Comments

વર્ષ ૧૮૯૪ની અંગ્રેજી જેલ સુધારણા સ્વરાજ્યનાં ૭૫મા વરસે પણ નિભાવીશું

વર્ષ ૧૯૯૩માં મુંબઈમાં ૧૨ સ્થળોએ બૉમ્બ બ્લાસ્ટ કરી ૨૫૭ નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારનાર અને ૭૧૩ લોકોને જખમી કરનાર યાકુબ મેમણને ફાંસી આપવાનો ચુકાદો ટાડા કોર્ટે વર્ષ ૨૦૦૭માં આપ્યો હતો પણ આ દેશનાં પ્રામાણિક નાગરિકોનાં ટેકસનાં પૈસા વસુલ કરવાનું હજુ બાકી હશે તો છેવટે ૨૨ વર્ષ પછી મેમણને નાગપુરની જેલમાં રૂ.ર૧.૯ લાખના ખર્ચે ફાંસી આપવામાં આવી. તારીખ ૨૬-૧૧-૨૦૦૮માં દરિયા રસ્તે મુંબઇ પહોંચી ૧૬૬ લોકોને હણી નાખનાર અજમલ કસાબને જેલમાં સાચવવાં મહારાષ્ટ્ર સરકારે રૂ.૨૫ કરોડ ખર્ચવા પડયા! ભારતીય સંવિધાનનું રક્ષણ કરવા માટે પ્રવૃત્ત સંસદ ભવન ઉપર જ હુમલો કરનાર અફઝલગુરુનું જેલવાસ દરમિયાન જતન કર્યુ અને તમામ બંધારણીય વિકલ્પોમાંથી પસાર થતાં સુધી રાહ જોઈ છેવટે ૨૦૧૨માં તિહાર જેલમાં ફાંસી બજાવવામાં આવી.

વર્ષ ૧૮૯૪થી અમલી The Prisons Actમાં અંગ્રેજોએ નોંધ્યુ કે, “A Society gets as many criminals as it deserves”અને આથી સ્વાતંત્ર્યની લડત સમયે આંદામાન-નિકોબારમાં કાળા-પાણીની સજા આપતી સિતમ ગુજારતી સેલ્યુલર જેલ વિકસાવવામાં આવી. તે પછી ૬૧ વર્ષે ૧૯૫૫માં The Bombay Jail Manual દ્વારા જેલ સુધારણા અમલી બનાવવાનો પ્રયત્ન થયો. વાલીયો લુટારો વાલ્મીકી બન્યો; તેવાં પ્રાચીન પ્રમાણને મધ્યસ્થ રાખી બંદીજનો સમાજનુ જ એક અવિભાજય અંગ છે તેવી સામાજિક પ્રતીતિ આપવા રાજય સરકારે ભગીરથ પ્રયત્ન અને ખર્ચ પ્રારંભ્યો. જેલની સુધારણા સાથે ૧૯૯૩માં Human Right Protection Act નીચે જેલને માનસિક રોગના સારવાર કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યુ; એટલુ જ નહીં પણ જેલ ખાતાના ઉદ્દેશમાં લખાયુ કે, (૧) નામદાર કોર્ટ દ્વારા ગુનેગારોને કરવામાં આવતી સજાનું પાલન કરવું. (૨) જેલમાં આવેલ કેદીઓની સલામતી જાળવવી. (૩) કેદીઓને શારીરિક, માનસિક સ્વાસ્થ્યની જાળવણી કરવી. (૪) શિક્ષાના ભાગરૂપે કેદીઓને રોજગારલક્ષી ઉદ્યોગની તાલીમ આપવી ઉપરાંત (૫) જેલમુક્ત થાય પછી સમાજમાં પુન: સ્થાપિત થાય તેવા સુધારાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવું.

જેલની બદલાયેલ વિભાવનાને આકાર આપવા ગુજરાત રાજયે અમદાવાદ વડોદરા ખાતે મધ્યસ્થ જેલ વ્યવસ્થા ઊભી કરી છે. જેમાં મોતની સજા પામેલા, પાંચથી વધુ વખત જેલમાં ગયેલ રીઢા ગુનેગારો તેમજ આજીવન કારાવાસના કેદીઓને રાખવામાં આવે છે. આ ઉપરાંતરાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર પ્રકારે ૮ જીલ્લા કેન્દ્રોમાં તેમજ પોરબંદર-ભૂજમાં ખાસ જેલ તો અમરેલીમાં ખુલ્લી જેલ અને ૧૧ જીલ્લાઓમાં સબજેલ વિકસાવવામાં આવેલ છે. વર્ષ ૧૮૮૧માં સ્થાપિત વડોદરા જેલથી શરૂ કરી ૨૦૦૮માં કરી ૨૦૦૮માં સ્થપાએલ ગોંડલ સબજેલમાં ૭૧૩૧ કેદીઓને સમાવવા ક્ષમતા છે. પણ જેલખાતાના વાર્ષિક અહેવાલ મુજબ ૧૩૪૬૪ કેદીઓને રાખવા પડે છે. આ માટે ભારત સરકારના ૭૫% અને રાજય સરકારના ૨૫% ફાળા સાથે જેલ સુધારણા માટે સરકાર વાર્ષિક 87852 કરોડનો ખર્ચ કરે છે.

