SURAT

રોગચાળો વકરતા સુરતની હોસ્પિટલમાં દર્દીઓનો ધસારોઃ બેડ ખુટી પડ્યાં, નીચે પથારી કરવી પડી

સુરતઃ સતત બદલાતી ઋતુના લીધે સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગે માથું ઉંચક્યું છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે. એવી હાલત છે કે હોસ્પિટલોમાં ખાટલા ઘટી પડ્યા છે અને દર્દીઓ માટે ફ્લોર પર પથારી પાથરવી પડી રહી છે.

ગયા અઠવાડિયે સુરત શહેરમાં સતત ત્રણથી ચાર દિવસ સુધી ભારે વરસાદ વરસ્યો હતો. જ્યારે આ અઠવાડિયે અકળાવનારી ગરમી પડી રહી છે. અચાનક ઋતુમાં થતાં ફેરફારના લીધે શહેરમાં વિવિધ બિમારીઓએ માથું ઊંચકયું છે. ખાસ કરીને શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય બિમારીઓ વધી છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયાથી પીડાતા દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થયો છે.

દર્દીઓનો ધસારો વધતા હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ છે. દર્દીઓને નીચે જમીન પર પથારી પાથરી સુવડાવી સારવાર આપવાની નોબત આવી છે. તેના લીધે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સિવિલમાં દૈનિક 500થી 600ના કેસ આવતા હોય છે, પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી કેસ વધી 750થી 800ના આંકડા પર પહોંચ્યા છે. ઓપીડીમાં આવતા દર્દીઓ પૈકી 100થી વધુ દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી રહી છે.

બાળકોની ઓપીડીની સંખ્યા પણ વધી છે. મોટા ભાગના દર્દીઓ તાવથી પીડાઈ રહ્યાં છે. દર્દીઓની સંખ્યા વધતા કિડની બિલ્ડિંગના પાંચમા માળે વોર્ડની બહાર પેસેજમાં બેડ મુકવા પડ્યા છે. આઠમા માળે વોર્ડની અંદર ફ્લોર પર પથારી પાથરી દર્દીઓને સુવડાવી સારવાર આપવાની ફરજ પડી રહી છે.

Most Popular

To Top