તા. ૯ જાન્યુઆરી ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’માં નીલાક્ષીબેન પરીખનું ‘ ભગવાન છે જ છે ‘ શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વાંચ્યું. તેમની વાત સાથે સંમત થઈ શકાય તેમ નથી કારણ કે ભગવાનને કોઈએ જોયો જ નથી. ભગવાન એક કલ્પનાથી વિશેષ કંઈ જ નથી. આપણા હિંદુ ધર્મમાં તો કહેવાય છે કે ૩૩ કરોડ દેવી દેવતાઓનો નિવાસ છે અને તેમાંથી જો કોઈ એકને એક વ્યકિત માનતી હોય તો તે તેનો જ મહિમા કરશે. તે સિવાયનાં દેવી દેવતાઓનું તે વ્યકિત માટે કોઇ મહત્ત્વ જ નહીં હોય. ચર્ચાપત્રી કહે છે ભગવાન છે જ છે, હું કહું છું ભગવાન નથી જ નથી અને તે જ વાત શ્રી એન. વી. ચાવડાએ તેમના ચર્ચાપત્રમાં કરી છે, કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં નીતિ, પ્રામાણિકતા અને શિસ્તનું આચરણ ચુસ્તપણે કરે તો તે તેમને માટે સાચો ભગવાન ગણાય. બાકી મૂર્તિપૂજા એ તો સમય, શકિત અને નાણાંનો દુર્વ્યય છે. આપણા દેશમાં લાખોની સંખ્યામાં મંદિરો અસ્તિત્વ ધરાવે છે અને લોકો તે મંદિરોમાં સવારથી સાંજ કરાવાતા દર્શન કરવા પાછળ પોતાનો અમૂલ્ય સમય બગાડે છે અને લાખો માનવકલાકોનો બગાડ કરે છે, જે દેશની પ્રગતિમાં અવરોધરૂપ બને છે.
મૂર્તિપૂજા એક બિનઉત્પાદકીય પ્રવૃત્તિ છે. તે શ્રધ્ધા નહીં, પણ અંધશ્રધ્ધા છે. જે દેશની મોટા ભાગની વસ્તી આવી બિનઉત્પાદકીય પ્રવૃત્તિ પાછળ રચીપચી રહેતી હોય તે દેશ ગમે તેટલો વિકાસ કરે તો પણ અધોગતિ તરફ જ ધકેલાય. મંદિરો સાથે અન્ય ધર્મસ્થાનોએ જે લાખો એકર જમીન રોકી છે તે જગ્યાનો શાળા – કોલેજો- યુનિવર્સિટી અને હોસ્પિટલો બાંધવામાં ઉપયોગ થાય તો લેખે લાગે. જો તમારે ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર કરવો હોય તો તે મૂર્તિનાં દર્શન દ્વારા નહીં, પણ આચરણથી થઈ શકે. બાકી કોઈ પણ ભગવાનને કોઈએ કયારેય જોયો નથી. અને એટલે ભગવાન છે જ છે નહીં, એ વાતનો સ્વીકાર કરવો રહ્યો. પુરાણોમાં અને શાસ્ત્રોમાં ભગવાન અંગે જે કંઈ વર્ણવાયું છે તે એ લખનારની સૂઝબૂઝ પ્રમાણે માનવોના કલ્યાણ માટે છે, એવું હકીકતમાં બન્યું છે એવું કહી શકાય નહીં.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.