Gujarat Main

રાજકોટ અગ્નિકાંડમાં સ્વજનો ગુમાવનાર પરિવારજનોએ રૂપાલા પર રોષ ઠાલવ્યો, કહ્યું…

રાજકોટ: શનિવારે સાંજે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 નિર્દોષ લોકો જીવતા ભૂંજાઈ ગયા. આ આગમાં જીવ ગુમાવનારના મૃતદેહો ત્રણ દિવસ વીત્યા બાદ પણ તેમના પરિવારજનોને મળ્યા નથી, તેના લીધે તેમની ધીરજ હવે ખૂટી રહી છે.

આજે ત્રણ દિવસ બાદ રાજકોટના ભાજપના સાંસદ પદના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા રાજકોટ સિવિલમાં પહોંચ્યા ત્યારે ત્રણ દિવસથી રડી રડીને થાકેલા મૃતકોના સ્વજનોનો આક્રોશ રૂપાલા પર ફાટી નીકળ્યો હતો. હજુ સુધી કેમ ડીએનએના રિપોર્ટ આવ્યા નથી? તેવા સવાલો કરી રૂપાલાને ઘેરો ઘાલ્યો હતો.

પરિવારજનોએ રૂપાલાને કહ્યું, ચૂંટણી વખતે અમારા સમાજે તમને બહુ સહયોગ આપ્યો છે. વેરાવળના પરિવારે કહ્યું હતું કે, અમે ચૂંટણી વખતે તમારી સાથે હતા. 24 કલાક થયા પણ હજી રિપોર્ટ આવ્યો નથી. રૂપાલાએ કહ્યું કે, ઘટના બની તેની બીજી સવારથી જ અહીં છું.

રૂપાલાએ કહ્યું, હું તમારી વચ્ચે જ હતો
વિરોધ થયા બાદ ભાજપના નેતા રૂપાલાએ બચાવ કરતા કહ્યું કે, ‘જે દિવસે ઘટના બની તેના બીજા દિવસે સવારે હું 8 વાગ્યાથી અહીં જ હતો. માત્ર ઘટના સ્થળે નહતો. તંત્ર સાથે સતત સંપર્કમાં હતો અને તમામ બાબતમાં સંકળાયેલો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા ત્યારે સૌથી પહેલા હું જ તેમને મળ્યો હતો.

બે મહિના પહેલાં પિતાનું અને અગ્નિકાંડમાં પુત્રનું મોત
રાજકોટના અગ્નિકાંડમાં પીરાપીપળિયા ગામના જય અનિલ ઘોરેચાનું મોત થયું છે. તેનો DNA રિપોર્ટ આવતા તેનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. રૈયા ગામ સ્મશાન ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. મૃતક જયના પિતા અનિલ ઘોરેચાનું બે મહિના પહેલાં જ મોત થયું હતું.

28 માંથી 11 મૃતદેહની ઓળખ થઈ
ઘટનાના ત્રણ દિવસ વીત્યા બાદ પણ હજુ સુધી પરિવારજનોને તેમના સ્વજનોના મૃતદેહ મળ્યા નથી. ડીએનએ રિપોર્ટ આવી રહ્યાં નથી. અત્યાર સુધી 28 મૃતકો પૈકી માત્ર 11ના જ મૃતદેહ તેમના પરિવારજનોને સોંપાયા છે.

મૃતકોના આંકડા છુપાવામાં આવ્યા છે: પરેશ ધાનાણી
દરમિયાન કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર સનસનીખેજ આક્ષેપ કર્યો છે. ધાનાણીએ કહ્યું કે, સરકારના ઈશારે તંત્ર મોતના આંકડા છુપાવી રહ્યું છે. ધાનાણીએ રાજકોટના અગ્નિકાંડમાં 44 લોકોના મોત થયાનો દાવો કર્યો છે.

Most Popular

To Top