વડોદરા : વાઘોડિયા રોડ દંતેશ્વરની હદમાં ગેરકાયદેસર રીતે ઉભું કરાયેલ વ્હાઇટ હાઉસ અનેક અટકળો બાદ આખરે જમીન દોસ્ત થઇ ગયું છે. સરકારી જમીન ઉપરથી આ દબાણ તો દૂર કરાયું છે પરંતુ જેની રહેમ નજર હેઠળ આ બાંધકામ ઉભું કરાયું હતું તેવા અધિકારીઓ અને મોટા ગજના માથાઓ સામે સકંજો ક્યારે કસવામાં આવશે તે ચર્ચાએ હાલમાં જોર પકડ્યું છે. આ કૌભાંડ પાછળ અનેક મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેમ છે. વિવાદિત વ્હાઇટ હાઉસ ઉપર બુધવારના ઓડ બુલડોઝર ફરી વળ્યું હતું અને આલીશાન બંગલાને ધરાશાયી કરી દેવાયો હતો.
આજે આ સ્થળે માત્ર કાટમાળ જોવા મળી રહ્યો છે. ગત મોડી રાત સુધી આ કામગીરી ચાલી હતી જો કે સ્થાનિકોએ રાતે 10 કલાકે આ કામગીરી અટકાવી હતી. આજે સવારે આ સ્થળ ઉપર માત્ર બંગાળનો કાટમાળ જ જોવા મળ્યો હતો. આ વ્હાઇટ હાઉસને તોડી પાડી હાલ તો તંત્ર ક્રેડિટ ભલે લઇ રહ્યું હૉય પરંતુ આ કૌભાંડ આચરનારા અનેક મોટા માથા હજુ પણ બિન્દાસ્ત રીતે ફરી રહ્યા છે. આ મસમોટા કૌભાંડ પાછળ અનેક સરકારી અધિકારીઓ કે જેમાં પટાવાળા થી લઈને પ્રથમ હરોળના અધિકારીઓ પણ સંડોવાયેલા છે. સરકારના ચૂંટાયેલા નેતાઓ અને માજી મંત્રીની પણ સંડોવણી અંગે ભૂતકાળમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ભૂમાફિયા દ્વારા આટલી મોટી જમીન ઉપર કૌભાંડ આચરવું એ કોઈની રહેમ નજર વગર શક્ય જ નહિ. ત્યારે આ વ્હાઇટ હાઉસ તો તોડી માત્ર સંતોષ ન માનવામાં આવે અને કૌભાંડમાં સંડોવાયેલા મોટા માથાઓને પણ ખુલ્લા પાડવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.
વિપક્ષના ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તેઓએ અનેક રજૂઆતો કરી હતી અને તેમાં સત્તાધારી પક્ષના મેયર અને ધારાસભ્યોએ પણ સુર પુરાવ્યો હતો. અને જેના પગલે અંતે આ વ્હાઇટ હાઉસ તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ વાત અહીંથી અટકતી નથી. હજુ કેટલાય મોટા માથાઓ અંદર સંડોવાયેલા છે. જેઓ સામે લડત ચાલુ જ છે. આગામી દિવસોમાં હજુ પણ આવા કૌભાંડ ખુલ્લા પાડવામાં આવશે જેમાં આ જ શખ્સની સંડોવણી છે. ત્યારે સરકારી બાબુઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તે ઇચ્છનીય છે.