વર્ષ ૨૦૧૬ના નવેમ્બરમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ટી.વી. પર આવીને નોટબંધીની જાહેરાત કરી તે સાથે ભારતે તેનું અર્થતંત્ર ‘કેશલેસ’ બનાવવાની દિશામાં મોટી હરણફાળ ભરી હતી. કોવિડ-૧૯ કટોકટી દરમિયાન ચૂકવણીનાં કેશલેસ થવાના વેગમાં તીવ્ર વૃદ્ધિ થઈ છે. આપણી સરકાર લોકોને સતત કેશલેસ થવા દબાણ કરી રહી છે, પણ તેમાં અનેક અડચણો છે. સૌથી મોટી અડચણ એ છે કે ભારતના મોટા ભાગના ગ્રામિણ વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓનાં જ ઠેકાણાં નથી. ગામડાંનાં લોકો ચાહે તો પણ કેશલેસ થઈ શકે તેમ નથી.
કેટલાંક માને છે કે આપણે “કેશલેસ સોસાયટી’ની ધાર પર છીએ, જેને તેઓ આર્થિક કાર્યક્ષમતા અને સામાજિક પ્રગતિના વચન તરીકે જુએ છે. જો કે તેના ગેરફાયદાઓની તેમને જાણ નથી. તાજેતરમાં પંજાબમાં તોફાનોની શંકાથી ઇન્ટરનેટ સેવાઓ ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવી ત્યારે મોબાઇલથી રૂપિયાની ચૂકવણી કરવાની આદત ધરાવતાં લોકો પણ રોકડા કઢાવવા બેન્કોમાં દોડ્યા હતા. કેશલેસ બનવાની દોડમાં કેટલીક શિક્ષણ સંસ્થાઓ ફરજિયાત ઓનલાઇન પેમેન્ટનો આગ્રહ રાખવા લાગી છે. તેઓ કેશ તો શું, ચેક પણ સ્વીકારવાનો ઇનકાર કરે છે. જે માબાપોને મોબાઇલ કે ઇન્ટરનેટ બેન્કિંગનો અનુભવ નથી તેઓ તેને કારણે મુસીબતમાં મૂકાઈ ગયાં છે.
ચલણી નોટો પર લખવામાં આવ્યું હોય છે કે ‘મેં ધારક કો — રૂપિયા અદા કરને કા વચન દેતા હૂં.’કોઈ દુકાનદાર જો રિઝર્વ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલી ચલણી નોટને પેમેન્ટ તરીકે સ્વીકારવાનો ઇનકાર કરે તો તેની સામે ફોજદારી કેસ કરી શકાય કે નહીં? જો કેશલેસ પેમેન્ટને ફરજિયાત બનાવવામાં આવશે તો કરોડો ગરીબો હાથમાં રૂપિયા હોવા છતાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી શકશે નહીં.
ડિજિટલ ઇકોનોમીનો મોટો ગેરફાયદો એ હશે કે જો કોઈ ટેકનિકલ કારણોસર તમારું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવે તો ખાતાંમાં કરોડો રૂપિયા હોવા છતાં તમે દુકાનમાં જઈને કોઈ ખરીદી કરી શકશો નહીં. વળી પ્રજાના અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યના અધિકાર ઉપર પણ કેશલેસ ઇકોનોમીથી તરાપ આવી શકે છે. જો કોઈ પત્રકારે સરકારની કોઈ ગલત નીતિ સામે સવાલ ઉઠાવ્યો કે તેની ટીકા કરી તો સરકાર તેનું બેન્ક ખાતું ફ્રીઝ કરીને તેને કંગાળ બનાવી શકે છે. તાજેતરમાં કેરળનાં ૩૦૦ ખાતાં ગુજરાતના સાઈબર સિક્યુરિટી સેલ દ્વારા બ્લોક કરી દેવામાં આવ્યાં હતાં, કારણ કે સરકારને તેમાં શંકાસ્પદ લેવડદેવડ જોવા મળી હતી. તે ખાતાંધારકોને તાબડતોબ ગુજરાત દોડવું પડ્યું હતું. ત્યાંથી તેમણે દિલ્હી જવું પડ્યું હતું. દિલ્હીમાં કેટલાક અધિકારીઓને લાંચ આપ્યા પછી જ તેમનાં ખાતાં ચાલુ થયાં હતાં. કેશલેસ ઇકોનોમી તેમના માટે આફત બની ગઈ હતી.
