Editorial

ગ્લોબલ વોર્મિંગની અસર હવે ખેતીના પાકોમાં પણ દેખાવા લાગી છે જે ગંભીર સંકેત છે

ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઝડપથી વિકસી રહેલ વિશ્વ સાથે વધી રહેલ કાર્બન ઉત્સર્જન કારણે ગ્લોબલ વોર્મિંગ ધરતીના વાતાવરણ માટે સૌથી મોટો ખતરો બનીને ઉભરી આવ્યું છે. જો આ રીતે જ કાર્બન ઉત્સર્જન થતું રહેશે તો તે ધરતીને ધધકતી ભઠ્ઠીમાં ફેરવી દેશે જેથી માણસો માટે જીવવું અઘરું થઇ જશે. વિશ્વની સાથે સાથે તેની પ્રતિકુળ અસર ભારતમાં પણ વ્યાપકપણે થશે. ડીએસટીના મહામના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઇન ક્લાયમેન્ટ ચેન્જ રીસર્ચના વિશ્લેષણમાં આ ભવિષ્યવાણી કરાઈ છે કે 2040 સુધી દેશના ઘણા શહેરોમાં ગરમી ચારથી દસ ગણી વધી શકે છે.

આ અભ્યાસના રીપોર્ટમાં દાવો કરાયો છે કે 2040 સુધી ગ્લોબલ વોર્મિંગ હેઠળ કાર્બન ઉત્સર્જન પર લગામ લગાવવાના સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેમ છતાં ચારથી સાત ગણી ગરમી વધશે અને આ પ્રયત્નો નિષ્ફળ રહ્યા તો ગરમી પાંચથી દસ ગણી વધી શકે છે. જાણકારી અનુસાર 1961થી 2021 વચ્ચે ભારતમાં હીટવેવના સમયગાળામાં આશરે અઢી દિવસનો વધારો થયો છે. મહત્વની વાત તે છે કે આ રીપોર્ટ ભારતના હવામાન વિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિકોએ દેશના વિવિધ હિસ્સોમાં જળવાયુ પરિવર્તન અને તેની અસર પર કરવામાં આવેલ અભ્યાસ પરના રિપોર્ટ સાથે મેળ ખાય છે. એક રીપોર્ટ અનુસાર રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2060 સુધી ભારતના શહેરોમાં હીટ વેવના સમયગાળામાં વધારો થશે અને આ વધારો બારથી અઢાર દિવસનો હોઈ શકે છે.

ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ભારતમાં 30 દિવસના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા ચાર વખત હિટ વેવ આવી શકે છે જે હીટ સ્ટ્રોકનું કારણ બનશે. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના એક અધિકારીએ તારણ કાઢ્યું છે કે,  આવા નક્કર ડેટા ભવિષ્યમાં ભારતીય શહેરોમાં વધતી ગરમીને રોકવા માટેના પગલાં લેવામાં મદદરૂપ સાબિત થશે. તેમણે કહ્યું કે આના પર કામ ચાલી રહ્યું છે અને કેન્દ્ર સરકારે તમામ શહેરો માટે હીટ એક્શન પ્લાન બનાવવાનું શરૂ કર્યું છે. એવા શહેરોની ઓળખ કરવામાં આવી રહી છે જ્યાં ગરમીનું મોજું આવવાની સંભાવના છે જેથી લોકો માટે સલામતીના પગલાં લઈ શકાય. હવામાન પરિવર્તનની અસરો લાંબા સમયથી દેખાઈ રહી છે. દર વર્ષે રેકોર્ડ ગરમી નોંધાઈ રહી છે. આવનારા દિવસોમાં આમાં ચોક્કસપણે વધારો થશે અને ઘણી ચિંતાજનક સ્થિતિ ઊભી થશે.

