એક રિસોર્ટમાં ભવ્ય લગ્નનું આયોજન હતું. માણસો ઓછા હતા, પણ બહુ ખાસ ડેકોરેશન કરવાનું હતું તે માટે શેરની સૌથી મોટી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને કોન્ટ્રાકટ મળ્યો હતો. છેલ્લી ઘડીએ એક આર્ટીસ્ટ માંદો પડયો. તેના સ્થાને એક નવી લોકલ આર્ટીસ્ટને બોલાવવામાં આવી. તેનું નામ હતું હિબા…તેણે સવારની પૂજામાં ખૂબ જ સુંદર કામ કર્યું..બધા ખુશ થઇ ગયા. સાંજે સંગીત હતું તેમાં બહુ યુનિક ડેકોરેશન હતું. થીમ હતો ‘તેરી મેરી કહાની’…ઘરના બધાના ફોટા …વરરાજા અને નવવધૂના ફોટા અને તેમણે એકબીજાને આપેલી ગીફ્ટની મોટી રીપ્લીકા ગોઠવવામાં આવી હતી.
ડેકોરેશનનું કામ ચાલુ હતું ત્યાં વરરાજા અને નવવધૂના એકબીજાના પકડેલા હાથની પ્લાસ્ટર ઓફ પેરીસની બનાવેલી જોડાયેલા હાથની રીપ્લીકા એક મજૂરના હાથમાંથી ગોઠવાતાં નીચે પડી અને તૂટી ગઈ ..જોડાયેલા હાથ ચાર ટુકડામાં છૂટા પડી ગયા.બધા મજૂરને ખીજાવા લાગ્યા…કહેવા લાગ્યા, ‘તારા આખા મહિનાનો પગાર તને આ એક ભૂલને લીધે નહિ મળે …ખબર નહિ હવે શું કરશું? આ વરરાજાની ફેવરીટ ગીફટની રીપ્લીકા હતી અને સેન્ટર સ્ટેજ પર મૂકવાની હતી.. હવે સમજાતું નથી ત્યાં શું મૂકીશું…તેમને ખબર પડશે તો તો આવી બનશે …વગેરે વગેરે.’ દૂર ઊભેલી હિબાએ પાસે જઈને કહ્યું, ‘મને ફેવિકોલ,પ્લાસ્ટર ઓફ પેરીસ અને ગોલ્ડન સિલ્વર રંગ લાવી આપો અને એક હેર ડ્રાયરની વ્યવસ્થા કરો. હું આ બરાબર કરી શકું એમ છું.’ ઇવેન્ટ મેનેજર બોલ્યા, ‘શું આ શક્ય છે?
તો તને તું માંગે તે ઇનામ મળશે?’ હિબા બોલી, ‘મને બધું જલ્દી મંગાવી આપો અને આ મજૂરનો પગાર કાપતાં નહિ, એ જ મારું ઇનામ છે.’ હિબા બધા ટુકડા જોઈ જોઇને બરાબર એકબીજા સાથે ફરીથી ગોઠવવા લાગી…તેણે ફેવિકોલ અને પ્લાસ્ટર ઓફ પેરીસથી તેને બરાબર જોડ્યા…ઉપર પ્લાસ્ટર ઓફ પેરીસનું પાતળું લેયર કર્યું.’ રીપ્લીકા જોડાઈ તો ગઈ પણ જ્યાં જ્યાંથી તૂટી હતી તે ભાગ પર સાંધા દેખાતા હતા.’ હિબાની કલાકારીએ તે સાંધા પર એવી રીતે ગોલ્ડન અને સિલ્વર રંગથી કલાકારી કરી કે એવું દેખાવા લાગ્યું કે જાણે બે હાથ સુંદર ગોલ્ડન સિલ્વર દોરીથી એકમેક સાથે બંધાયેલા છે…અને નીચે લખ્યું ‘પ્રેમ અને વિશ્વાસની ડોરથી બંધાયેલાં આપણે …..’ આ જોઇને બધા ખુશ થઇ ગયાં. ઇવેન્ટ મેનેજરે કહ્યું, ‘અરે વાહ, આને કહેવાય ક્લાકારનો સ્પર્શ….તે તો તૂટેલી વસ્તુને ફરી જોડી તેનાં રંગ રૂપ બદલી નાખ્યાં.તારા વિના હવે અમારી કોઈ ઇવેન્ટ નહિ થાય.’ એક કલાકારે પ્રેમને વિશ્વાસનું મહત્ત્વ સમજાવતું વાક્ય લખ્યું અને સમજ આપી કે જીવનમાં સંબંધો પ્રેમ અને વિશ્વાસથી બંધાયેલા રહે તો જીવન સુંદર બને છે.કોશિશ અને સમજથી તૂટેલી વસ્તુ હોય કે સંબંધો જોડી શકાય છે ..સજાવી શકાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.