Business

પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ

બાર જયોતિર્લિંગમાનું પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર સનાતનીઓનું સૌથી મોટું આસ્થા કેન્દ્ર છે. અનેકવાર ખંડિત થઇ ફરી ફરીને નિર્માણ પામેલ ગુજરાતનું સોમનાથ મહાદેવ મંદિરની પૌરાણિક, ધાર્મિક અને ઐતિહાસિક કથાઓ સાથે કેટલીક વાતો વૈજ્ઞાનિકો માટે પણ રહસ્યમય છે. અનેક ખંડિત મંદિરોની જેમ મોગલ આક્રાંતાઓના આતંકનું વારંવાર ભોગ બનેલ સોમનાથ મંદિર અતિ પૌરાણિક મંદિર છે. ઇ.સ. પૂર્વેના સેંકડો વર્ષ પહેલા નિર્મિત સોમનાથ મહાદેવ મંદિરનું શિવલિંગ એક સમયે હવામાં સ્થિર અને ધરતીથી ઉપર હતુ એ સૌ કોઇ માટે સૌથી મોટું આશ્ચર્ય હતું. જાણકારોના મતે એ વાસ્તુકલાના અદ્‌ભુત નમૂનારૂપ હતું. ચુંબકીય શકિત દ્વારા હવામાં શિવલિંગને સ્થિર રાખવાની સ્થાપત્ય કલા અલૌકિક હતી. બસ, સનાતનધર્મી સ્થાપત્યકારોની આ મહાનતા મોગલ આક્રાંતાઓની આંખમાં ખટકી અને ઇ.સ. ૭૨૫ માં સિન્ઘના મોગલ સૂબેદાર અલ જુનેદે હુમલો કરી મંદિરને તોડાવી નાખ્યું. સનાતનીઓની  આસ્થાના પ્રતિક સમાન સેંકડો વર્ષથી પ્રસ્થાપિત સોમનાથ મહાદેવ મંદિરને એ વખતે પ્રથમવાર ધ્વંસ્થ કરાયુ હતું. ઇ.સ. ૭૨૫ માં તૂટી ગયેલા મંદિરમાં પણ સનાતનીઓ પૂજા-અર્ચના કરતા. ઇ.સ. ૮૨૫ માં પ્રતિહાર રાજવંશી રાજવી રાજા નાગભટ્ટે મંદિરનું પુનનિર્માણ કરાવ્યું. અને તેથી મંદિરની પ્રસિધ્ધિ અને મહિમા દૂર દૂર સુધી ફેલાઇ હતી.

અરબ યાત્રી અલ-બરૂનીએ તેના યાત્રા-વૃતાંતમાં સોમનાથ મહાદેવ મંદિરનું વિવરણ અને જાહોજલાલીની વાતો લખી હતી. તેનાથી પ્રભાવિત મહમુદ ગઝનવીએ ઇ.સ. ૧૦૨૪ મા ૫૦૦૦ જેટલા સૈનિકો સાથે ભારે હુમલો કરી વિશાળ મંદિરમાં હાથ જોડી પૂજા-અર્ચના કરતા નિ:શસ્ત્રી લોકોની ભારે કત્લેઆમ ચલાવી ૫૦,૦૦૦ થી વધુ લોકોને મારી નાખ્યા. વારંવાર તુટતા અને ફરી નિર્માણ પામતા મંદિર માટે એ વખતે ગુજરાતના રાજા ભીમદેવ અને માલવાના રાજા ભોજે નિર્માણ કરાવ્યુ. ઇ.સ. ૧૦૯૩ માં સિધ્ધરાજ જયસિંહે પણ મંદિર નિર્માણમાં ખૂબ મોટો સહયોગ કર્યો હતો. ઇ.સ.૧૧૬૮ માં વિજયેશ્વર કુમારપાળ અને રાખેંગારે મંદિરને વિશાળ બનાવવા અને સૌંદર્યીકરણ માટે ખૂબ યોગદાન આપ્યું હતું.