ગ્લોબલ વોર્મિગ અંગે દુનિયાનો કોઇ પણ દેશ હજી ઠોસ પરિણામ નજીક પહોંચ્યો નથી ત્યાં બીજી તરફ  સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વૉર્મિંગની અસર છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી કૃષિ ઉત્પાદન પર મોટા પાયે શરૂ થઈ ચૂકી છે અને ચોમાસું, શિયાળો અને ઉનાળાની અનિયમિત ચાલ જે રીતે આગળ વધી રહી છે એના પરથી લાગે છે કે ભવિષ્ય ધ્રુજાવી દેનારું હશે એમાં કોઈ શંકા નથી. અલ નીનો અને લા નીના, આવી વાતાવરણની અસર હવે બહુ સામાન્ય બની ચૂકી છે. ખાસ કરીને દરિયાના તાપમાન સાથે સંકળાયેલી આ બે સિસ્ટમની અસરે વિશ્વના કોઈ ખૂણે દુષ્કાળ પડે છે તો કોઈ ખૂણે અતિવૃષ્ટિ જોવા મળે છે. શિયાળાની ઠંડી અને ઉનાળાની ગરમી હવે એની પરાકાષ્ઠાની ઉપર જવા માંડી છે.

માનવીય જીવન પર એની મોટી અસર પડી રહી છે, પણ કૃષિ ઉત્પાદન પર બહુ મોટી અસર જોવા મળી રહી છે. એક તરફ વિજ્ઞાન અને ટેક્નૉલૉજી દ્વારા કાળા માથાનો માનવી પ્રતિ હેક્ટર ઉત્પાદકતા મેળવવા નવાં-નવાં સંશોધનો કરે છે ત્યારે કુદરત પ્રકૃતિ મારફત કૃષિ ઉત્પાદનની સ્થિતિ બગાડી રહ્યું છે. ભારતમાં કોઈ પણ ખાદ્ય તેલોના ભાવ પ્રતિ કિલો ૬૦થી ૮૦ રૂપિયા વર્ષોથી ચાલતા હતા એ ગયા વર્ષે એકાએક વધીને પ્રતિ કિલો ૧૫૦થી ૧૮૦ સુધી પહોંચી ગયા હતા. જોતજોતામાં કોઈ પણ ખાદ્ય ચીજોના ભાવ ટૂંકા ગાળામાં બેથી ત્રણ ગણા વધી ગયા હોવાથી એવું ભાગ્યે જ બન્યું છે. છેલ્લાં ત્રણ વર્ષમાં જોઈએ તો આવું વારંવાર બનતું આવ્યું છે.

ભારતીય માર્કેટમાં જીરુંનો ભાવ પ્રતિ કિલો ૧૪૦થી ૧૫૦ રૂપિયા સામાન્ય રીતે બોલાતો આવ્યો છે, અત્યારે જીરુંનો ભાવ પ્રતિ કિલો ૩૫૦થી ૩૮૦ રૂપિયા બોલાય છે. ગયા વર્ષે રૂના ભાવ વધીને ઑલટાઇમ હાઈ ૧ લાખ રૂપિયા થયા હતા. આટલી બધી મોંઘવારી માટે અનેક કારણોને જવાબદાર માનવામાં આવે છે, પણ વાસ્તવમાં આટલી મોટી મોંઘવારી માટે ગ્લોબલ વૉર્મિંગની વધતી અસર અને એને કારણે કૃષિ ઉત્પાદનમાં થયેલો મોટો ઘટાડો જવાબદાર છે.

