એક દિવસ એક સંત પાસે એક માણસ આવ્યો.અને સંતના પગમાં પડીને કહેવા લાગ્યો કે, ‘મારા જીવનમાં એક નહિ અનેક પરેશાનીઓ છે.હું ચારે બાજુથી બધા પ્રકારની આર્થિક…માનસિક…શારીરિક…કૌટુંબિક સમસ્યાઓથી ઘેરાયેલો છું અને તેમાંથી નીકળવાની જેટલી કોશિશ કરું છું એટલો વધુ ઘેરાતો જાઉં છું. હવે શું કરવું મને કઈ જ સમજાતું નથી.મહેરબાની કરી તમે મને કહો કે મારા જ જીવનમાં આટલી પરેશાનીઓ શા માટે છે ??? અનેશું આ પરેશાનીઓ કયારેય દુર થશે ખરી ??’ સંત હસ્યા અને બોલ્યા, ‘ભાઈ શાંત થા … હું જ્યોતિષ નથી કે તારા સવાલોના જવાબ આપી શકું.પણહું તને માર્ગ બતાવી શકું સાચી સમજણ આપી શકું.સૌથી પહેલા તો સમજી લે કે પરેશાનીઓ માત્ર તારા જીવનમાં જ છે તેવું નથી.બધાના જીવનમાં પરેશાનીઓ હોય જ છે અને એક દુર કરતા બીજી આવતી પણ રહે જ છે.તું એકલો નથી કે જેને પરેશાનીઓ છે.
બીજી વાત ઘણી વાર માણસ જે બાબત સામાન્ય હોય તેને પણ પરેશાની સમજી બેસે છે અને નજીવી વસ્તુની ચિંતાઓ કરી મોટું સ્વરૂપ આપે છે.અને એથી આગળ વધીએ કે જીવનમાં જયારે સાચે જ મોટી સમસ્યા કે પરેશાની આવે તો સૌથી પહેલા મન શાંત રાખી તેનો સામનો કરવો જોઈએ.પ્રયત્નો ચાલુ જ રાખવા જોઈએ આજે નહિ ને કાલે સમય અચૂક બદલાશે જ માટે ધીરજ ધરી પરેશાનીઓનો સામનો કરતા રહેવું.’ પેલા માણસે કહ્યું, ‘મને તમે મારી પરેશાનીઓ દુર કરી આપો બસ…’ સંત હસ્યા અને બોલ્યા, ‘મારી પાસે કે રસ્તો છે તે અપનાવ્યા બાદ તારા જીવનમાં કોઈ પરેશાની રહેશે જ નહિ…’ આ સાંભળી પેલો માણસ તરત બોલી પડ્યો, ‘જલ્દી મને તે રસ્તો કહો હું જે કરવું પડે તે કરવા તૈયાર છું.’ સંત બોલ્યા, ‘પહેલા તું મને કહે કે તારા જીવનમાં પરેશાનીઓ છે જ અને તે તને અશાંત કરે છે.તે દુર કરવા તું કેટલા પ્રયત્નો કરે છે? કેવા પ્રયત્નો કરે છે??’ માણસ બોલ્યો, ‘પરેશાનીઓથી એટલો કંટાળી ગયો છું કે હવે કોઈ પ્રયત્નો જ કરતો નથી. પહેલા પરેશાનીઓ આવતી તો ચારે બાજુ માર્ગ શોધવા ફાંફા મારતો.બધાની મદદ માંગતો અને ભગવાનને સતત પ્રાર્થના કરતો.’
સંતે કહ્યું, ‘તું ભગવાન પાસે જઈને પ્રાર્થના કરતો એટલે તને ભગવાન પર શ્રદ્ધા તો છે બરાબર ….’ માણસ બોલ્યો, ‘હા શ્રધ્ધા તો છે આજે પણ હું અને મારી પત્ની સતત ભગવાનને પ્રાર્થના કરીએ જ છીએ પણ ભગવાન પણ અમારી સામે જોતો જ નથી.’ સંત બોલ્યા, ‘એવું ન હોય ભાઈ …ભગવાન તો બધાનું ધ્યાન રાખે જ છે. હવે તારી બધી પરેશાનીઓ દુર થઇ જાય તેવો રસ્તો સાંભળ….જો તને ભગવાન પર જરા તલભાર શ્રદ્ધા પણ હોય ને તો બધું જ તેને સોંપી દે અને એટલું સમજી અને સ્વીકારી લે કે જે કઈ પણ થાય છે તે ભગવાનની મરજી અને ઈચ્છાથી જ થાય છે, જે દિવસે તારો ભરોસો એકદમ મજબુત થઈ જશે કે જે થાય છે તે બધું જ ઈશ્વરની મરજીથી થાય છે તે દિવસથી તારી બધી જ પરેશાનીઓનો અંત આવી જશે.’ સંતે માણસને સાચી સમજ આપી સાચો રસ્તો દેખાડ્યો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.