દેલાડ: ઓલપાડના (Olpad) ઉમરા (Umara) ગામના સસરાએ જમાઇને સાયણ બોલાવી ‘તું ફોન ઉપર કેમ અમારા સમાજ વિશે ખરાબ બોલે છે’ તેમ કહ્યું હતું. ત્યાં સસરાએ બે મિત્રોની મદદથી જમાઈ ઉપર ધારિયા વડે હુમલો (Attack) કરી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ (Police) ફરિયાદ નોંધાઇ છે.
ઓલપાડના ઉમરા ગામમાં શિવ મંદિરની બાજુમાં આવેલી શીવપાર્ક સોસાયટીમાં બિલ્ડીંગ જે/૩ રૂમ નંબર ૧૦૪માં રવિભાઈ મનસુખભાઈ રામાણી (ઉંમર વર્ષ ૩૨) છેલ્લા દશ માસથી રહે છે અને ડાયમંડ વર્કર તરીકે કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તારીખ ૨૪/૩/૨૦૨૨ ના રોજ આઠ વાગ્યાની આસપાસ રવિ ઘરે હાજર હતો ત્યારે સસરા ચેતનભાઇ વલ્લભભાઈ રાઠોડ (ઉંમર વર્ષ ૪૩) રહે- સૌરાષ્ટ્ર ગ્રીન સીટી, ઉમરાગામ)એ ફોન કરી રવિને કામના બહાને સાયણ બ્રિજ પાસે આવેલા નાયરા પેટ્રોલ પંપ પાસે બોલાવ્યો હતો. જેથી રવિ પોતાની મોટરસાયકલ લઈને પેટ્રોલ પંપ પાસે આવ્યો ત્યારે સસરા ચેતનભાઇનો મિત્ર જમાઈ રવિને લેવા આવ્યો હતો અને રવિને સાયણની જીવનધારા આર્કેડની પાછળ આવેલા એક મકાનમાં લઈ ગયા હતા.
મકાનમાં સસરા ચેતનભાઇ તથાં તેમનો બીજો મિત્ર હાજર હતા. સસરાએ જમાઈ રવિને ‘કેમ તું ફોન ઉપર અમારા સમાજ વિશે ખરાબ બોલે છે.’ કહી ધમકાવ્યો હતો. ત્યાં હાજર ચેતનના મિત્રે રવિને એક ઝાપટ મારી દીધી હતી તે દરમિયાન સસરાએ પણ ધારીયું માળવાની કોશિશ કરતા રવિએ ધારિયું પકડી લીધું હતું. જેથી હાથની આંગળીમાં ઈજા થઈ હતી. ચેતનના મિત્રએ કોઈ હથિયાર રવિને પાછળના ખભાના ભાગે મારી દેતા રવિ લોહીલુહાણ થઈ ગયો હતો જેથી ગભરાયેલો રવિ ત્યાંથી ભાગવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે તેને પકડી રાખી ઢીકમુકકી મારમારવામાં આવ્યો હતો. ત્યારબાદ રવિ ઘટના સ્થળેથી ભાગી રોડ ઉપર આવ્યો હતો ત્યારે સસરા ચેતને ‘આજે તો તું બચી ગયો છે હવે પછી મળશે તો તને જાનથી મારી નાખીશ’ તેમ કહી ત્યાંથી જતા રહ્યા હતા. બાદમાં રવિએ તેમના પિતા મનસુખભાઈને ફોન કરીને બોલાવ્યા હતા ત્યારે પિતાએ પુત્ર રવિને સારવાર માટે જીવનરક્ષા હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં રવિએ સસરા ચેતન તથાં તમના બે મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી ઘટનાની વધુ તપાસ સાયણ ચોકી ના અ.હે.કો વી.એમ.ચૌધરી કરી રહ્યા છે.