સુંદર સાડી, કપાળમાં મોટો ગોળ ચાંદલો કરેલ એક પ્રભાવશાળી મહિલા રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે એક ઓટોરિક્ષાવાળાએ નજીક આવીને પૂછ્યું ‘‘ચલો માતાજી! કહાઁ જાના હૈ?’’ મહિલાએ મોઢું બગાડીને નકામો જવાબ આપ્યો. બીજે દિવસે આ જ મહિલા સલવાર સૂટ પહેરીને આ જ રસ્તા પરથી નીકળી, ત્યારે આ જ રિક્ષાવાળો ફરી પાછો મળ્યો, ત્યારે તેણે પૂછ્યું ‘‘ચલો દીદી! કહાં જાના હૈ?’’ ફરી આ મહિલાએ ડોકું ધુણાવી નકારમાં જવાબ આપ્યો. ત્રીજા દિવસે આ મહિલા જીન્સ પેન્ટ અને ટી શર્ટ પહેરીને નીકળી ત્યારે આ જ રીક્ષાવાળાનો ફરી ભેટો થઈ ગયો ત્યારે તેણે થોડી દૂરી બનાવીને પૂછયું ‘‘ચલો મેડમ! આપકો કહાં જાના હૈ?’’ હવે આ મહિલાથી રહી શકાયું નહીં, તેથી તેણે કહ્યું, ‘‘ભાઈ મારે ક્યાંય જવું નથી.
હું અહીં નજીકમાં જ રહું છું અને મારા બાળકને સ્કૂલે લેવા જાઉ છું પણ મને જવાબ આપ કે તું મને રોજ રોજ નવાં નવાં સંબોધનોથી કેમ બોલાવે છે?’’ ત્યારે રિક્ષાવાળાએ મૃદુ સ્વરમાં જવાબ આપ્યો, ‘‘જુઓ, તમે જ્યારે સાડી પહેરીને નીકળ્યા હતા ત્યારે મને તમારામાં મારી માતાનું સ્વરૂપ દેખાયું હતું. બીજી વખત જ્યારે તમે સલવાર સૂટ પહેર્યો ત્યારે મને મારી બહેનનું સ્વરૂપ દેખાયું હતું અને આજે જ્યારે તમે જીન્સ પેન્ટ પહેર્યો છે એમાં મને કોઈ પ્રકારની લાગણી ઉત્પન્ન ન થઈ અને ઘણી દૂરી નજર આવી એટલે મેં ‘મેડમ’ સંબોધન કર્યું. જવાબ સાંભળીને મહિલા સ્તબ્ધ થઈ ગઈ કે એક સામાન્ય દેખાતા રિક્ષાવાળાનો વિચાર પણ વિચાર માંગી લે છે કે સામાન્ય લગતો પહેરવેશ પણ માણસના વિચારમાં કેટલો ઊંડો પ્રભાવ પાડી શકે છે.
સુરત – રેખા એમ.પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પુરુષ રડી જ નથી શકતો
પુરુષને આપણે અહંકારનું શિક્ષણ આપ્યું છે અને તેનું પરિણામ એ આવ્યું કે પુરુષની એક ક્ષમતા જ નષ્ટ થઇ ગઇ તે રડી જ નથી શકતો. પુરુષ બાળકને જન્મ નથી આપતો માટે તેને ગર્ભ નથી આપ્યો. સ્ત્રીને ગર્ભ આપ્યો છે. પરંતુ પુરુષની આંખ પાછળ એટલી જ આંસુની ગ્રંથીઓ છે જેટલી સ્ત્રીની આંખ પાછળ. માટે પ્રકૃતિએ તો ઇચ્છયું હતું કે બંને રડે, બંને રુદનની કલા શીખે. પરંતુ પુરુષ તો ખોટો તકલીફમાં મુકાયો છે.
સુરત – ડાહ્યાભાઇ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.