એક યાત્રિકોના ગ્રુપને લઈને એક જૂની સઢવાળી નાવ બેટદ્વારકા જઈ રહી હતી.જતી વખતે પવન એટલો સુસવાટા મારતો વહી રહ્યો હતો કે જાણે નાવને સરસ વેગ મળ્યો અને સઢમાં પવન એવો ભરચક્ક ભરાયો હતો, જાણે એમ લાગતું હતું કે સઢ ફાટી જશે.હોડીમાંથી ઉતરતાં એક બધી વાતના જાણકાર હોવાનું માનતા યાત્રીએ નાવિકને કહ્યું, ‘પવન બહુ તોફાની છે. આવતી વખતે તો પવન આપણી આવવાની દિશામાં હતો એટલે અનુકૂળ રહ્યો, પરંતુ પાછા વળતી વખતે સામા પવને જવું અઘરું પડશે,ત્યારે શું કરશું?’
નાવના એક વૃદ્ધ અનુભવી નાવિકે એટલો જ જવાબ આપ્યો, ‘સાહેબ, તમે જાવ ઝટ કરો, જલ્દી દર્શન કરી આવો એટલે અંધારું થતાં પહેલાં દ્વારકા પહોંચી જઈએ.’ પેલા યાત્રીએ પૂછ્યું, ‘પણ આટલો તોફાની પવન હશે તો પાછા વળવામાં તકલીફ થશે તો?’ બીજા યાત્રીઓ પણ ચિંતામાં પડી ગયા.વૃદ્ધ નાવિકે કહ્યું, ‘એ બધી ચિંતા તમે ન કરો, જાવ જઈને દર્શન કરો.પવનની ચિંતા અને પાછા વળવાની ચિંતા મારી પર છોડી દો.’
દર્શન કરીને બધા આવ્યા. પવન તો જોરથી ફૂંકાતો હતો, એટલે બધાના મુખ પર થોડી ચિંતા ડોકાઈ રહી હતી કે આટલા પવનમાં સામા પવને નાવ કઈ રીતે ચાલશે.બધા ધડકતા હૈયે નાવમાં બેઠા અને ખલાસીઓએ લંગર ઉઠાવ્યા અને નાવ સડસડાટ પવન સાથે વાતો કરતી ઉપડી.બધા યાત્રીઓની ચિંતા દૂર થઇ. તેમણે રાહતનો શ્વાસ લીધો પરંતુ પેલા યાત્રી જેમણે સામા પવને નાવ ચલાવવી અઘરી પડશેની વાત મૂકી હતી તેઓ તો મૂંઝાઈ ગયા કે કોઈ તકલીફ વિના નાવ આટલી સડસડાટ કઈ રીતે ચાલી શકે.તે હોશિયાર યાત્રીના મુખ પર મૂંઝવણ હતી.જે પેલા વૃદ્ધ નાવિક કળી ગયા,વૃદ્ધ નાવિક તે યાત્રીની પાસે ગયા અને બોલ્યા, ‘મુંઝાવ નહિ, જરા ઉપર સઢ તરફ નજર કરો, તમને તમારી મુંઝવણનો જવાબ મળી જશે.’
યાત્રિકે તરત ઉપર સઢ તરફ જોયું અને નોંધ્યું કે સઢની દિશા બદલાયેલી હતી.બેટદ્વારકા જતી વખતે પવન જે દિશામાં ફૂંકાઈ રહ્યો હતો અત્યારે પણ એ જ દિશામાં ફૂંકાઈ રહ્યો હતો પરંતુ અનુભવી ખલાસીએ સઢની દિશા એવી રીતે ફેરવી હતી કે તે પવન પાછા વળવા માટે સામી દિશામાં હોડીને વેગ આપી રહ્યો હતો.આ બધી કરામત સઢ અને સઢની દિશાની હતી.વૃદ્ધ નાવિકે કહ્યું, ‘વાયરાને જેમ વાવું હોય તેમ વાય. આપણે સઢને શી રીતે ગોઠવીએ છીએ એના પર જ બધો આધાર છે.’
આ વાત જેટલી નાવ અને પવનને લાગુ પડે છે એટલી જ આપણા જીવનની નૌકાને લાગુ પડે છે.સંસારસાગરમાં જયારે તોફાની પવન ફૂંકાય, મુશ્કેલીઓના વાયરા વાય ત્યારે આપણને જીવનના સઢની દિશા બદલતા અને સંભાળતા આવડે, સંજોગોને અનુકૂળ થતાં આવડે તો જીવન નૌકા પાર પડી શકે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.