નડિયાદ: નડિયાદમાં આજે સરદાર ભવન બહાર આવેલી ગાંધીજીની પ્રતિમાની ફરતેની રેલિંગનું સમારકામ ન કરવા બદલ પૂર્વ કેન્દ્રીય મંત્રી ગિન્નાયા હતા. તેમણે આ મામલે માર્ગ અને મકાન વિભાગના એન્જીનિયરને બોલાવી ઉધડો લીધો હતો. તો વળી, શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ સીધા કલેક્ટર પાસે રજૂઆત લઈ પહોંચ્યા હતા. જ્યાં ગણતરીના કલાકોમાં જ રેલિંગનું કામકાજ શરૂ કરી દેવાયુ હતુ. નડિયાદ સરદાર ભવન સ્થિત આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાની આસપાસની રેલિંગ બસ અકસ્માતમાં તૂટી ગઈ હતી. છેલ્લા ત્રણેક માસથી આ રેલિંગનું સમારકામ કરાતુ ન હતુ. જેના કારણે આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે રોષ વ્યક્ત કર્યો હતો.
તેમણે માર્ગ અને મકાન વિભાગના ડે.એન્જીનિયરને બોલાવી ઉધડો લીધો હતો. તેમજ તાત્કાલિક આ સંદર્ભે યોગ્ય કામગીરી કરવા સૂચન કર્યુ હતુ. તેમજ તંત્ર ગ્રાન્ટ ન ફાળવી શકે તો તેઓ સ્વખર્ચે આ સમારકામ કરાવશે, તેવી લાગણી વ્યક્ત કરી હતી. તો વળી, આ સમગ્ર ઘટનામાં શહેર કોંગ્રેસ પ્રમુખ પોતાની ટીમ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં લેખિત રજૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક યોગ્ય નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ ગણતરીના કલાકોમાં જ પ્રતિમાની ફરતે રેલિંગનું કામકાજ શરૂ કરી દેવાયુ હતુ.