જેલ નિવાસ દરમિયાન કેદીઓને સવારે ૭ વાગ્યે પ્રાર્થના, યોગ બાદ ચા સાથે ૧૨૫ ગ્રામ નાસ્તો, બપોરે ૩૫૦ ગ્રામ વજનમાં પ્રત્યેક કેદીને દાળ, ભાત, શાક, રોટલી-રોટલા અને ગોળ પીરસવામાં આવે છે. કાચા કામના કેદીઓ સિવાયના બાકીનાં ઉત્પાદકીય શ્રમ સાથે જોડાય છે અને સાંજના ૪-૩૦ થી ૬ દરમિયાન રમત-ગમત, વાંચન, પ્રવચન પ્રકારના કાર્યક્રમો બાદ સાદું ભોજન આપવામાં આવે છે.

માત્ર વડોદરા જેવી મધ્યસ્થ જેલમાં જ ૧૬ થી ૨૧ વાહનો રાખવામાં આવ્યા છે. ૨૪૭ કર્મચારીઓ જેલના કેદીઓની વ્યવસ્થા કરે છે અને કેદીઓના પુનર્વસનના કલ્યાણકારી ખ્યાલથી જેલમાં સુથારી, વણાટ, બેકરી, પ્રિન્ટીંગ પ્રેસ, ગૌપાલન પ્રકારે ૧૮ થી ૨૦ તાલીમો આપવામાં આવે છે ઉપરાંત આર્ટ ઓફ લિવિંગ, યોગ, નિરક્ષરતા નિવારણ, વ્યસનમુક્તિ, વાંચનાલય પ્રકારે કાર્યક્રમો સાથે ગુનેગારોને જોડવામાં આવે છે. આવી સાર-સંભાળ હોવા છતાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૨૨,૮૯૨ દરદી અને ૧૯-૨૦માં લગભગ ૩૮૦૦૦ કેઢી દરદીઓની લેપ્રસી, શ્વાસોશ્વાસ, ન્યુમોનિયા પ્રકારે રોગની સારવાર કરવી પડેલી, જેનું ડૉકટરી બીલ દેશનાં નાગરિકોએ ભોગવ્યું છે.

ગુજરાત સહિત દેશનાં જેલ કાયદાઓમાં ૧૯૯૩ પછી કોઇ નવા સુધારા દાખલ થયા નથી. આથી ખોરાક, માંદગી સહાય, સ્ટાફ, બિલ્ડીંગ નિભાવ, વાહનો પ્રકારે કરોડો રૂપિયાના રોકાણ પછી પણ ગુજરાતની ૨૫ જેલોમાં કેદીઓ દ્વારા ચાલતા ઉદ્યોગો થકી તો રૂ.૨.૮ કરોડની આવક નોંધાય છે. આ સ્થિતિ વચ્ચે જેલના કેદીઓ ઉપરના માનસ શાસ્ત્રીય અભ્યાસો પરથી ફલિત થાય છે કે માત્ર ૫% કેદીઓ કયારેય ગુનો નહીં આચરવાની માનસિકતાથી બહાર આવે છે. અન્યથા જેલ એ સુધારણા નહીં પણ ગુનેગારોનું સુરક્ષિત આવાસ સ્થાન છે.

પ્રવર્તમાન ન્યાયિક કાયદાઓની ખામી રહી છે કે ગુનેગાર સજા ભોગવે છે પણ, ન તો તેના પરિવારની કાળજી લેવાય છે કે, ન તો ગુનેગારના અમાનવીય વર્તનનો ભોગ બનેલ કુટુંબની કાળજી લેવાય છે!! આથી સરવાળે એક ખૂની, પોતાના અને મરનારના તેમ બે ઘરોને ગરીબી અને લાચારીમાં ઢસડી જાય છે. ગુનેગાર જેલમાં મૃત્યુ પામે તો Human Right Violation હેઠળ જેલ અધિકારી ઉપર પગલા લેવાય છે. આથી રીઢા ગુનેગારો જેલને સુધારણા માટે નહીં, પણ જેલને સુવિધા તરીકે વાપરે છે અને સમાજમાં તંગદીલી ઊભી ને ઊભી જ રહે છે.

