મલેકપુર : મહિસાગર જિલ્લાના ભાજપ કારોબારી સભ્યની ગયા સપ્તાહે રાત્રે પાલ્લા ખાતે તેમના ઘરે અજાણ્યા શખશે તેમના ઘરમાં ઘુસી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી હતી. સાથોસાથ તેમના પત્નીની પણ હત્યા કરતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ બેવડી હત્યામાં પોલીસે તપાસ હાથ ધરી મૃતકના મિત્રની ધરપકડ કરી હતી. પશુ લેવા માટે આપેલા રૂ.20 હજારની ઉઘરાણીને લઇ ઉશ્કેરાયેલા મિત્રએ ઢીમ ઢાળી દીધું હોવાનું કબુલ્યું હતું.
મહિસાગર જિલ્લાના લુણવાડા તાલુકાના મલેકપુરથી ૧૫ કિલોમીટર દૂર આવેલા ગોલ્લાના પાલ્લા ગામે મહીસાગર જીલ્લાના ભાજપ કારોબારી સભ્ય ત્રિભુવનભાઈ પંચાલ અને જશોદાબહેન પંચાલની અજાણ્યા ઈસમો દ્વારા ઘાતકી હત્યા કરી હતી. આ હત્યાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા રાકેશ બારોટ, એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી. ડી. ધરોડા, એસઓજી સહિતની ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં ઘરમાં કોઇ લૂંટનો બનાવ ન બન્યો હોવાથી અદાવતમાં હત્યા કરાઇ હોવાનું તારણ નિકળ્યું હતું. તેવી જ રીતે ઘરના પાછળના ભાગેથી હત્યારો આવ્યો હોવાથી અંગત વ્યક્તિ હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. આખરે આ મુદ્દે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, ત્રિભોવનભાઈના મોબાઇલની કોલ ડિટેઇલ કઢાવતા છેલ્લી વાતચીત તેમના મિત્ર ભીખા ધુળાભાઈ પટેલ સાથે થઇ હતી.આથી, પોલીસે શકમંદ તરીકે તેની અટક કરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં તે ભાંગી પડ્યો હતો અને હત્યાની કબુલાત કરી હતી.
આ સંદર્ભે ભીખા પટેલે કબુલાતમાં જણાવ્યું હતું કે, ત્રિભોવનદાસે ઘટનાની રાત્રે આશરે સાડા સાતેક વાગે ફોન કરી પૈસાની લેવડ દેવડ બાબતે વાત કરી અપમાનજનક શબ્દો બોલી પૈસાની માગણી કરી હતી. આ અપશબ્દથી ભીખાભાઈને લાગી આવ્યું હતું અને ઉશ્કેરાય કહ્યું કે હું આવું છું. બાદમાં ભીખાભાઈ ઘરમાં મુકેલું લોખંડનો કાયતો (પાળીયું) લઇને ત્રિભોવનદાસના ઘરે ગયાં હતાં અને પાછળથી પાળીયાંના માથામાં ઉપરા છાપરી ઘા મારી દીધાં હતાં. આ અવાજથી તેમના પત્ની પણ દોડી આવ્યાં હતાં. જેથી ભીખાએ પોતાની ઓળખ છતી ન થાય તે માટે તેમને પણ માથામાં ફટકા મારી હત્યા કરી હતી. બાદમાં ત્રિભોવનદાસનો ફોન લઇને બહાર નીકળી લોખંડનું પાળીયું નજીકમાં ફેંકી ઘરે જતો રહ્યો હતો.
- પશુ લેવા માટે રૂ. 20 હજાર આપ્યાં હતાં
ત્રિભોવનદાસે પશુ લેવા માટે ભીખાભાઈ પટેલને રૂ.20 હજાર આપ્યાં હતાં. આ ઉપરાંત પોતાનું ખેતર પણ ખેડવા ભીખાને આપ્યું હતું. જોકે, તે સમયસર રૂ.20 હજાર ચુકવી શક્યો નહતો. આથી, ત્રિભોવનદાસે પૈસા લેવા માટે દિવસમાં ચાર વખત ફોન કરી ઉઘરાણી કરી હતી. આ ઉઘરાણી દરમિયાન તેઓએ અપશબ્દ પણ કહ્યાં હતાં. જેથી ભીખો ઉશ્કેરાઈ ગયો હતો અને બેવડી હત્યા કરી નાંખી હતી.
- હત્યા કરનારા ભીખા પટેલને ત્રણ દિવસના રિમાન્ડ લેવાયાં
ત્રિભોવનદાસ અને તેમના પત્ની જશોદાબહેનની હત્યામાં પોલીસે ભીખા પટેલની ધરપકડ કરી હતી. જેને કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યાં છે. આ રિમાન્ડ દરમિયાન અનેક બાબતો બહાર આવે તેવી શક્યતા રહેલી છે.