National

અજિત પવારને અંતિમ વિદાય આપવા માટે આખું બારામતી ઉમટી પડ્યું

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું બુધવારે 28 જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અચાનક અવસાન થયું. વિમાન લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો, જેમાં અજિત પવાર, પાયલોટ કેપ્ટન સુમિત કપૂર, સહ-પાયલોટ શામ્ભવી પાઠક, ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલી અને વ્યક્તિગત સુરક્ષા અધિકારી વિદીપ જાધવનું મૃત્યુ થયું હતું.

આ ઘટનાએ દેશભરમાં શોકની લહેર ફેલાવી દીધી હતી અને રાજ્યમાં એક નવો રાજકીય શૂન્યાવકાશ સર્જ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કાર્યરત AAIB આ અકસ્માતની તપાસ કરી રહ્યું છે. પોલીસે અકસ્માત મૃત્યુ અહેવાલ (ADR) પણ દાખલ કર્યો છે.

દરમિયાન આજે ગુરુવારે તા. 29 જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અંતિમ સંસ્કાર તેમના રાજકીય ગઢ બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ નીતિન નવીન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત અનેક વરિષ્ઠ નેતાઓ અંતિમ સંસ્કાર માટે પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ નીતિન નવીન અને એકનાથ શિંદેએ અજિત પવારને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી.

પરિવારના સભ્યોએ અજિત પવારને અંતિમ વિદાય આપી, જેમાં સુપ્રિયા સુલે અને તેમની પત્ની સુનેત્રા પવાર એકસાથે ઉભા હતા. બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં અજિત પવારના અંતિમ સંસ્કાર થયા. કાટેવાડીથી વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં અજિત પવારના હજારો સમર્થકો એકઠા થયા. તેમના કેટલાક મુસ્લિમ સમર્થકો પણ પહોંચ્યા.

અજિત પવારના કાકા શરદ પવારે પ્રતિક્રિયા આપતા કહ્યું વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું મૃત્યુ મહારાષ્ટ્રના રાજકારણ અને પવાર પરિવાર માટે મોટો ફટકો છે.

ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું
બારામતી હવાઈ દુર્ઘટનામાં લર્નજેટ વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. અગાઉ, અધિકારીઓએ કહ્યું હતું કે જો વિમાનનું બ્લેક બોક્સ અને ફ્લાઇટ ડેટા મળી આવશે, તો અકસ્માતનું કારણ બનેલી ઘટનાઓનો ચોક્કસ ક્રમ નક્કી કરવા માટે તેમની તપાસ કરવામાં આવશે.

Most Popular

To Top