અત્યારે મહિલા પહેલવાનની જાતીય સતામણી અંગેનો વિવાદ જાગ્યો છે. અનેક નકામા સમાચારોમાં આ મહત્વનાં સમાચાર કયાં અને કયારે દફન થઈ જશે તેની કોઈને જાણ પણ ન થશે!જયાં નારીનું પૂજન થાય છે, દયા, પ્રેમ અને સહાનુભૂતિની મિશાલ તરીકે ગણના થાય છે એજ દેશમાં માત્ર ખેલાડી મહિલાઓનું જ નહીં વિવિધ ક્ષેત્રમાં પુરુષ સમોવડી મહિલાઓએ જાતીય સતામણીનો ભોગ બનવું પડે છે.પુરુષપ્રધાન સમાજ મહિલાઓને હેરાન કરવામાં કે તેની સતામણીનો અધિકાર સમજી અસામાજિક કૃત્યો કરે છે. જેને કારણે જ વિશિષ્ટ કલામાં પારંગત મહિલાઓને વધુ સહન કરવું પડે છે. જે મહિલા અવાજ ઉઠાવે છે તેને દબાવી દેવામાં આવે છે કે કેરિયર ખતમ કરી નાંખવાનાં હીન પ્રયત્નો કરવામાં આવે છે.
સમાજ પણ આવાં કેસમાં મહિલાઓ પક્ષે ઉદાસીનતા દાખવી ટીકા કરી વધુ હતાશ કરે છે. જેથી કેટલીય મહિલા ખેલાડીઓ,એકટ્રેસ,કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરનારની કેરિયર ખતમ થઈ જાય છે.આવી પરિસ્થિતિને કારણે જ મહિલા પહેલવાનોએ રીંગમાં ફાઈટ કરવાને બદલે જંતરમંતર પર કસુરવારને સજા કરાવવા મેદાને ઉતરવું પડ્યું. એસોસિયશનનાં હોદ્દેદારો સેકસ્યુઅલ ફેવરની માંગણીઓ કરે છે.મહિલા ખેલાડીઓ ના પાડે તો ટીમમાંથી પડતાં મૂકાય છે. મહિલા ખેલાડીઓને ટીમમાં ટકી રહેવા ખૂબ સંઘર્ષ અને સામનો કરવો પડે છે. પણ જે ભોગ બને તેનો ચિત્કાર સાંભળવા કે ન્યાય અપાવવા કોઈ તૈયાર નથી.સરકાર પક્ષે પણ નિરાશાજનક અને ઉદાસીન વલણ મહિલા ખેલાડીઓ માટે હતોત્સાહ કરનારું છે.
સુરત – અરૂણ પંડયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વેરાઓમાં ધરખમ વધારા સામે જનતાને સુવિધાઓ મળે છે?
તા. 31.1.23ના રોજ મ્યુનિસીપલ કમીશ્નર દ્વારા એસ.એમ.સી.નું વાર્ષિક બજેટ રજુ કરવામાં આવ્યું જે અનુસાર મિલ્કત વેરો, પાણી-ડ્રેનેજ ચાર્જીસ, પર્યાવરણ સુધારા ચાર્જ અને સ્ટ્રીટ લાઇટ ચાર્જમાં ટકાવારીની દ્રષ્ટીએ જોઇએ તો મોટો વધારો ઝીંકવામાં આવ્યો. હવે જનહિતાર્થે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શહેરની જનતા પાસે મોટા ચાર્જીસથી થયેલો વેરો વધારો વસુલાશે તો તેની સામે શું જનતાને યોગ્ય સગવડો અને સુવિધા પ્રાપ્ત થાય છે ખરી? આનો વાસ્તવીક ઉત્તર શહેરની પ્રજા જ આપી શકે! દરેક ક્ષેત્રે યોગ્ય અને જરૂરી સુવિધા મળી રહે તે જોવાની અને તેને અમલમાં મુકવાની સંપૂર્ણ ફરજ અને નૈતિક જવાબદારી એસ.એમ.સી.ની ખુરશીઓ પર બિરાજમાન સત્તાધીશોની છે!
સુરત – રાજુ રાવલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.