સિંહલદ્વીપ એટલે કે શ્રીલંકામાં રામાયણનો પ્રચાર ખાસ્સો. ભારત અને શ્રીલંકા વચ્ચે અનેક પ્રકારના સંબંધો હતા અને જુઓ ગુજરાતી કહેવતમાં શું સાંભળવા મળે છે? ‘લંકાની લાડી અને ઘોઘાનો વર’. સીતાત્યાગની ઘટનાએ ઘણી બધી કાવ્યકૃતિઓ રચાઇ છે – પ્રશિષ્ટ સાહિત્યમાં અને તે ઉપરાંત લોકસાહિત્યમાં પણ. આ પ્રદેશમાં સાવ જુદી કથા જોવા મળશે. વિષ્ણુ ભગવાન સીતાને મૂકીને દેવસભામાં ગયા. એ દરમિયાન ઉમા સીતાને મળવા આવી ચઢયાં. વાતો કરતાં કરતાં ઉમાએ – એટલે કે પાર્વતીએ સીતાને પૂછયું – ‘રાવણ કેવો દેખાતો હતો?’ એટલે સીતાએ તો આગળપાછળનો વિચાર કર્યા વિના જ રાવણનું ચિત્ર એક પાંદડા પર દોરી દીધું. વિષ્ણુ આવીને જોઇ જશે તો – એટલે ગભરાઇને સીતાએ એ રેખાંકન પલંગ નીચે નાખી દીધું. પણ રાવણની શકિતને કારણે એ રેખાંકનમાં ઊર્જા પ્રગટી અને પલંગ ધ્રૂજવા લાગ્યો.
વિષ્ણુએ પલંગ નીચે રાવણનું રેખાંકન જોયું અને ક્રોધે ભરાઇને સીતાનો વધ હિમાલયના જંગલમાં કરવાની આજ્ઞા આપી પણ નસીબજોગે સીતા બચી ગઇ અને વિષ્ણુને સીતાના મૃત્યુના સમાચાર પહોંચાડયા. છેવટે સીતા વનમાં ભટકતી હતી તે વાલ્મીકિ ઋષિએ જોઇ અને તેમણે સીતાને પોતાના આશ્રમમાં સુરક્ષિત રીતે રાખી. થોડા સમયે સીતાએ એક પુત્રને જન્મ આપ્યો. એક દિવસ સીતાની અનુપસ્થિતિમાં બાળક નીચે પડી ગયું અને તેણે ચીસ પાડી. ઋષિ બાળકનો સ્પર્શ કરવા માગતા ન હતા, તેમણે પથારીમાં કમળપત્ર ફંગોળ્યું અને તે બાળકમાં રૂપાંતરિત થઇ ગયું. સીતા જયારે પાછી આવી ત્યારે એકને બદલે બે બાળક જોયાં એટલે તે મુંઝાઇ – મારું બાળક કયું?
ઋષિ પાસે ખુલાસો માગવા ગઇ ત્યારે તેમણે વાત કહી પણ સીતાને બહુ વિશ્વાસ ન આવ્યો. છેવટે સીતાએ ઋષિને બીજા બાળક માટે કહ્યું. ઋષિએ સીતાની વિનંતી માની – સીતાએ ત્રીજા બાળકને કુશ ઘાસ સાથે જન્મ આપ્યો. આ ત્રણે બાળકો મોટાં થયાં એટલે તેઓ બીજા દેશમાં ગયાં. ત્યાં જુદાં જુદાં સ્થળે તેઓ રહેવા લાગ્યાં. આમ મુખ્ય – મૂળ કથાથી સાવ જુદી કથા અહીં આગળ જોવા મળે છે. મૂળ રામાયણમાં તો સીતા બે બાળકોને જન્મ આપે છે. પછી જે કથાઓ આવી તેમાં બૌદ્ધસ્પર્શ જોવા મળ્યો. રામને વિષ્ણુના અવતાર માની લઇને તેમને ગૌતમ બુદ્ધના રક્ષક તરીકે વર્ણવ્યા.
અહીંની સ્થાનિક પ્રજામાં રામનું પાત્ર વિષ્ણુના અવતાર તરીકે ઝાઝું પ્રસિદ્ધિ પામ્યું. બીજી રીતે જોઇએ. શ્રીલંકામાં રામાયણની લોકપ્રિયતા પાછળ રામાયણની ભૂગોળ પણ છે. રામ સાથીઓની મદદ લઇને લંકામાં આવે છે અને લંકા પર રાજ કરે છે રાવણ. ભલે ઇતિહાસકારો વર્તમાન શ્રીલંકાને રાવણની નગરી તરીકે ન આલેખાવતા હોય પણ પ્રજા તો વર્તમાન શ્રીલંકાને જ મૂળ લંકા માને છે. કેટલાંય સ્થળનામો આ કથાને આધારે જોવા મળે છે.
આવી જ રીતે ઓરિસ્સામાં છેક પહેલી સદીથી રામને વિષ્ણુના અવતાર ગણવામાં આવ્યા.
પૃથ્વી પર આવીને વિષ્ણુએ રામરૂપે શાંતિ – વ્યવસ્થા સ્થાપ્યાં. મધ્યકાળમાં રામને નિમિત્તે ભકિત સંપ્રદાય ફાલ્યો. આમ જોવા જઇશું તો મોટા ભાગના ભારતીય પ્રદેશોમાં શ્રીમદ ભાગવતને કારણે – અર્થાત્ શ્રીકૃષ્ણની ભકિત વધુ પ્રચલિત બની હતી. ઓરિસ્સામાં રામનો પ્રસાર કયારથી થયો તે ચોકકસ કહી શકાતું નથી પણ ભુવનેશ્વરના પરશુરામેશ્વર મંદિરમાં પહેલી વાર રામાયણકથા મૂર્ત પામી. રામ અને સીતાનાં નામ પણ બહુ પાછળથી પ્રચલિત થયાં.
એક જુદી કથા પણ અહીં ઉમેરાઇ. એક વખત રામને તરસ લાગી એટલે લક્ષ્મણને પાણી લેવા મોકલ્યો. લક્ષ્મણ પાંદડામાં પાણી લઇને આવતા હતા ત્યારે એક સમડીએ ત્રણ વખત પાણીવાળું પાંદડું નષ્ટ કર્યું. લક્ષ્મણે ગુસ્સે થઇને તીર માર્યું. રામ પાસે સમડી અને પાણી ભરેલું પાંદડું લઇને આવ્યા. રામે કારણ પૂછયું તો કહ્યું – વાલીએ સુગ્રીવને એક શિલા નીચે દાબી રાખ્યો છે. તેનું થૂંક પાણીમાં ભળે છે એટલે મેં આમ કર્યું – રામ પ્રસન્ન થયા.
ભારતીય પ્રજા કયારે ઇન્ડોનેશિયામાં પ્રવેશી તેનો ચોકકસ સમય મળતો નથી પણ વાલ્મીકિ રામાયણમાં સુગ્રીવના માટે જુદા જુદા દેશોનાં નામ છે, તેમાં પૂર્વ દિશાના યવદ્વીપ (વર્તમાન જાવા)નો નિર્દેશ છે. આનાથી એવું સૂચવાય છે કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સંબંધો ઇ.સ. પૂર્વેથી હોવા જોઇએ. આ રીતે જોઇએ તો મહાભારતની સરખામણીમાં રામાયણનો પ્રભાવ સવિશેષ પડયો છે.