ઇ.સ. ૧૨૯૭ માં અલ્લાઉદ્દીન ખિલજીના સેનાપતિ નુસરત ખાંએ સોમનાથ પર હુમલો કરી મંદિરને ધ્વંસ્ત કરી આ સમૃધ્ધ મંદિરની ધન-સંપત્તિ લૂંટી લીધી. હિન્દુરાજાઓએ ફરી મંદિરનું નિર્માણ કરાવાતા ઇ.સ.૧૩૯૫ માં સુલતાન મુઝફફર શાહે મંદિર તોડીને લૂંટ ચલાવી. ઇ.સ. ૧૪૧૨ માં તેના પુત્ર અહમદ શાહ કે જેના નામ પરથી અમદાવાદ શહેરનું નામકરણ થયેલુ તેમણે પણ એ જ મંદિર તોડવાનું અને લૂંટવાનું કુકર્મ કર્યું. ક્રુર શાસક ઔરંગઝેબે તો સોમનાથ મંદિરમાં બે વાર તોડફોડ મચાવી. ઇ.સ. ૧૬૬૫ માં ઇ.સ. ૧૭૦૬ માં મંદિર તોડી અદ્‌ભુત કોતરણીવાળા મંદિરના દ્વાર પણ લૂંટી જઇ આગ્રાના કિલ્લામાં ફીટ કરાવ્યા.

ઇ.સ. ૧૭૮૩ માં ઇંદોરના મહારાણી અહલ્યાબાઇએ સોમનાથને ફરી એકવાર પુન:નિર્માણ કરાવી સનાતનીઓની આસ્થાને જીવંત રાખી. પછીના ૧૫૦ થી ૨૦૦ વર્ષના સમય દરમ્યાન મંદિરમાં પૂજા-અર્ચના તો થતા રહ્યાં પણ સમયથી થપાટ ખાઇને ખંડેર જેવા બની ગયેલા મંદિરના નવનિર્માણનું કાર્ય સરદાર વલ્લભભાઇ પટેલે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના વિરોધ વચ્ચે પણ આઝાદી પછી તુરંત ૧૯૫૦ માં શરૂ કરાવી દીધું, જે પહેલી ડિસેમ્બર ૧૯૫૫ ના રોજ પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદના હસ્તે રાષ્ટ્રને અર્પણ કરાયું હતું.

નાગરશૈલીમાં પ્રસ્થાપિત વર્તમાન સોમનાથ મહાદેવ મંદિર ગર્ભગૃહ, સભામંડપ અને નૃત્યમંડપ એમ ત્રણ મુખ્ય ભાગોમાં વિભાજીત છે. શિખરની ઉંચાઇ 150 ફૂટ છે તો શિખર પર સ્થાપિત કળશનું વજન 10 ટન છે. તેની ઉપરની ધ્વજા 27 ફૂટ ઊંચાઇની છે. પ્રાંગણમાં ગણેશજી, હનુમાનજી, નવદુર્ગા, ખોડીયાર માતા, રાની અહિલ્યાબાઇની મૂર્તિ અને મંદિરો પ્રસ્થાપિત છે. તો 42 થી વધુ મંદિરો અહીંના દસ કિ.મી.ના ક્ષેત્રમાં પ્રસ્થાપિત છે. સોમનાથ મહાતીર્થ પિતૃઓના શ્રાધ્ધ, નારાયણ બલી જેવા સત્કર્મો માટે પણ પ્રસિધ્ધ છે. કારતક, ચૈત્ર અને ભાદરવા મહિનામાં શ્રાધ્ધ કરવાનું વિશેષ મહત્ત્વ બતાવાયું છે. હિરણ, કપિલા અને સરસ્વતિ નદીઓના ત્રિવેણી સંગમ પર સ્થિત આ પાવન ભૂમિ પર ત્રિવેણી સ્નાનનું પણ મહત્ત્વ અધિકાધિક છે. મહાભારત, શ્રીમદ્‌ ભાગવત, શિવપુરાણ, સ્કન્દ પુરાણ તથા રૂગ્વેદમાં આ તીર્થધામનો સવિસ્તર મહિમા વર્ણવાયો છે.

