સૂર્ય-ચંદ્રને ગ્રહણ લાગે છે કારણ કે એ પ્રકાશપુંજ છે પણ એ ગ્રહણ થોડો સમય માટે જ હોય છે. એમ જીવનમાં પણ મુશ્કેલીઓનું ગ્રહણ લાગે પણ તે થોડો સમય માટે જ હોય છે માટે ગભરાવું નહીં. જે પ્રકાશ રેલાવે છે એને ક્યારેક અવરોધ આવે છે. જે સારું કાર્ય કરતા હોય છે એને પણ ક્યારેક અવરોધ આવતા હોય છે. એનાથી ડરીને કંઈ કાર્ય કરવાનું છોડી ન દેવાય.
સૂર્ય અને ચંદ્રનું કામ છે સમયસર આવીને પ્રકાશ પાથરવાનું. એ પોતાનું કાર્ય અવિરત કરતા જ રહે છે. ક્યારેક ગ્રહણ સમો અવરોધ આવે પણ એ અમુક સમય પછી ટળી જાય છે. સૂર્ય-ચંદ્ર એમ બધા ગ્રહો પોતાની રીતે ગતિ કરતા રહે છે. એ ગતિ એટલે જીવનની ગતિ છે. જીવનને ગતિમાન રાખવું એ આપણો ધર્મ છે અને આપણું કર્મ છે. ગતિમાન હોય એને જ અવરોધ આવે, બાકી બેઠો રહે એને કંઈ છે જ નહીં અને બેસી રહે એ કંઈ પ્રાપ્ત પણ કરી શકતો નથી. જીવન ચાલવાનું નામ છે અને ગતિમાં રહેતાં જ પ્રગતિ કરી શકાય છે. આપણે જોયું છે કે, સારું કામ કરનારના માર્ગમાં પથરા નાખનાર પણ ઘણા હોય છે પણ એ પોતાનું કર્મ કરતો રહે છે. અવરોધોથી ડરીને પોતાનું કર્મ અટકાવી દેતો નથી માટે જીવન છે તો મુશ્કેલીઓ આવવાની જ, અવરોધો આવશે જ, તેનાથી ગભરાઈને ગતિ છોડી દેવાની નથી. તકલીફોથી હતાશ થઈ ગયા તો જીવનમાં પૂર્ણવિરામ આવી જાય. નિરાશાનું બીજું નામ મૃત્યુ જ છે. નિરાશ થઈ ગયેલો માણસ મરેલા માણસ સમાન છે.
ભગવદ્દ ગીતામાં પણ મુખ્ય કર્મનું મહત્ત્વ વર્ણવ્યું છે. હતાશ અને દ્વિધામાં પડેલા અર્જુનને શસ્ત્ર ઉઠાવવા શ્રીકૃષ્ણે પ્રેરણા આપી. અર્જુનને તેનું કર્મ શું છે, તેનો ધર્મ શું છે, એ સમજાવ્યું પછી અર્જુન બેવડો જુસ્સો લઈ યુધ્ધના મેદાને ઊતર્યો અને જીત મેળવી અધર્મ સામે તેને લડવાનું હતું. એ કૃષ્ણે સમજાવ્યું. એમ માણસે જીવનના યુધ્ધમાં આવનારી મુશ્કેલીઓ, અનીતિ વગેરે સામે લડવાનું છે. ધર્મ અને નીતિને સાથે રાખી માણસ જીવે તો કઠીન જરૂર લાગે પણ એ અશક્ય નથી જ. આખરે યુધ્ધ એ જ જીવન છે અને જીવન છે તો ઝઝૂમવું તો પડશે જ.
ગ્રહણ થોડો સમય માટે હોય છે
By
Posted on