Columns

દરેક શાસકોનો અંતિમ ફેંસલો લોકો જ કરે છે

વાત કેન્દ્રના શાસનની હોય કે રાજ્યના શાસનની, વર્તમાન શાસન અને તેના શાસકોની ટીકા થતી જ હોય છે. એ શાસકોની પ્રશંસા તેમના પક્ષના નેતાઓ સિવાય કોઈ ન કરે. તેઓ તેના લાભકર્તા હોય છે એટલે એ પ્રશંસા જો પ્રામાણિક પૃથક્કરણ વિનાની હોય તો તેનો અર્થ નથી પણ અત્યારે એવા રાજનેતાઓનો સમય જ નથી જે પોતાના વિચાર, રાજકીય નીતિમત્તા અને મૂલ્યો બાબતે ટટ્ટાર હોય. એક કેન્દ્રીય નેતા જે કહે તેના પડઘારૂપે વર્તવાનું તેઓ મંજૂર રાખે છે. લોકશાહીમાં જીહજૂરી ન ચાલે પણ નેહરુ, ઈન્દિરાના સમયે પણ ચાલી છે.

ઈન્દિરાજીના શાસનના બીજા તબક્કામાં તો સંજય ગાંધીની સમાંતર સત્તા હતી અને તેનો મિજાજ સત્તાના ડરથી બધાને સીધા રાખવાનો હતો. ઈન્દિરાએ તેમને રોક્યા ન હતા પણ શાસનના જુદા જુદા તબક્કે શાસકે જુદી જુદી રીતે વર્તવું પડે છે અને કોઈ રીત અંતિમ નથી હોતી. લોકશાહીની પણ કોઈ અંતિમ વ્યાખ્યા નથી. દરેક શાસક અને જેતે સમયના લોકોના વ્યવહાર વડે તેનું તે સમયે રૂપ પ્રગટતું હોય છે. હમણાં 25 જૂન ગઈ. 1975માં આ દિવસે ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી હતી. દરેક પ્રતિપક્ષોએ આ કટોકટીની વારંવાર આકરી ટીકા કરીને કોંગ્રેસને ભીંતસરસી ઊભી રાખવાનો પ્રયત્ન થયો છે. ઈન્દિરાના સરમુખત્યારી માનસને પણ લોકશાહીની અદાલતના પિંજરામાં ઊભું રખાયું છે.

આ ટીકા કરનારાઓએ મૂળ તો કોંગ્રેસને અપરાધી જાહેર કરવી હોય છે. હકીકતે આ કાંઈ કોંગ્રેસીમાનસ નહિ બલકે અમુક સમય પૂરતું જ ઈન્દિરાજીનું માનસ હતું. ઈન્દિરા કાયમ તો લોકશાહી પ્રણાલીના જ સમર્થક રહ્યાં છે. જો એમ ન હોત તો તેમણે 21 મહિનામાં જ કટોકટી ઉઠાવી લીધી ન હોત. તેમને ખબર હતી કે ચૂંટણી જાહેર કરીશ તો મારી હાર જ થશે. કોંગ્રેસ નહિ જ જીતશે ને તો પણ ચૂંટણી જાહેર કરેલી. જયપ્રકાશ નારાયણે કટોકટીના સમયને ભારતના ઈતિહાસનો સર્વાધિક કાળો તબક્કો ગણાવ્યો હતો. તેવો હતો ય ખરો પણ એ કટોકટીને સામાન્ય લોકોએ સાવ ધિક્કારી જ હતી એવું ય નથી. સરકારી તંત્રમાં લોકોનાં કાર્યો પ્રત્યે વધુ પ્રામાણિકતા અને ગતિ જોવા મળી હતી.

સૌથી વધુ વાંધો અન્ય રાજકીય પક્ષોને જ હતો. તમે જોશો કે વર્તમાન સમયમાં પણ નરેન્દ્ર મોદીની શાસન રીતિ સામે રાજકીય પક્ષોને જ વધારે વાંધો છે. એમ જ હોય કારણ કે તેમણે શાસનમાં આવવું હોય છે. શું મુલાયમસિંહ, માયાવતી, મમતા બેનરજી, લાલુ પ્રસાદ સહિત કોઈ પણ નેતાઓએ પોતાના પક્ષના શાસનમાં એકહથ્થુપણું નથી રાખ્યું? સોનિયા અને રાહુલ જ્યારે નરેન્દ્ર મોદીને સરમુખત્યાર સમા ઓળખાવે ત્યારે તેમના પક્ષમાં તેઓ બીજા કોઈનું ચાલવા દે છે? જે વિરોધ કરે તેને હટાવી દેવાય છે. મનમોહન સિંહમાં જીહજૂરી ન હોત તો વડા પ્રધાન તરીકે તેમને ટકાવાયા હોત? અત્યારે કોંગ્રેસનું પ્રમુખપદ ખડગેને અપાયું છે તે જો જીહજૂરી ન કરે તો આ પદે હોય? દરેક પક્ષમાં રાજકીય વર્ચસ્વ તો મુખ્ય નેતાનું જ હોય છે.