વ્યક્તિગત રીતે આપણામાંના મોટા ભાગનાં લોકો પેમેન્ટ ડિજિટલાઈઝેશનના વધતા ફાયદાઓ જોઈ શકે છે. તે ઘણી વાર વધુ અનુકૂળ, ઝડપી અને વધુ સુરક્ષિત દેખાય છે. યુરો વિસ્તારમાં, અડધા ઉત્તરદાતાઓ હવે કહે છે કે તેઓ રોકડ કરતાં ડિજિટલ ચૂકવણીને પસંદ કરે છે. પરંતુ આપણે એ પણ જોઈએ છીએ કે એક વ્યક્તિ તરીકે પોતાને માટે જે ફાયદાકારક માનવામાં આવે છે તે જરૂરી નથી કે તે સમગ્ર સમાજ માટે ઇચ્છનીય હોય. યુરોપીયન નાગરિકોનો સર્વે કરવામાં આવ્યો ત્યારે બહુમતી (૫૫ ટકા) નાગરિકો કહે છે કે ભવિષ્યમાં રોકડમાં ચૂકવણી કરવાનું ચાલુ રાખવું તેમના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમને ઓનલાઇન પેમેન્ટ ફાવતું જ નથી.
અન્ય દેશોની જેમ ફ્રાન્સમાં રોકડનો ઓછો અને ઓછો ઉપયોગ થઈ રહ્યો છે, તેમ છતાં ૮૩ ટકા ઉત્તરદાતાઓ કહે છે કે તેઓ રોકડના અદૃશ્ય થવા વિશે ચિંતિત છે. એક ચિંતા એ લોકો માટે છે કે જેમને ડિજિટલ પેમેન્ટને સ્વીકારવાનું વધુ મુશ્કેલ લાગે છે. યુરો વિસ્તારની સૌથી ગરીબ ૪૦ ટકા વસ્તીમાં, લગભગ ૨૦ ટકા લોકો ડિજિટલ ચૂકવણીમાંથી બાકાત છે, કારણ કે તેઓ કોઈ પણ પ્લાસ્ટિક કાર્ડનો ઉપયોગ કરતા નથી. આનો અર્થ યુરોપના ૨.૩ કરોડથી વધુ લોકો છે, જેમના માટે ચૂકવણીઓનું વધતું ડિજિટલાઇઝેશન તેમના રોજિંદા જીવનને જટિલ બનાવે છે.
તેઓ માલ અને સેવાઓને પ્રાપ્ત કરવામાં મુશ્કેલીઓ અનુભવે છે. ડિજિટલ પેમેન્ટ પ્રારંભમાં મફત હતું, પણ હવે તેના પર વિવિધ ચાર્જ લાદવામાં આવી રહ્યા છે. પહેલાં તેમણે આપણને રેલવેની ટિકિટ ઓનલાઈન બૂક કરાવવાની આદત પાડી. હવે તેના પર તગડા ચાર્જ ઉપરાંત જીએસટી પણ વસૂલ કરવામાં આવી રહ્યા છે. વળી હાથમાં રોકડા રૂપિયા લઈને બજારમાં ખરીદી કરવાનો જે આનંદ છે, જે સ્વતંત્રતાની લાગણી છે, તે ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમમાં નથી. એક બાજુ આપણી સરકાર સમાજને પરાણે કેશલેસ બનવા તરફ ધકેલી રહી છે તો બીજી બાજુ કેશલેસ સમાજના ગેરફાયદાઓ પણ સામે આવી રહ્યા છે.
