પુણે : સ્ત્રીઓ કોઈનાથી ઓછી ઉતરતી નથી, તે પુરૂષોની સરખામણીમાં હંમેશા ખરી ઉતરે છે. આવી જ એક ઘટના પુણેથી (Pune) સામે આવી છે જ્યાં એક 42 વર્ષીય મહિલાએ ચાલુ બસમાંથી (Bus) સ્ટીયરિંગ (Steering) સંભાળી યાત્રીઓના જીવ બચાવ્યા હતા. મહારાષ્ટ્રના પુણેમાં મહિલાઓ અને બાળકોને લઈ જઈ રહેલી મિની બસના ડ્રાઈવરને (Driver) અચાનક ખેંચ (Stroke) આવી ગઈ હતી, જેના કારણે તે નીચે પડી ગયો. ત્યારબાદ બસમાં બેઠેલી 42 વર્ષની યોગિતા સાતવે (Yogita Satav) એક મિનિટનો પણ વિચાર કર્યા વિના બસનું સ્ટિયરિંગ પોતાના હાથમાં લઈ લીધું હતું. યોગિતાએ બસને 10 કિલોમીટર સુધી ચલાવી હતી અને તેણી એજ બસ ડ્રાઈવરને હોસ્પિટલ લઈ જઈ ડ્રાઈવરનો જીવ બચાવ્યો હતો.
ચાલુ બસે ડ્રાઇવરને આવ્યો સ્ટ્રોક
મળતી માહિતી અનુસાર આ ઘટના 7 જાન્યુઆરીની છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે, યોગિતા તેની સાથે અન્ય મહિલાઓ અને બાળકો શિરુરમાં એક કૃષિ પર્યટન સ્થળ પર પિકનિક કરીને બસમાંથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ડ્રાઈવરને અચાનક ખેંચ આવવા લાગતા તે નીચે પડી ગયો હતો. ચાલુ બસે જ યોગીતાએ બસને સંભાળી લીધી હતી. એટલું જ નહી પરંતુ તેણે ડ્રાઇવરની મદદ કરીને 10 કિમી સુધી બસને ચલાવી હતી. યોગિતાએ પ્રાઈવેટ હોસ્પિટલમાં ડ્રાઈવરને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો. હાલ ડ્રાઈવરની સ્થિતિ સારી છે અને ડોકટર્સનું કહેવું છે કે તેને ટૂંક સમયમાં જ ડિસ્ચાર્જ કરવામાં આવશે.
યોગીતાએ બસ પહેલી વખત જ ચલાવી હતી
યોગિતાએ જણાવ્યું કે મને કાર ચલાવતા આવડે છે. પરંતુ બસ પહેલી વાર જ ચલાવી હતી. બાળકો અને મહિલાઓને ગભરાયેલા જોઈને તેણે બસ ચલાવવાનું નક્કી કર્યું. યોગિતાએ અન્ય લોકોને પણ તેમના ઘર સુધી મૂકી દીધા હતા. કટોકટીના સમયમાં ગભરાયા વિના સમજદારીપૂર્વક કામ કરવા બદલ લોકો યોગિતાની પ્રશંસા કરી રહ્યા છે. વાઘોલી ગામના પૂર્વ સરપંચ જયશ્રી સાતવ પાટીલે પોતાના સહયોગી અને પિકનિકના આયોજક આશા વાઘમારેની સાથે યોગિતા સાતવના ઘરે જઈને તેમનું સન્માન કર્યું હતું.
સોશિયલ મીડિયા પર થયો વિડીયો વાયરલ
યોગિતાનું સાહસનિય કામ સૌ કોઈ વખાણી રહ્યું છે. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને લોકોએ સોશિયલ મીડિયા પર ખૂબ શેર કર્યો છે. આ સાથે જ યોગીતાને ઘણો પ્રેમ મળી રહ્યો છે. લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. લોકોએ ઘણી સારી કોમેન્ટ કરી છે કારણ કે સાતવે સંકટના સમયે હિંમત બતાવી અને ગભરાયા નહીં અને મોટું કામ કર્યું.