પણ આવા વર્ચસ્વને હંમેશ નકારાત્મક રીતે જોવાનો ય અર્થ નથી. સંગઠન પર પૂરું નિયંત્રણ ન હોય અને શાસનમાં કોઈ ચોક્કસનું વર્ચસ્વ ન હોય તો દરેક કાર્યોમાં વેરવિખેરપણું, દિશાહીનતા વર્તાવા માંડવાની શક્યતા છે. ઓરકેસ્ટ્રાવાદકના ઈશારે ઓરકેસ્ટ્રાવાદકો ન ચાલે તો સંગીતમાં બેસૂરાપણું પ્રવેશે પણ હા, તેમાં સત્તાનો ઘમંડ નહી, પ્રજાકાર્ય માટેની નિષ્ઠા પ્રથમ હોવી જોઈએ. આપણે જ્યારે સરમુખત્યારીની વાત કરીએ તો સામે રશિયાના સરમુખત્યારો અને ઝારશાહી જ હોય છે. હકીકતે એવું નથી હોતું. ઈન્દિરા ગાંધી વડા પ્રધાન તરીકે કુલ 5,831 દિવસ રહ્યાં તેમાં કટોકટીનો તબક્કો તો 21 મહિનાનો જ છે એટલે ફક્ત કટોકટી માટે યાદ કરતા રહેવું અને તેઓ પણ સરમુખત્યારીમાનસ ધરાવતા હતા એમ કહ્યા કરવામાં ખોટું છે. એ 21 મહિનાના બહાને કોંગ્રેસ પક્ષ હંમેશ કટોકટી કે સરમુખત્યારીનો સમર્થક રહ્યો છે એવું નહિ કહી શકાય. ઈન્દિરાજી ખૂબ લોકપ્રિય શાસક હતા.

બેન્કોનું રાષ્ટ્રીયકરણ, બાંગ્લાદેશના સર્જનમાં નેતૃત્વ અને પંજાબમાં ચાલેલી ખાલિસ્તાની ચળવળના મુકાબલામાં જીવ આપી દેવો તેમની શાસકીય દૃષ્ટિ અને દૃઢ નિણર્યાત્મકતાના સૂચક છે. કટોકટી સમયમાં ખરેખર તો કોંગ્રેસ પક્ષમાં પણ અનેક મહત્ત્વાકાંક્ષીઓ વડે બખડજંતર ઊભું થયું હતું અને આઝાદીથી કેન્દ્રમાં શાસન ઇચ્છતા અનેક વિપક્ષો બેબાકળા થયા હતા. જયપ્રકાશ નારાયણ સાચા હતા પણ તેમની સાથે ઊભા રહેનારા પક્ષોને તો સત્તાલાલસા જ હતી. આ કારણે જ જે ક્રાંતિ તરીકે ઓળખાવવામાં આવેલી તે મોરારજી દેસાઈના ફકત 857 દિવસના શાસનમાં સાવ પોલી નીકળી. લોકોએ આ જોયું. બન્યું એવું કે કટોકટી પછી કોંગ્રેસની બેઠકો 350માંથી 153 થઇ ગઇ હતી અને જનતાદળની સરકાર તૂટયા પછીની ચૂંટણીમાં કોંગ્રેસ 353 લોકસભા બેઠકો સાથે ફરી શાસનમાં આવી. મતલબ લોકોએ તો કટોકટી દરમ્યાનના ઇન્દિરા ગાંધીને બાઈજ્જત બરી કર્યા હતા.