ગયા વર્ષે મલેશિયા-ઇન્ડોનેશિયામાં ભારે વરસાદથી પામ ફ્રૂટના ઉત્પાદનને અસર થઈ હતી, તો કૅનેડામાં કનોલાનું ઉત્પાદન ૧૪ વર્ષના તળિયે અને બ્રાઝિલ-આર્જેન્ટિના, પારાગ્વે, ઉરુગ્વે તથા બોલિવિયામાં દુષ્કાળની અસરે ૨૦૦થી ૨૫૦ લાખ ટન સોયાબીનનું ઉત્પાદન ઓછું થયું હતું એને કારણે ખાદ્ય તેલોના ભાવ વધ્યા હતા. જીરુંના ભાવ વધવાનું મુખ્ય કારણ ગુજરાત-રાજસ્થાનમાં વધારે પડતી ઠંડીથી જીરુંના પાકમાં મોટો બગાડ જોવા મળ્યો હતો એને કારણે ઉત્પાદન ધારણા કરતાં ૩૦થી ૪૦ ટકા ઓછું થયું હતું એ જ રીતે ગુજરાત-મહારાષ્ટ્ર અને તેલંગણમાં ગયા વર્ષે પ્રતિકૂળ વાતાવરણને કારણે કપાસના પાકને મોટું નુકસાન થતાં રૂના ભાવ ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા હતા.

દેશમાં ગરમીનું પ્રમાણ વધવા લાગ્યું છે અને ઘઉં ઉત્પાદક અનેક રાજ્યોમાં ફરી ઉત્પાદકોમાં ચિંતાનાં વાદળો ઘેરાવા લાગ્યાં છે, કારણ કે ગયા વર્ષે ફેબ્રુઆરી અંત અને માર્ચનું તાપમાન સરેરાશથી અનેક ગણું વધ્યું હોવાથી ઉત્પાદનને મોટી અસર પહોંચી હતી અને ભાવ આસમાને પહોંચ્યા હતા. ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ઘઉંમાં કાપણી શરૂ થાય એનાં ત્રણ અઠવાડિયાં પહેલાં, ખાનગી હવામાન આગાહી કરનાર સ્કાયમેટે જણાવ્યું કે વરસાદની ગેરહાજરી વાતાવરણમાં ભેજનું સ્તર ઘટાડી રહી છે અને ગરમીનો તણાવ વધારી રહી છે જે શિયાળામાં ઉગાડવામાં આવતાં અનાજ માટે હાનિકારક છે.

વિશ્વમાં સોયાબીનનું સૌથી મોટું ઉત્પાદક બનેલા બ્રાઝિલમાં ગયા વર્ષે સોયાબીનના વાવેતર બાદ અનેક સંસ્થાઓએ ૧૪૦૦થી ૧૪૫૦ ટન સોયાબીનનું ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો હતો, પણ બ્રાઝિલમાં એવો દુષ્કાળ પડ્યો કે સોયાબીનનું ઉત્પાદન ઘટીને ૧૨૮૦ લાખ ટન થયું હતું. આર્જેન્ટિનામાં છેલ્લાં બે વર્ષથી સતત દુષ્કાળ પડી રહ્યો છે. ગયા વર્ષે ૫૦૦ ટનના ઉત્પાદન સામે ૪૨૦ લાખ ટન સોયાબીનનું ઉત્પાદન થયું હતું અને ચાલુ વર્ષે શરૂઆતમાં ૪૪૦ લાખ ટન સોયાબીનનું ઉત્પાદન થવાનો અંદાજ મુકાયો છે, પણ દુષ્કાળની અસરે હવે ૩૪૦ લાખ ટન સોયાબીનનું ઉત્પાદન થવું મુશ્કેલ છે. કનોલા (રાયડો)નું વિશ્વનું સૌથી મોટું ઉત્પાદક કૅનેડામાં ગયા વર્ષે વાતાવરણની અસર એટલી મોટી થઈ કે કનોલાનું ઉત્પાદન ૧૪ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયું હતું. ચીનમાં ગ્લોબલ વૉર્મિંગની અસરે ગયા ચોમાસામાં નદીઓનાં પાણી સુકાઈ ગયાં અને ૭૦ વર્ષનો સૌથી મોટો દુષ્કાળ અનેક વિસ્તારમાં જોવા મળ્યો હતો.

Most Popular

To Top