સોમનાથ મંદિર વિષે એક પૌરાણિક કથા એવી છે કે, દક્ષ પ્રજાપતિએ તેની 27 પુત્રીઓને ચંદ્રદેવ સાથે પરણાવી હતી જેમાં ચંદ્ર દેવ રોહિણી નામની પત્નીને અધિક ચાહતા હતા. અન્ય પુત્રીઓ સાથે થતાં અન્યાયની દક્ષ રાજાને ખબર પડતાં તેમણે ચંદ્રને શ્રાપ આપેલો કે તમે ક્ષયગ્રસ્ત થઇ જશો. શ્રાપના પ્રભાવથી પૃથ્વી પરની ચંદ્રની શીતળતા ઘટવા લાગતા ચંદ્ર સહિત લોકો દુ:ખી થવા લાગ્યા. દેવી-દેવતા અને ઋષિ-મુનિઓના સૂચનથી શ્રાપના નિવારણાર્થે ચંદ્રદેવ દેવાધિદેવ મહાદેવ પાસે ગયા ત્યારે ભોળા અને કૃપાળુ મહાદેવે કહ્યું કે શ્રાપનું તદ્દન નિવારણ શકય નથી પણ પંદર દિવસ તમારો ચંદ્ર પ્રકાશ ધીમેધીમે ક્ષય થતો જશે અને પછીના પંદર દિવસ ધીમેધીમે તમે મૂળ સ્વરૂપે પ્રકાશીને પૃથ્વી પર પુન: શીતળતા પ્રદાન કરશો. મહાદેવની કૃપાથી દક્ષનો શ્રાપ પણ મિથ્યા ના ગયો અને ચંદ્રદેવ પણ ક્ષયરોગ મુકત થયા, આથી તેમણે પ્રભાસ પાટણ ક્ષેત્રે શિવલિંગ સ્થાપી મહાદેવની પૂજા-અર્ચના કરી. ચંદ્રનું એક નામ સોમ પણ છે આથી આ સ્થાપિત શિવલિંગ સોમનાથ મહાદેવ નામે પ્રસિધ્ધ થયું.

અહીં મંદિર પાસે છઠ્ઠી શતાબ્દીમાં સ્થાપિત એક સ્થંભ છે જેના પર પૃથ્વીના ગોળામાંથી પસાર થતું બાણ દર્શાવાયુ છે તેથી તે બાણસ્થંભ તરીકે વિખ્યાત છે. અહીં સ્થંભ પર એક સૂત્ર લખેલું છે. ‘આસમુદ્રાદત દક્ષિણ ધ્રુવ, પર્યંત અબાધિત જયોતિમાર્ગ’ મતલબ કે અહીં બાણ દર્શાવ્યું છે તેની સીધી રેખામાં એક પણ પહાડ કે ભૂમિનો ભાગ આવતો નથી. પંદરસો વરસ પહેલાં લખાયેલા આ સૂત્રને વૈજ્ઞાનિક અને ભૌગોલિક દૃષ્ટિએ પુરવાર થયું છે કે દક્ષિણ ધ્રુવ સુધી કયાંય પણ પર્વત કે ભૂમિનો ટુકડો નથી. પૃથ્વી ગોળ છે એ અત્યારે પણ સિધ્ધ હતું અને આશ્ચર્ય વચ્ચે એ સમયે આ સંશોધન કેમ શકય બન્યું હશે એ બાબત છે. ત્યાં સુધી બરાબર છે પણ જયોતિમાર્ગનો અર્થ આજ સુધી વિદ્વાનો કે વિજ્ઞાન પામી નથી શકયુ.

ગહન અને અકલપ્ય ગુઢ તથ્યો સનાતન ધર્મના ગ્રંથોમાં કે સ્થાપત્યોમાં વણ ઉકેલાયા પડયા છે જેને સમજવા આજનું અત્યાધુનિક વિજ્ઞાન કે ટેકનોલોજી અસમર્થ છે. પાંચમી સદીમા થઇ ગયેલા મહાન આર્યભટ્ટે એ સમયે જણાવેલું કે પૃથ્વીનો વ્યાસ ૪૯૬૭ યોજન છે એટલે કે ૩૯૯૬૮ કિ.મી. છે. જેને આજના ચંદ્ર સુધી પહોંચેલુ વિજ્ઞાનની ગણતરી મુજબ ૪૦૦૭૫ કિ.મી. છે. મતલબ ફર્ક માત્ર ૧૦૭ કિ.મી.નો!! કેવી રીતે શકય બન્યું? આર્યભટ્ટ પાસે વગર ટેકનોલોજીની એવી કેવી અંકગણના હશે એ સમગ્ર વિશ્વના સંશોધકો અને વૈજ્ઞાનિકો આજે પણ પામી શકયા નથી.

Most Popular

To Top