Charchapatra

ભૂલકાંઓના હિતમાં શિક્ષણ મંત્રી તાકીદે યોગ્ય નિર્ણય લે

હાલમાં કોરોના, ઓમક્રોન વાયરસનો ઝડપથી ફેલાવો થઇ રહ્યો છે. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવાં મહાનગરોમાં અનેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંક્રમિત થવાના બનાવો વધતા રહ્યા છે તે સંજોગોમાં શાળાઓમાં ઓફ લાઇન શિક્ષણ ચાલુ રાખવાનો આગ્રહ યોગ્ય જણાતો નથી. ઘણા શાળા સંચાલકોએ ઓન લાઇન શિક્ષણ બંધ કરી બાળકોને શાળામાં મોકલવાનો આગ્રહ સેવ્યો છે આથી વાલીઓ લાચાર અને ચિંતિત બની ગયા છે. સરકારે જાહેર સ્થળોએ ટ્રેનમાં જેમણે વેકસીનના બંને ડોઝ લીધા હોય તેમને જ પ્રવેશ આપવાનું જાહેર કર્યું છે. જયારે ધો. ૧ થી ૫ નાં બાળકોને માટે કોઇ વેકસીનની જોગવાઇ નથી. તો સરકાર અને શાળા સંચાલકો શા માટે બાળકોને શાળામાં બોલાવવાનો આગ્રહ રાખે છે?

તે સમજાતું નથી. વળી વાલીઓના સંમતિપત્રકનો  પણ આગ્રહ રખાય છે તો કયો વાલી પોતાના બાળક માટે સંમતિપત્રક આપશે? અને આપશે તો પણ પોતાનું બાળક સંક્રમિત થશે કે કંઇ પણ અજુગતું બનશે તો તે માટે કોણ જવાબદાર? હાલની પરિસ્થિતિ જોતાં નાનાં ભૂલકાંઓના હિતમાં શિક્ષણમંત્રી તાકીદે  યોગ્ય નિર્ણય લે. કયાં હાલમાં શાળા બંધ કરો અથવા ઓનલાઇન શિક્ષણ શરૂ કરો. વળી ૧૫ થી ૧૮ વર્ષનાને વેકસીન આપવાના છે, પણ ૧૫ થી નીચેની વયનાં બાળકોનું શું? ઉપરાંત નાનાં બાળકોની રોગપ્રતિકારશકિત પણ હોતી નથી. તેથી બાળકોને શાળાએ બોલાવવાં યોગ્ય તો નથી જ.
સુરત    – મનિષ ઠકકર આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top