surat : શહેરના પુણાગામ વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી રહેતી યુવતીના વતનમાં કુટુંબી ભાઈ સાથે પ્રેમસંબંધ હતો. યુવતીની બે વર્ષ પહેલા સગાઈ થતાં પૂર્વ પ્રેમી કુટુંબી ભાઈએ યુવતીના ફિયાન્સને વોટ્સએપ વિડીયો કોલ ( whatsapp video call) પર બંનેના અશ્લીલ ફોટો પાડેલા મોકલી આપ્યા હતા. જેને કારણે યુવતીએ પુણા પોલીસ સ્ટેશનમાં પૂર્વ પ્રેમી કુટુંબી ભાઈ ધનજી હડીયાની સામે તથા અન્ય અજાણ્યા સામે ફરિયાદ દાખલ કરાવી છે.
પુણાગામ અર્ચના સ્કૂલની પાસે આવેલી સોસાયટીમાં રહેતી આરતીબેન (ઉ.વ.26) (નામ બદલ્યું છે) એ પુણા પોલીસ સ્ટેશનમાં તેના પૂર્વ પ્રેમીની સામે ફરિયાદ દાખલ કરાવી છે. સાત વર્ષ પહેલા આરતી વતનમાં રહેતી હતી ત્યારે કુટુંબીભાઈ ધનજીભાઇ ગોવિંદભાઇ હડીયા (ઉ.વ-૩૫ થી ૪૦, રહે-ગામ- જુની બારપટોળી તા- રાજુલાજી-અમરેલી)ની સાથે ખેતરે ખેતીકામ કરવા જતી હતી. કુટુંબી ભાઈ હોવાથી ઘરે પણ અવર જવર રહેતી હતી. જેથી બંને વચ્ચેના સંપર્ક વધતા બાદમાં પ્રેમસંબંધ બંધાયો હતો. બંને સાથે ફરતા અને એકબીજા સાથેના ફોટો પણ પાડતા હતા. બે વર્ષ પહેલા આરતીની અમરેલી ખાતે રાજુલામાં રહેતા નરેશભાઈ (નામ બદલ્યું છે) સાથે સગાઈ નક્કી થઈ હતી. સગાઈના દિવસે ધનજી ઘરે જઈને આરતીને તેની સાથે પાડેલા અશ્લિલ ફોટા વિડીયો કોલ ઉપર બતાવ્યા હતા અને તું મને પસંદ કરે છે તો તું આ સગાઈ કરતી નહીં તું આ સગાઈ તોડી નાખજે નહીં તો આપણા બંનેના ફોટો તારા થનારા પતિને મોકલી દઈશ અને તને સમાજમાં બદનામ કરી નાખીશ’ તેવી ધમકી આપી હતી
આરતી ગભરાઈ જતાં તેને ઘરમાં કોઈને વાત કરી ન હતી અને સમાજમાં બદનામીના ડરથી સગાઈ પણ તોડી નહોતી. બાદમાં આરતીએ ધનજીસાથે વોટ્સએપ પર વાત કરવાનું બંધ કરી દીધું હતું. ચાર મહિના પહેલા આરતીના ફિયાન્સના મોબાઈલ ઉપર અજાણ્યા નંબર પરથી વોટ્સએપ ઉપર ધનજી અને આરતીના વિડીયોકોલ તથા ફોનમાં પાડેલા અશ્લીલ ફોટો મોકલ્યા હતા. આ ફોટો નરેશએ આરતીના ભાઈને મોકલ્યા હતા. આરતીના ભાઈએ આ અંગે પુછતા સમગ્ર ઘટના સામે આવી હતી. ત્યારબાદ પરિવારના કહેવા પર આરતીએ પુણા પોલીસ સ્ટેશનમાં અરજી કરતા આજે આ અંગે ગુનો દાખલ કરાયો હતો. પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.