કટોકટી અને કોંગ્રેસના ટીકાકારોએ આની પણ વાત કરવી જોઈએ. વડા પ્રધાન મોદીના શાસનની સૌથી વધુ ટીકા કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો કરે છે એટલી ટીકા સામાન્ય લોકો કરે છે છે? મોદી આત્મરતિથી પીડાતા શાસક છે અને પોતાની વીર છબિ ઉપસાવવામાં પોતાની મર્યાદાઓને ઢાંકેલી રાખે છે. જે કામમાં નિષ્ફળ જાય તેનો ઉલ્લેખ એ રીતે ટાળે છે કે એવું બન્યું જ નથી પણ એવું નહેરુથી માંડી બધા શાસકો કરતા આવ્યા છે. બધી જ બાબતોમાં કોઇ શાસક સફળ ન રહી શકે. બધી જ સ્થિતિ પર તેનું નિયંત્રણ ન હોય શકે. દરેક સંજોગો પોતાના હાથના નથી હોતા. જો એમ હોત તો ઇન્દિરાની હત્યાનું કારણ પણ ઊભું થયું ન હોત અને રામમનોહર લોહિયા જે રીતે નહેરુની ટીકા કરતા તેવી ટીકા ન થતી હોત.

કોઇ પણ સરકારની ટીકા વિપક્ષો વડે તો થવાની જ. તેમણે તો શાસનમાં આવવું છે એટલે તેમાં વિરોધની દલીલ શુદ્ધ ન હોવાની. લોકોએ પોતાનામાં પૃથક્કરણ શક્તિ અને દૃષ્ટિ કેળવવી જોઈએ. આપણા બૌદ્ધિકો સ્વસ્થ પૃથક્કરણકાર નથી બની શકતા. મોદીના સમયમાં રાષ્ટ્ર વિશેનો દૃષ્ટિકોણ વ્યાપક રીતે બદલાયો છે અને તે યોગ્ય છે કે નહિ તે સમય જતાં સમજાશે. જુદા જુદા શાસકો આવે અને શાસન શરૂ કરે પછી જ ખરી તુલનાનો સમય શરૂ થતો હોય છે. મોદી પોતાને રાજકારણના સુપર હીરો તરીકે જાહેર કરવા મથે છે તે ખોટું છે પણ તે રાજકીય પ્રોપેગંડાની એક લોકપ્રિય નુસખાબાજી છે. લોકો આ વાતની ભૂરકી અનુભવે પણ છે.

તેઓ આક્રમક તર્કના માણસ છે. ચૂંટણી હતી ત્યારે 41 દિવસના ચૂંટણીપ્રવાસમાં ઇન્દિરાજીએ 252 સભા ગજવેલી અને આ ઉપરાંત રસ્તે 157 બેઠકો કરેલી. વિમાન વડે 30,000 માઈલનો, ટ્રેન અને કાર વડે 3000 માઈલનો પ્રવાસ કરેલો. આવું કરવામાં પ્રચંડ શક્તિ જોઇએ જે ઇન્દિરાજીમાં હતી અને મોદીમાં છે. અત્યારે વિપક્ષો ભેગા થવાનો પ્રયત્ન કરે છે પણ તેમની પાસે રાષ્ટ્ર પરિવર્તક કોઇ વ્યાપક મુદ્દાઓ છે ખરા? માત્ર મોદીવિરોધથી તેમને મતો મળી શકે? જનતા દળ વખતે તો ખરેખરા અર્થમાં મોટા નેતાઓ હતા પણ તોય તેઓ યોગ્ય શાસનવ્યવસ્થા ઊભી ન કરી શકયા. ઇન્દિરાજીની વિદાય પછી અનેક યુતિ સરકારો આવી અને તેણે લોકશાહીના માળખાને નુકસાન જ કર્યું છે.

લોકો ફરી એવી સરકારની અપેક્ષા ન જ કરતા હશે. આ વખતે 25 જૂનના કટોકટી દિવસને યાદ નથી કરાયો. લોકસભા ચૂંટણી સામે છે તો પણ યાદ નથી કરાયો. શું આની પાછળ કોઇ યોજના ગણવી જોઈએ? એક વાત કહેવી જોઈએ કે એ કટોકટી પછીય એવા ઘટનાક્રમો સર્જાયા છે જેણે મોટા આઘાતો આપ્યા છે. હકીકતે આ બધું થતું રહેવાનું. દેશનું લોકમન એ બધાને પોતાની રીતે મૂલવે છે. પરિવર્તનની પ્રક્રિયામાં સારું-ખરાબ થતું જ રહે છે. છેવટે જોવાનું એ છે કે રાષ્ટ્રમાં તેનાથી જે ફરક અનુભવાય રહ્યો છે તે શું છે?
-બકુલ ટેલર

Most Popular

To Top