કોરોનાવાયરસના વૈશ્વિક રોગચાળાએ ભલે વિશ્વના અનેક દેશોના અર્થતંત્રનો દાટ વાળી નાખ્યો હોય અને મોટા પ્રમાણમાં લોકોને આર્થિક મુશ્કેલીઓમાં મૂકી દીધા હોય પણ એપલ, ફેસબુક, ગૂગલ જેવી મહાકાય ટેક કંપનીઓને આ રોગચાળો ફળ્યો લાગે છે અને આ કંપનીઓની આવકમાં જંગી વધારો થયો છે.
આઇફોનની નિર્માતા એપલે જાહેર કર્યું છે કે વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેને લગભગ ૯૦ અબજ ડોલરની આવક થઇ છે. રોગચાળાના સમયમાં અનેક લોકો ઘરેથી કામ કરી રહ્યા હતા અને હજી પણ નોંધપાત્ર સંખ્યામાં લોકો ઘરેથી કામ કરી રહ્યા છે ત્યારે આઇફોન અને આઇપેડના વેચાણમાં ઘણો વધારો થયો છે, લોકો મોટા પ્રમાણમાં કોમ્પ્યુટરો તરફ વળ્યા છે, અને આ બાબતનો સીધો લાભ એપલને મળ્યો છે. આઇપેડનું વેચાણ ૭૯ ટકા અને આઇફોનનું વેચાણ ૬પ ટકા વધ્યું હોવાનું નોંધાયું છે.
આ જ રીતે ફેસબુકે જાહેર કર્યું છે કે તેનું ત્રિમાસિક વેચાણ બમણુ થઇ ગયું છે. લૉકડાઉનના સમયમાં પોતાની વસ્તુઓની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે ઘણા ઉત્પાદકોએ તેમની ચીજવસ્તુઓની જાહેરાતો ફેસબુક પર આપી હતી અને આના કારણે ફેસબુકની આવકમાં જંગી વધારો થયો હતો. બીજી બાજું ગૂગલે એક દિવસ પહેલા જાહેર કર્યું હતું કે પ્રથમ ક્વાર્ટરની તેની કમાણીમાં ૩૪ ટકાનો વધારો થયો છે અને તેની આવક વધીને પપ.૩ અબજ ડોલર થઇ છે. આમ રોગચાળો મોટી ટેક કંપનીઓને તો બરાબર ફળ્યો લાગે છે.
વૈશ્વિક ઇ-કોમર્સ કંપની એમેઝોનને પણ તગડો નફો આ સમયગાળમાં થયો છે અને તેની આવક અને નફામાં પણ મોટો વધારો નોંધાયો છે. આપણા ભારતના સૌથી મોટા ઔદ્યોગિક જૂથ રિલાયન્સને પણ માર્ચ ક્વાર્ટરમાં મોટો લાભ થયો છે. અલબત્ત, તેેને રોગચાાળાનો સીધો લાભ થયેલો જણાતો નથી. આ રોગચાળો અલબત્ત, દવાની કેટલીક કંપનીઓને અને આરોગ્ય જાળવણી સાધનોના નિર્માતાઓને પણ ફળ્યો જ છે અને તેમની આવકમાં પણ મોટો વધારો થયો છે. અલબત્ત, આ કંપનીઓ એપલ, ફેસબુક જેવી મહાકાય નથી એટલે તેમના નામ બહુ ચમકયા નથી પરંતુ તેમને પણ રોગચાળો ફળ્યો તો છે જ અને તે પણ સ્વાભાવિકપણે. જો કે ઘણી બાબતોમાં આવું થાય છે, કોઇના નુકસાનની બાબત કોઇના લાભની બાબત પણ બની જાય છે. આ કંપનીઓએ ભલે અઢળક કમાણી કરી, પરંતુ રોગચાળાથી ત્રસ્ત વિશ્વ માટે તેઓ કશું નક્કર લાભદાયી કામ હવે કરી બતાવે એવી અપેક્ષા રાખવામાં કશું ખોટું નથી.