SURAT

માળિયામાં લાગેલી આગ ફાયર જવાનોએ માસ્ક પહેરીને કાબૂમાં લીધી


સુરત: સુરત (Surat)ની એક જ દિવસમાં બે અલગ અલગ જગ્યાએ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના વરાછા ખાતે યાર્નના કારખાનમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. તો બીજી તરફ રિંગ રોડમાં કાપડની દુકાનમાં આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો (fire department )કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી.

વરાછા (Varachha)માં ભવાની સર્કલ પાસેની ભરતિયા વાડીમાં પહેલા માળે યાર્નના કારખાનામાં શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળી હતી. શનિવારની સાંજે સાડા છ વાગ્યાના બનેલી આગની ઘટનાને લઇને ત્યાં કારીગરોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાની કતારગામ ફાયર સ્ટેશને જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જ્યાં ફાયરકર્મીઓએ આગ પર અડધો કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો. આગમાં યાર્ન તેમજ કાપડનો જથ્થાને નુકશાન થયું હતું. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી તેવું ફાયર વિભાગે જણાવ્યું હતું.

રિંગ રોડની અભિષેક માર્કેટ પણ આગ લાગતાં અફડાટફડી મચી ગઈ હતી

તો બીજી તરફ રિંગ રોડ (Ring Road) વિસ્તારમાં પણ કાપડના દુકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. રિંગરોડના અભિષેક માર્કેટમાં બીજા માળે એક કાપડની દુકાનના માળિયામાં શોટસર્કિટથી આગ ફાટી નીકળતા ભારે અફડાતફડી મચી ગઇ હતી. આગને લઇને ત્યાં દુકાનધારકોમાં દોડધામ મચી ગઇ હતી. આગમાં દુકાનમાં રહેલી સાડીના જથ્થાને નુકશાન થયું હતું.

માળિયામાં લાગેલી આગ ફાયર જવાનોએ માસ્ક પહેરીને કાબૂમાં લીધી

ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ શનિવારની સાંજે પોણા નવ વાગ્યના અરસામાં રિંગ રોડના સાલાસર ગેટ પાસેની અભિષેક માર્કેટમાં પહેલા માળે આવેલી એક કાપડની દુકાનના માળીયામાં શોર્ટસર્કિટથી આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને લઇને ત્યાં ભારે દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાની ફાયર વિભાગને જાણ થતા મજુરા, માનદરવાજા, ડુંભાલ અને નવસારી બજાર ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. દુકાનમાં સાડીનો જથ્થો હોવાથી ધૂમાડાના ગોટેગોટા બહાર નીકળતા ફાયરકર્મીએ ઓક્સિજન માસ્ક પહેરીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયરકર્મીઓ એ આગમાં એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂ પર મેળવ્યો હતો. આગમાં સાડીનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી.

Most Popular

To Top