કેશલેસ ઇકોનોમીમાં સૌથી પહેલો ભોગ આપણી અંગત જિંદગીનો લેવાઈ જશે. જો કોઈ વ્યક્તિ રોકડા રૂપિયાથી વહેવાર કરે તો સરકારને કે તેનાં કુટુંબીજનોને પણ તેની જાણ નથી થતી. ઓનલાઈન પેમેન્ટ કરવામાં તેનું ખાનગીપણું ખતમ થઈ જાય છે. અમેરિકામાં તો હવે વેશ્યાઓ પણ ઓનલાઈન પેમેન્ટનો આગ્રહ રાખતી થઈ ગઈ છે. ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમાં જ સલવાઈ ગયા છે. સરકાર દ્વારા કોઈ વ્યક્તિને ગુનેગાર માનવામાં આવતો હોય, પણ તે તમારો મિત્ર હોય તો પણ તમે તેને આર્થિક મદદ કરી નહીં શકો. તમે જે મદદ કરશો તે ઓનલાઈન જ હશે. પોલીસને તેની જાણ થશે એટલે પોલીસનો કાફલો તમારી પૂછપરછ કરવા માટે તમારા ઘરે આવી પહોંચશે.
સામાજિક-આર્થિક પ્રવૃત્તિમાં સંપૂર્ણ ભાગીદારી માટે અમુક પ્રકારની ચૂકવણીના કેશલેસ માધ્યમો હવે અનિવાર્ય જણાય છે, તેમ છતાં તે દરેક માટે ઉપલબ્ધ હોય તે જરૂરી નથી. ભારતમાં સરકારે નોટબંધી કરતાં પહેલાં આશરે ૪૦ કરોડ જનધન ખાતાંઓ ગરીબો માટે ખોલાવ્યાં હતાં. આજે તેમાંનાં મોટા ભાગનાં ખાતાંઓ નકામાં થઈ ગયાં છે. સરકાર દ્વારા જનધન ખાતાંઓમાં જે સબસિડી જમા કરાવવામાં આવે છે, તેનો ઉપયોગ પણ હથિયાર તરીકે કરવામાં આવે છે. કોરોના કાળમાં જે ગરીબોએ વેક્સિન લેવાનો ઇનકાર કર્યો હતો તેમનાં ખાતાં ફ્રીઝ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી. કોઈ ગુનેગારો ગુનો કરીને ભાગતા હોય ત્યારે પોલીસ તેમનું પગેરું મેળવવા માટે તેમના મોબાઈલ ઉપરાંત ડેબિટ કાર્ડનો કે ક્રેડિટ કાર્ડનો પણ ઉપયોગ કરે છે.
સરકાર દ્વારા આજકાલ દરેક બેન્ક ખાતાંને આધાર કાર્ડ સાથે અને આધાર કાર્ડને પાન કાર્ડ સાથે જોડવા માટે જે દબાણ કરવામાં આવી રહ્યું છે તે પણ નાગરિકોની વ્યક્તિગત સ્વતંત્રતા ઉપર આક્રમણ કરે તેવું છે. તેનો મોટો ગેરફાયદો એ હશે કે જો ભવિષ્યમાં સરકાર કોઈ કારણસર કે કોઈ ટેકનિકલ ક્ષતિને કારણે આપણું આધાર કાર્ડ બ્લોક કરી દેશે તો તેની સાથે જોડાયેલા આપણા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ વગેરે પણ બ્લોક થઈ જશે. સરકાર દ્વારા થોડા સમય પહેલાં રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાનો ફતવો બહાર પાડવામાં આવ્યો હતો. કરોડો ગરીબો રેશન કાર્ડને લિન્ક કરી શક્યા નહોતા. તેમના રેશન કાર્ડ ભૂતિયાં માનીને સરકારે તેમને મફત અનાજ આપવાનું બંધ કરી દીધું હતું. તેમાંના કેટલાક સરકારના આદેશ સામે સ્ટે લઈ આવ્યા હતા.