Charchapatra

ચર્ચાપત્ર વિભાગ એ તો ગુજરાતિમત્રનું હૃદય છે

તા. ૮-૩-૨૨ (મંગળવાર)ના રોજ પ્રવીણસિંહ મહીડાનું ‘ગુજરાતમિત્રનું ઘરેણું’ ટાઇટલવાળુ ચર્ચાપત્ર વાંચ્યુ. હું તો કહીશ કે ગુજરાતમિત્રનો ચર્ચાપત્ર વિભાગ એ તો ગુજરાતમિત્રનું હૃદય છે અને ચર્ચાપત્રીઓએ આ હૃદયને ધબકતુ રાખવાનું છે. ગુજરાતમિત્રની વિશેષતા તો એ છે કે ચર્ચાપત્રની કોલમ રોજ નિયમિત રીતે પછાય છે જયારે અન્ય દૈનિકો અન્ય નામે સાપ્તાહિક રીતે છાપે છે. વળી આ પ્રકારની ચર્ચા અન્ય કોઇપણ દૈનિકપત્રમાં આટલી પ્રભાવશાળી રીતે કરવામાં આવતી નથી.  ચર્ચાપત્રી એ નર્મદના સમયનો ‘દાંડીઓ’ છે. જયાં પણ સાચુ – ખોટુ થતું હોય તો ચર્ચાપત્રી દ્વારા ચર્ચાપત્ર વિભાગમાં તુરન્ત આવી જ જતું હોય છે. સરકારી તંત્ર, અર્ધસરકારી તંત્ર, સુ.મ્યુ.કો., પોલિસ તંત્ર, ન્યાયતંત્ર કે કોઇપણ અન્ય ખાતાઓમાં જયાં ખોટું થતું હોય તો ચર્ચાપત્ર વિભાગમાં તેની નોંધ લેવાય છે. આમ આ કોલમ એક દિવાદાંડી છે. હા, ચર્ચાપત્રીનો ધર્મ એ છે કે તેણે નિષ્પક્ષપણે અને સંપૂર્ણ તટસ્થભાવે કોઇપણ જાતના પૂર્વગ્રહ વગર એમનું લખાણ લખવું જોઇએ. સૌથી મહત્વની વાત તો એ છે કે ગુજરાતમિત્રના સંચાલકોએ પણ ૧૫૯ વર્ષ બાદ પણ સમાચારો પ્રગટ કરવામાં તટસ્થતા અને વિશ્વસનિયતા જાળવી રાખી છે! આશા રાખીએ કે ગુજરાતમિત્રનું આ હૃદય (ચર્ચાપત્ર વિભાગ) હરહંમેશ ધબકતું જ રહે!
સુરત – ડો. કિરીટ એન. ડુમસિયા           – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top