Charchapatra

મે વેકેશનનો મર્મ બદલાઇ રહ્યો છે

વેકેશન પૂરું થયું છે ત્યારે થાય છે કે દરેક વિદ્યાર્થીઓ ઉનાળુ વેકેશનની કાગડોળે રાહ જોતા હોય છે. વેકેશન એટલે ફુલ્લી ટેન્શન ફ્રી જિંદગી. જેને જે કરવું હોય તે કરવાનું. વેકેશન એટલે ફકત રમવાનું જ અને મામા, કાકા, માસા, ફુઆ, દાદા, નાના વગેરેના ઘરે જઇને રહેવાનું. કેરીઓ ખાવાની મજા માણવાની. આખો દિવસ બસ ઘરની બહાર રમ્યા જ કરવાનું. ત્યારે ઘર ભલે નાના હોય પણ રહેવાની સગવડ અને આવનાર મહેમાનનો સ્વાગત માટે મન મોટા જોવા મળતા. લગભગ વેકેશનમાં ઘઉં ભરવા, મસાલા ભરવા, પાપડ – વેફર પાડવા બાબતે ઘરમાં મદદ કરતા અને હવે તો વેકેશન એટલે ફરવા જ જવાનું. આ ફરવાને એટલી બધી અગત્યતા આપવામાં આવે છે કે છોકરાઓને આઉટડોર ગેમ શું છે તેની ખબર જ નથી.

લગભ હવે તો આઉટડોર ગેમ પણ એ મોબાઇલમાં જ જોવા મળે છે. માટે છોકરાઓ બેઠાડું જિંદગી જીવીને ફકત મોબાઇલમાં જ ઓતપ્રોત રહેવા પામે છે. જો કે હરીફાઇવાળી જિંદગીથી બાળકોને નવી નવી એકટીવીટીના કોચીંગ કલાસીસમાં પણ જવું જ પડે છે. આ તો હવે કેવું છે કે કોઇએ કોઇના ઘરે જવું નહિ અને કોઇને બોલાવવા નહીં આવી પરિસ્થિતિ સર્જાઇ રહી છે. વેકેશનમાં સગાઓને ત્યાં ન જવાનું એટલે બાળકોને પોતાના સગા કેટલા છે તે પણ યાદ નથી હોતા. હરિફાઇવાળી જિંદગી જીવવાથી બાળકો ફેમીલીથી છૂટા થવા લાગ્યા છે. ફરી પાછું સાથે બેસીને કેરમ રમવાનું, પાના રમવાનું કે ગીલ્લી દંડા રમવા જેવી રમતો રમવાનું થાય તો તેની મજા જ કંઇક ઓર છે.
સુરત     – કલ્પના વૈદ્ય – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top