મુંબઈમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી પહેલું મોત નોંધાયું છે. રસીના બેઉ ડૉઝ લેનારી 63 વર્ષીય મહિલા જુલાઇના છેલ્લા સપ્તાહમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કારણે મૃત્યુ પામી હતી એમ મહાનગરપાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું.
રાજ્યના અધિકારીઓએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કારણે આ ત્રીજું મોત છે.મુંબઇમાં મહિલાનાં મોતને પગલે એના ઓછામાં ઓછા બે નિકટના સંપર્કો પણ આ વેરિયન્ટથી ચેપગ્રસ્ત માલમ પડ્યા હતા એમ બીએમસીના અધિકારીએ કહ્યું હતું.
ઘાટકોપરની રહેવાસી આ મહિલા 27 જુલાઇએ આઇસીયુમાં મૃત્યુ પામી હતી. 11મી ઑગસ્ટે જ જિનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ આવતા સત્તાવાળાઓને ખબર પડી હતી કે તેને ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ચેપ લાગ્યો હતો.આ મહિલાએ કોવિશીલ્ડ રસીના બેઉ ડૉઝ લીધા હતા પણ 21મી જુલાઇએ એનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. તેને સૂકી ખાંસી, સ્વાદ જતો રહેવો, શરીર દુ:ખવું અને માથું દુ:ખવું જેવા લક્ષણો હતા. મહિલાને ઑક્સિજન સપોર્ટ પર મૂકાઇ હતી અને સ્ટિરોઇડ અને રેમડેસિવિર આપવામાં આવ્યા હતા. આ મહિલાને કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી કે ફરી ચેપ લાગ્યાનો ઇતિહાસ નથી. તેમનાં છ નિકટનાં સંપર્કો પણ કોરોના પૉઝિટિવ આવ્યા હતા અને એમનાં જિનોમ સિક્વન્સિંગમાં બેને ડેલ્ટા પ્લસ હોવાનું બહાર આવ્યું હતું. અન્યના રિપોર્ટ્સ હજી બાકી છે.
આ અગાઉ રત્નાગિરીનાં 80 વર્ષીય મહિલા 13 જૂને ડેલ્ટા પ્લસથી મૃત્યુ પામ્યા હતા. તેમણે રસીનો એકેય ડૉઝ લીધો ન હતો. જુલાઇમાં રાયગઢમાં 69 વર્ષીય પુરુષ આ વેરિયન્ટ્સથી મૃત્યુ પામ્યા હતા. એમણે પણ પૂર્ણ રસી લીધી હતી.બે દિવસ અગાઉ મહારાષ્ટ્ર સરકારે કહ્યું હતું કે રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 20 નવા કેસો મળ્યા છે અને એમાંથી સાત મુંબઈમાં છે. આ સાથે રાજ્યમાં ડેલ્ટા પ્લસના કુલ 65 કેસો થયા છે.