવર્ણ જયંતી ઉદ્યાન, કમલમ ગાર્ડન, જીઆઇડીસી તળાવ, ચિલ્ડ્રન્સ પાર્ક અને વેજિટેબલ માર્કેટ હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યાં છે. જે રીતે અંકલેશ્વરમાં પણ શહેર, તાલુકા અને જીઆઇડીસીમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. એ જોતાં નોટિફાઇડ વિસ્તાર દ્વારા આ એક મહત્ત્વનું અને પ્રશંસનીય પગલું ગણી શકાય.
નોંધનીય છે કે, અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ અંકલેશ્વરના બાગ-બગીચાઓ હંગામી ધોરણે બંધ કરવામાં આવે એ હવે અનિવાર્ય બન્યું હતું. કારણ કે, સૌથી વધારે ભીડ અંકલેશ્વર જવાહર બાગમાં અને બાગ બહાર થતી હોય છે. સામે સિનિયર સિટિઝન ગાર્ડન છે. એનાથી આગળ જતાં પરસોત્તમ બાગ પણ છે જ્યાં પણ સ્થાનિક લોકો મોટા પ્રમાણમાં સાંજે બેસવા, ફરવા, ચાલવા જતાં હોય છે અને ભીડ એકઠી થતી હોય છે. સ્લમ વિસ્તારમાં સેનેટાઈઝર છાંટવાની પ્રક્રિયા પણ શનિવારથી શરૂ કરી દેવામાં આવી છે.