રાજકારણના નવા દાવપેચની ચાલમાં જેલનો ઉપયોગ પક્ષિય હિસાબો પાર પાડવા માટે થવા લાગ્યો છે. ગુજરાતમાં જ્યારે BJP શાસક પક્ષે હતી ત્યારે ઇશરત જહાં અને તુલસી એન્કાઉન્ટર જેવા આરોપમાં બાહોશ પોલીસ અધિકારી વણજારા અને બીજા ૧૭ હોદ્દેદારોને ૯ વર્ષ સુધી જેલમાં રખાયા અને ભારત સરકાર BJP ના હાથમાં આવી તે ક્રમશ: કોર્ટે તમામને પુરાવાના અભાવે દોષ મુક્ત કર્યા! આમ, રાજકીય કાવાદાવાના હિસાબોનો ખર્ચ પણ પ્રજાની કેડે. આ તો કેવો ન્યાય!! આ વાસ્તવિકતા વચ્ચે જેલના સળિયા પાછળ ગુનેગારોની સુધારણાના વિચારને પડતો મૂકી ર૧મી સદીમાં જેલ વ્યવસ્થાને ગુનેગારો માટેના કાયદાકીય નિવાસની વ્યવસ્થા તરીકે સ્થાપવા નવો કાયદો જરૂરી છે.

ગુનો આચરનાર વ્યક્તિની મુક્ત રીતે હરવા ફરવાની સ્વતંત્રતા છીનવી લેવા પૂરતા જેલ કાયદાને મર્યાદિત ન રાખતા ગુનેગારોને જેલવાસ દરમિયાન પોતાનો ખર્ચ અને જેના ઉપર ગુનો આચરવામાં આવ્યો છે તે પરિવારનો આર્થિક બોજો ઊઠાવવાની ફરજ પાડવી જોઇએ. અંગ્રેજોએ વિશાળ પરિસરમાં સ્થાપેલ જેલ ગ્રાઉન્ડમાં ટેકસ ફ્રી ઝોન કરી ઉદ્યોગોને નિમંત્રિત કરી ગુનેગારો ફરજિયાતપણે જાત કમાઇ કરે તેવો આગ્રહ રખાવો જોઇએ. મોટર વાઇડીંગ, ઓટો મોબાઇલ રીપેરીંગ, હીરા ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિકસ ઇન્સ્ટ્રુમેન્ટ રીપેરીંગ જેવા નવા માર્કેટ ફ્રેન્ડલી ઉદ્યોગોને તાલીમ અને ઉત્પાદન સાથે જોડવા જોઇએ.જેમ ધર્મના નામે પાખંડ પોસાઇ રહયું છે તેમ, જેલ વ્યવસ્થાના નામે ગુનેગારી પોસાઇ રહી છે જે ચિંતાકારી છે. ત્યારે ચીન સહિત દુનિયાનાં દેશો હવે જેલને સ્વાવલંબી બનાવી પ્રમાણિક નાગરિકોના ટેકસને વેડફવાનો રસ્તો ક્રમશઃ બંધ કરી રહયા છે અને જેલના કેદીઓને જેલ પરિસરમાં કામઢા માણસ તરીકે પુરવાર કરવાની તક આપી તેને સમાજ ઉપર બોજારૂપ ન બનવાની ફરજ પાડી રહયા છે.

નામ ‘જેલ સુધારણા’ છે પણ ખરેખર ગુનેગારોની માનસિક્તામાં ફરક પડતો જ નથી તે જેલ અભ્યાસ દ્વારા સ્પષ્ટ થયું જ છે. ત્યારે જેલ સુધારણા કાયદાને ફરી વિચારણા હેઠળ મૂકવામાં આવે તે સમયની માગ બને છે. Indian Penal code હેઠળ ગુનેગારને સંરક્ષણ આપનાર પણ ગુનેગાર ઠરે છે તો જેલ સુધારણાના નામે ગુનેગારોને કામચલાઉ વિસામો આપતી જેલ અને જેલની વ્યવસ્થાને ગુનેગાર ન કહેવી પડે? ઘણી લાંબી પ્રક્રિયા છે આમ છતાં, ‘જેલ સુધારણા’વિષયે ફેર વિચારણા કરીને કમ સે કમ પ્રમાણિક અને વફાદારીથી ભરપૂર દેશનાં નાગરિકોનાં અધિકારનું જતન થવું જોઈએ. આ માટે નવી શિક્ષણ નીતિનાં નિર્ણય બાદ રાજ્યનાં ગૃહ વિભાગે હિંમત દાખવી પહેલ કરવી જોઈએ.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top