SURAT

સર્વિસ રોડ પર બેફામ કાર દોડાવી ચાલકે 3 બાળકો સહિત 5ને અડફેટે લીધા, CCTV આવ્યા સામે

સુરત (Surat): શહેરના લિંબાયત વિસ્તારના સર્વિસ રોડ (Service Road) પર અકસ્માતના (Accident) સીસીટીવી ફૂટેજ (CCTV) સામે આવ્યા છે. કાર ચાલકે સર્વિસ રોડ પર બેફામ ફૂલસ્પીડમાં કાર દોડાવી 3 બાળકો સહિત 5ને અડફેટે લીધા છે. અકસ્માત સર્જીને ઈકોનો કાર ચાલક નાસી ગયો હતો. અકસ્માતના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયાં છે. સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે તપાસ હાથ ધરી છે.

સર્વિસ રોડ પર વાહનોની સ્પીડ ઓછી હોય છે. મોટા ભાગે લોકો સર્વિસ રોડ ચાલવા માટે યુઝ કરતા હોય છે, પરંતુ કેટલાંક વાહનચાલકો સર્વિસ રોડ પર રોંગસાઈડ પૂરઝડપે વાહનો દોડાવી લોકોના જીવ જોખમમાં મુકે છે. આવી જ એક ઘટના લિંબાયત વિસ્તારમાં રવિવારે રાત્રે બની છે.

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે લિંબાયતના સર્વિસ રોડ પર લોકો સાઈડ પર ઉભા છે.એક ખાણીપીણીની દુકાન પાસે ઉભા હોય છે. કેટલાંક લોકો વાહનો પાર્ક કરી રહ્યાં છે, ત્યારે એક ઈકો કાર ફુલસ્પીડમાં દોડી આવે છે અને રોડની સાઈડ પર ચાલતા અને ઉભેલા લોકોને અડફેટે લે છે. સાથે જ કાર કાર ચાલક રસ્તા પરથી પસાર થતી મહિલા અને તેના બાળકને આગળથી અડફેટે લે છે. જેથી માતાનું બાળક નીચે પડી જાય છે. જેના પરથી પાછળનું વ્હીલ ફરી વળ્યું હતુ. કારની સ્પીડ એટલી વધારે હતી કે તે મહિલા, બાળકો સહિત 5ને આડેધડ ઉડાવી દે છે.

અકસ્માત સર્જાય બાદ કાર ચાલક ઉભો રહેતો નથી અને ત્યાંથી ભાગી છૂટે છે. આ સમગ્ર ઘટનાથી આસપાસના લોકો ચોંકી જાય છે. કાર ચાલકને પકડવા પ્રયાસ કરે છે પણ તે નિષ્ફળ રહે છે. જોકે કાર અકસ્માતની ઘટના સીસીટીવી ફૂટેજ પર કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી કાર ચાલકને શોધવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

Most Popular

To Top