Columns

પહેલું પગલું

એક સ્પીકર સરસ વાત કરી રહ્યા હતા ‘સફળતા વિષે.’ જીવનમાં સફળતા મેળવવા માટે શું શું કરવું જોઈએ તેની ઘણી બધી વાતો કર્યા બાદ સ્પીકરે કહ્યું, ‘તમારી સમક્ષ એક પીળી ચિટ પડી છે તેની પર હવે તમારા મત મુજબ સફળતા મેળવવા તરફ આગળ વધવા માટેનું પહેલું પગલું શું છે તે એક શબ્દમાં લખો. બધાએ વિચારીને જવાબ લખ્યા.બધાના જવાબ એક બાઉલમાં ભેગા કરવામાં આવ્યા અને પછી સ્પીકર બોલ્યા, ‘જીવનમાં સફળતા મેળવવા માટે પહેલું પગલું કયું તેનો કોઈ એક સાચો જવાબ નથી.

એટલે ચાલો આપણે બધાના જવાબોમાંથી માહિતી મેળવી સફળતા તરફનાં પગલાંઓ વિષે સમજીએ.’સ્પીકર એક પછી એક ચિઠ્ઠીઓ કાઢીને વાંચવા લાગ્યા….પહેલી ચિટમાં લખ્યું હતું ‘આત્મવિશ્વાસ’ સ્પીકરે કહ્યું, ‘જીવનમાં નાનું કે મોટું દરેક કાર્ય કરવા માટે પોતાની ઉપર વિશ્વાસ હોવો બહુ જરૂરી છે.’બીજી ચિટમાં જવાબ હતો ‘મહેનત.’સતત મહેનત સફળતા સુધી પહોંચાડે જ છે.ત્રીજી ચિટમાં લખ્યું હતું ‘જ્ઞાન.’જીવનમાં આગળ વધવા પોતાના વિષયનું ઊંડું જ્ઞાન જરૂરી છે.ચોથી ચિટમાં જવાબ હતો ‘તક’…પાંચમી ચિટમાં લખ્યું હતું ‘ટેકનોલોજી’…છઠ્ઠી ચિટમાં લખ્યું હતું ‘મનોબળ’…સાતમી ચિટમાં જવાબ હતો ‘વાચન’… બીજા જવાબ હતા ‘ઈમાનદારી’…. ‘હોશિયારી’…. ‘પરિવર્તન’…. ‘સમયસૂચકતા’…. ‘સારી ટીમ’……..આમ અનેક જવાબ હતા અને બધા જ સાચા હતા.

સ્પીકર જવાબો વાંચતા જતા હતા અને તે જવાબમાં લખેલા શબ્દનું મહત્ત્વ અને તેની સફળતાના માર્ગ પર મહત્ત્વ સમજાવતા જતા હતા.એક જવાબ વાંચી સ્પીકર હસ્યા. તે હતો ‘નસીબ’…સ્પીકર માત્ર એટલું જ બોલ્યા ‘મહેનત સાથે નસીબ ભળે તો સફળતા મળે તે વાત સાચી, પણ માત્ર નસીબની રાહ જોઇને બેસી રહેનારને સફળતા તો શું કંઈ જ મળતું નથી.આગળ હજી એક ઇન્ટરેસ્ટીંગ જવાબ હતો તે જવાબ હતો ‘આપણી ભૂલ’આ જવાબ વાંચી સ્પીકર પણ એક મિનીટ માટે વિચારમાં પડી ગયા.પછી બોલ્યા, ‘આ જવાબ બહુ વિચારીને અને અનુભવ પરથી લખાયો લાગે છે.હા, એ વાત સાચી છે કે જીવનમાં સફળતા તરફ પહેલું પગલું આપણી ભૂલ હોય શકે, પણ હું મારા મત પ્રમાણે આગળ વધીને વાત કરું તો જે ભૂલ થઇ હોય તે શોધી ..સમજી ..સ્વીકારી અને સુધારી લેવી અને આ ભૂલનો સ્વીકાર અને સુધાર સફળતા તરફનું પહેલું પગલું બની શકે.’બધાએ સ્પીકરની વાતને તાળીઓથી વધાવી લીધી.સ્પીકરે અનોખી રીતે જીવનમાં સફળતા માટે જરૂરી એવી એક નહિ, અનેક બાબતો વિષે સમજાવ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top